Team SMC પર ફાયરિંગ કરનારી ટોળકીના રિમાન્ડ મંજૂર, કોની હત્યા કરવા આવ્યા હતા આ રિઢા અપરાધીઓ ?
મનીષ કુમાવત નામના શખસે ત્રણ-ચાર શૂટરને ગુનાહિત કૃત્યને અંજામ આપવા બોલાવ્યા હોવાની માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે હાથ ધરેલી કાર્યવાહીમાં નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે સામ-સામે ફાયરિંગ થયા. Team SMC એ એક ઘાયલ સહિત ચાર આરોપીઓને પકડી પાડ્યા અને તેમની પાસેથી કુલ ત્રણ પિસ્તૉલ, 27 કારતૂસ અને રેમ્બો નાઈફ કબજે કર્યું. રિઢા ગુનેગારોની ટોળકી દક્ષિણ ગુજરાતમાં ઘાતક હથિયારો સાથે કેમ એકઠી થઈ હતી અને શું અંજામ આપવાનો હતો ? આ સવાલના જવાબો મેળવવા Team State Monitoring Cell એ આરોપીઓને અદાલતમાં રજૂ કરી 8 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
Team SMC એ કેવી રીતે ઑપરેશન પાર પાડ્યું ?
સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ ચંદ્રશેખર પનારા (PI C H Panara) ને બાતમી મળી હતી કે, મનીષ કુમાવતે ત્રણ-ચાર શૂટર બીલીમોરા ખાતે બોલાવ્યા છે. જેથી પીઆઈ પનારા અને તેમની ટીમમાં સામેલ હેડ કૉન્સ્ટેબલ પ્રતાપકુમાર, નિખિલેશ, પ્રકાશભાઈ અને કૉન્સ્ટેબલ નવનીતકુમાર સાથે બે વાહનોમાં બીલીમોરા બસ સ્ટેશન પાસે જવા માટે નીકળ્યા હતા. બસ સ્ટેશન પાસેની હૉટલ અનુકુળના પાર્કિંગમાંથી મનીષ કુમાવત અને તેની સાથે અન્ય એક શખસ મદન કુમાવત મળી આવતા તેમને અટકમાં લઈ પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, યશસિંઘ ઉર્ફે મોન્ટી (રહે. હરિયાણા) અને રિષભ શર્મા ઉર્ફે રાવણ (રહે.મધ્યપ્રદેશ) બંને હથિયારો લઈને આવ્યા છે અને સોમનાથ મહાદેવ રોડ પરની દુકાનમાં તે છુપાવ્યા છે. આથી Team SMC મદન અને મનીષ ઉર્ફે મુન્ના કુમાવતને સાથે લઈને મનીષની દુકાને ગઈ હતી. જ્યાં રહેલા એક તૂટેલા એરકુલરમાં છુપાવેલી બે પિસ્તૉલ તથા 23 કારતૂસ કબજે લીધા હતા. દરમિયાનમાં યશ અને રિષભને દુકાન તરફ આવતા તેમને અટકમાં લીધા હતા. બંને શખસોની અંગજડતી લેવા પોલીસે પ્રયાસ કર્યો ત્યારે યશસિંઘે પોતાની પાસે રહેલી પિસ્તૉલમાંથી બે રાઉન્ડ પોલીસ સામે ફાયર કરતા પીઆઈ સી.એચ.પનારાએ વળતા જવાબમાં બે રાઉન્ડ ફાયરિંગ કરતા યશ ઉર્ફે મોન્ટીને પગના પંજામાં ગોળી વાગી ગઈ હતી. આ મામલે ઘાયલ સહિત ઝડપાયેલા ચારેય શખસો સામે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશન (SMC Police Station) ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.
Team SMC ને આશંકા, ગંભીર ગુનાને આપવાના હતા અંજામ
રાજસ્થાન છોડીને મનીષ કુમાવત લાંબા સમયથી નવસારી જિલ્લાના બીલીમોરા (Bilimora Navsari) ખાતે પત્ની સાથે રહેવા આવી ગયો છે અને જય ભેરૂનાથ કિરાણા સ્ટોર ચલાવે છે. મનીષ કુમાવતની દુકાનમાંથી છુપાવેલી બે પિસ્તૉલ, 23 કારતૂસ અને ફાયરિંગમાં ઘાયલ યશ ઉર્ફે મોન્ટી પાસેથી મળેલી પિસ્તૉલ, 4 કારતૂસ અને મોટો છરો આરોપીઓના ઈરાદ સૂચવે છે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. ત્રણ પિસ્તૉલ, 27 કારતૂસ અને છરો મળી આવતા આરોપીઓની કરેલી પ્રાથમિક પૂછપરછમાં બેએક આરોપી સહકાર નથી આપી રહ્યાં. હત્યા/લૂંટના ગુનાને અંજામ આપવા અથવા સોપારી કિલિંગ માટે ગુનેગાર ટોળકી એકઠી થઈ હોવાની વાત સામે આવી રહી છે.
પકડાયેલા આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ
મનીષ કુમાવત સામે રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના કેલવા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં આર્મ્સ એક્ટના બે ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે રિષભ શર્મા ઉર્ફે રાવણ સામે મધ્યપ્રદેશમા જબલપુર જિલ્લાના ગોસલપુર પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2019માં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરવાનો ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત આર્મ્સ એક્ટ અને મારામારી, ધમકી આપવાના બે ગુના નોંધાયેલા છે. રિષભ શર્મા જબલપુરમાં રાવણ ગેંગ ચલાવતો હોવાની પણ માહિતી Team SMC ને મળી છે.
આ પણ વાંચો-Tehran માં ગુજરાતીઓને બંધક બનાવી ખંડણી વસૂલનારી ટોળકીના સાગરીતને ગાંધીનગર પોલીસે દિલ્હીથી ઝડપી લીધો


