Surat: વીર નર્મદ યુનિવર્સિટીની વિદ્યાર્થિની વોશરૂમમાં AI થી ચોરી કરતા ઝડપાઇ, પછી જે થયું..!
- Surat ની VNSGUની પરીક્ષામાં વિદ્યાર્થિની AI થી ચોરી કરતાં ઝડપાઈ
- ચેટ GPTના આપેલા જવાબો લખતાં વિદ્યાર્થિની ઝડપાઈ
- પરીક્ષામાં પાસ થવા AI ટૂલ્સ અને હાઇટેક ગેજેટ્સનો ઉપયોગ કર્યો
- કોમ્પ્યુટર સાયન્સની પરીક્ષામાં કોડિંગ માટે AIનો ઉપયોગ કર્યો
- વોશરૂમમાં જઈને મોબાઈલથી ચેટ GPTનો ઉપયોગ કરતાં ઝડપાઈ
- ત્રણે વિદ્યાર્થિનીઓએ બ્લૂટૂથ ઇયરબર્ડ પહેરીને પરીક્ષા આપી હતી
Surat:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં ચાલી રહેલી સેમેસ્ટર પરીક્ષાઓમાં અત્યાર સુધીનો સૌથી આધુનિક અને ગંભીર ચોરીનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વિદ્યાર્થિનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સનો ઉપયોગ કરતા પકડાયા છે. યુનિવર્સિટીની અચાનક આવેલી ફ્લાઈંગ સ્ક્વોડે કોમ્પ્યુટર સાયન્સની પરીક્ષામાં એક વિદ્યાર્થિનીને Chat GPT અને Gemini જેવા પ્લેટફોર્મથી લાઇવ જવાબો મેળવી કોડિંગના જવાબ લખતી ઝડપી પાડી હતી. આ ચોરીની પદ્ધતિએ સમગ્ર શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચાવ્યો છે.
AI દ્વારા કોડિંગના જવાબો મેળવવાનો પ્રયાસ
સૌથી ચોંકાવનારો કિસ્સો કોમ્પ્યુટર સાયન્સની પરીક્ષાનો છે. આરોપ છે કે એક વિદ્યાર્થિનીએ પરીક્ષા દરમિયાન વોશરૂમમાં જઈને પોતાના મોબાઈલનો ઉપયોગ કર્યો હતો. તેણે Chat GPT અને Gemini જેવા AI પ્લેટફોર્મમાં કોડિંગના પ્રશ્નો નાખીને તેના જવાબો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બહાર નીકળતી વખતે ફ્લાઈંગ સ્ક્વોડને શંકા જતાં તેને ઝડપી લેવામાં આવી હતી અને તેની પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો. આ વિદ્યાર્થિની AI ટૂલ્સના તૈયાર જવાબો લખતી હતી. આ ઘટના એ વાતનો સંકેત આપે છે કે વિદ્યાર્થીઓ હવે પરીક્ષામાં પાસ થવા માટે ટેકનોલોજીનો દુરુપયોગ કરી રહ્યા છે, જે વિદ્યાર્થીઓની પ્રમાણિકતા અને શૈક્ષણિક ગુણવત્તા પર ગંભીર અસર કરી શકે છે.
લાંબા વાળની આડમાં એરબર્ડ્સનો દુરુપયોગ
Surat | એક્ઝામમાં ચોરી CHATGPTથી કરી તો ગયા સમજો | Gujarat First #Gujarat #Surat #VeerNarmadSouthGujaratUniversity #UniversityExam #ChatGPT #Student #GujaratFirst pic.twitter.com/WKs6Rtytvj
— Gujarat First (@GujaratFirst) November 28, 2025
AI ચોરીની સાથે સાથે હાઇટેક ગેજેટ્સ દ્વારા ચોરીના અન્ય કિસ્સાઓ પણ નોંધાયા છે. ત્રણ વિદ્યાર્થિનીઓ એરબર્ડ્સ પહેરીને પરીક્ષા આપવા બેઠી હતી. લાંબા વાળ હોવાના કારણે તેમના એરબર્ડ્સ સુપરવાઇઝરની નજરે ચડ્યા નહોતા. જોકે, જવાબ લખવાની પદ્ધતિ પર શંકા જતાં સુપરવાઇઝરે તપાસ કરી અને એરબર્ડ્સ જપ્ત કરીને ગેરરીતિનો કેસ કર્યો હતો. ઉપરાંત, અન્ય કેટલાક વિદ્યાર્થીઓ પણ મોબાઈલ ફોન લઈ આવ્યા હતા. તેઓએ મોબાઈલની બ્રાઇટનેસ (પ્રકાશ) સાવ ડાઉન કરીને ગેલેરીમાં સંગ્રહિત પુસ્તકોના ફોટામાંથી જવાબો જોઈને લખી રહ્યા હતા. અચાનક આવેલી સ્ક્વોડે આ તમામ વિદ્યાર્થીઓને પકડી પાડ્યા હતા.
યુનિવર્સિટી દ્વારા કડક પગલાં
ગેરરીતિના આ તમામ કિસ્સાઓ સામે આવ્યા બાદ યુનિવર્સિટીએ કડક વલણ અપનાવ્યું છે. તમામ ગેરરીતિ કરનાર વિદ્યાર્થિનીઓ વિરુદ્ધ કેસ નોંધીને આ અંગેનો સંપૂર્ણ રિપોર્ટ પરીક્ષા વિભાગને મોકલી આપવામાં આવ્યો છે. નિયમો મુજબ, આ વિદ્યાર્થીઓને તેમની ગેરરીતિના પ્રમાણસર અલગ-અલગ દંડ ફટકારવામાં આવશે. આ ચોરીને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે તાત્કાલિક અસરથી નવી ગાઇડલાઇન પણ જાહેર કરી છે. આ ગાઇડલાઇનમાં ખાસ કરીને એવા જવાબો પર ધ્યાન આપવા જણાવાયું છે જે AI પ્લેટફોર્મ દ્વારા તૈયાર કરાયેલા હોય. પ્રશ્નપત્રોની ચકાસણી કરતી વખતે સુપરવાઇઝર્સને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો કોઈ જવાબ AI દ્વારા લખાયેલો જણાઈ આવે તો તેના માર્ક્સ કાપી લેવા.
આ પણ વાંચોઃ Junagadh: ‘આચાર્યને અનેક રજૂઆત કરવા છતાં બાળકોને કરાવે છે કામ’, કાર્યવાહી નહીં થાય તો..!


