GTU ની પરીક્ષામાં ગયા વર્ષનું પ્રશ્નપત્ર પૂછાતા વિદ્યાર્થી સંગઠનોમાં રોષનો માહોલ
- GTU: પ્રશ્નપત્રમાં મોડરેશનની પદ્ધતિ અમલ કરવા માટે પણ ABVP એ માંગ કરી
- મળતીયાઓને પાસ કરી દેવા બાબતે આ સુનિયોજિત ષડયંત્ર: ABVP
- યુનિવર્સિટી દ્વારા આ ગંભીર ભૂલ મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી: કુલપતિ
GTU: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષામાં ગયા વર્ષનું પ્રશ્નપત્ર બેઠું પૂછવા બાબતે વિદ્યાર્થી સંગઠનોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને NSUI એ GTUમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ABVP એ પ્રશ્નપત્ર કાઢવા બાબતે થયેલી ગંભીર ભૂલ અંગે મોટો દાવો કરતા આરોપ લગાવ્યો છે કે પ્રોફેસર દ્વારા તેમના મળતીયાઓને પાસ કરી દેવા બાબતે આ સુનિયોજિત ષડયંત્ર છે.
પ્રશ્નપત્રમાં મોડરેશનની પદ્ધતિ અમલ કરવા માટે પણ ABVP એ માંગ કરી
આ બેદરકારી નથી પરંતુ કેટલાક લોકોને પાસ કરાવવાનો કારસો રચાયો હતો જે મામલે વિદ્યાર્થી પરિષદ વિરોધ નોંધાવી રહ્યું છે. પ્રશ્નપત્રમાં મોડરેશનની પદ્ધતિ અમલ કરવા માટે પણ ABVP એ માંગ કરી. ઉપરાંત જવાબદાર પ્રોફેસર સામે ઉદાહરણ સ્વરૂપ કાર્યવાહી કરવા માટે પણ રજૂઆત કરાઈ. બીજી તરફ NSUI કાર્યકર્તાઓએ પણ GTU ના કુલપતિ ને મળીને ઉગ્ર પ્રશ્નપત્ર કાઢવા બાબતે ભૂલ કરનાર પ્રોફેસર સામે હજુ સુધી કાર્યવાહી કેમ ન કરાય હોવાનો સવાલ કરી, તાત્કાલિક કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.
GTU: હાલ યુનિવર્સિટીની વિન્ટર પરીક્ષા ચાલી રહી છે
હાલ યુનિવર્સિટીની વિન્ટર પરીક્ષા ચાલી રહી છે. જેમાં સિવિલ બ્રાન્ચના સાતમા સેમેસ્ટરનાં વિદ્યાર્થીઓ માટે 13 નવેમ્બરે પ્રશ્નપત્ર પૂછવામાં આવ્યું હતું, જે અગાઉ ની પરીક્ષામાં પૂછવામાં આવેલ હતું. પ્રશ્નપત્રમાં પેપર સેટર દ્વારા કોઈપણ પ્રકારનો બદલાવ કર્યા વગર સીધેસીધું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું જેના કારણે વિવાદ થયો.
હાલ યુનિવર્સિટી દ્વારા આ ગંભીર ભૂલ મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી
GTU ના કુલપતિ એ પણ આ મામલે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે હાલ યુનિવર્સિટી દ્વારા આ ગંભીર ભૂલ મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તપાસ થઈ રહી છે. આમના દિવસોમાં વધુ ફુલ પ્રુફ સિસ્ટમ બને અને કોઈ ભૂલ ન થાય એ પ્રકારની દિશામાં પણ કામગીરી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે કોઈપણ બાબતમાં મીડિયાથી દૂરી બનાવતા કુલપતિ આજે જોવા મળ્યા અને માત્ર પ્રશ્નપત્ર બાબતે ભૂલ અંગે જ વાત કરવા માટે તૈયારી બતાવી જ્યારે તેમને CCC પરીક્ષાનાં ગોટાળા અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે અંગે કોઈ પણ કહેવાનો ઇનકાર કર્યો.
આ પણ વાંચો: Surat સાયબર ક્રાઇમે પર્સનલ લોન તથા નોકરીના બહાને થતું કૌભાંડ ઝડપ્યું


