VADODARA : બે કુખ્યાત બુટલેગર સામે ગુજસિટોક અંતર્ગત ગુનો નોંધાયો
- સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બુટલેગરો પર આકરી કાર્યવાહીથી ફફડાટ
- વડોદરાના બે સહિત કુલ 13 સામે નોંધ્યો ગુનો
- દારૂની મોટી સિન્ડિકેટ પર ગુજસિટોક અંતર્ગત આકરી કાર્યવાહી
VADODARA : વડોદરા (VADODARA) માં વિદેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ધરાવતા બે બુટલેગર નિલુ સિંધી અને જીગો ઉર્ફે ચામડો વિરૂદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલ (STATE MONITORING CELL - SMC) દ્વારા ગુજસિટોક (GUJCTOC) અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજસ્થાની ગેંગ સહિત કુલ 13 સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની આકરી કાર્યવાહીને પગલે બુટલેગરોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે.
ખોડિયાર નગરમાંથી દારૂનું મોટું ગોડાઉન પણ ઝડપાયું હતું
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કુખ્યાત બુટલેગર નિલેશ ઉર્ફે નિલુ સિંધી અને બુટલેગર રવિ ઉર્ફે જીગો ઉર્ફે ચામડો ઠાકોર વિરૂદ્ધ ગુજસિટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બુટલેગર નિલેશ ઉર્ફે નિલુ સિંધીને તાજેતરમાં હરિયાણા પોલીસે વિદેશી દારૂના કેસમાં વડોદરા આવીને પકડ્યો હતો. તે બાદ ખોડિયાર નગર વિસ્તારમાંથી તેનું દારૂનું મોટું ગોડાઉન પણ ઝડપાયું હતું. જેમાં દરોડા પાડતા મોટી માત્રામાં વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. હાલમાં નિલુ સિંધી જેલમાં છે. તેની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરીને વધુ કાર્યવાહી કરવામાં આવનાર છે.
ગેંગ બુટલેગરોને પંજાબ, ગોવામાંથી દારૂનો સપ્લાય કરતી હતી
ગુજસિટોક કેસનો આરોપી બુટલેગર રવિ ઉર્ફે જીગો ઉર્ફે ચામડો ઠાકોર હાલ ફરાર છે. તેને ઝડપી પાડવા માટે પોલીસ સઘન કાર્યવાહી કરી રહી છે. વડોદરાની ગેંગને દારૂની હેરાફેરીમાં મદદ કરતા રાજસ્થાની ગેંગ સામે પણ ગુજસિટોક અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ઉપરોક્ત મામલે 13 સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગેંગ બુટલેગરોને પંજાબ, ગોવામાંથી દારૂનો સપ્લાય કરતી હતી. બુટલેગરો પર આકરી કાર્યવાહીને પગલે ગેરકાયદેસર દારૂનું વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.
આ પણ વાંચો --- Surat : કુખ્યાત સજ્જુ કોઠારી અને તેના ભાઈની ધરપકડ, પૈસાની લેતી દેતીમાં ભત્રીજાના લમણે તાણી હતી પિસ્તોલ


