ભારતમાં રખડતા શ્વાનનો આતંક, દરરોજ 3થી 4 લોકોના થાય છે મોત
રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ઘણા એવા વિસ્તારો છે કે જ્યા લોકો હવે ઘરની બહાર નીકળવામાં પણ ડર અનુભવી રહ્યા છે. એવું નથી કે શ્વાનનો આતંક માત્ર ભારતમાં જ છે. ભારતમાં રખડતા શ્વાનની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ સૌથી વધુ શ્વાનની સંખ્યામાં ચીન પ્રથમ ક્રમાંકે આવે છે. તે પછી આપણો દેશ ભારત છે. સ્ટેટ ઓફ પેટ હોમલેસનેસ ઇન્કેક્સના રિપોર્ટ અનુસાર, વિશ્વમાં ચીન પછી ભારત રખડતા શ્વાનની સંખ્યામાં બીજા ક્રમે છે જ્યા હાલમાં 6 કરોડ રખડતા શ્વાન છે.
ભારતમાં રખડતા શ્વાનની સંખ્યા 6 કરોડ
ભારતમાં તમને કોઇ પણ ગલીએ રખડતા શ્વાન જોવા મળી જશે. તેમની સંખ્યામાં વધારો થયા બાદ હવે તેનાથી લોકોમાં ડર વધી ગયો છે. જેનું એક કારણ તમને ચોંકાવી દેશે. આપને જાણીને નવાઈ લાગશે કે, રખડતા શ્વાનથી દરરોજ 3થી 4 ના મોત થાય છે. સ્ટેટ ઓફ પેટ હોમલેસનેસ ઇન્કેક્સનો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીન પછી ભારતમાં સૌથી વધુ રખડતા કૂતરાઓ છે. ભારતમાં રખડતા શ્વાનની સંખ્યા 6 કરોડ જેટલી છે. જોકે, 2019માં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલી પશુધન ગણતરીમાં રખડતા પ્રાણીઓની સંખ્યા બે કરોડ ત્રણ લાખ જણાવવામાં આવી છે. જેમાં 1 કરોડ 53 લાખ રખડતા કૂતરાઓ છે. જણાવી દઇએ કે, આગામી વસ્તી ગણતરી 2024માં થવાની છે. જોકે, આજે જે રીતે શ્વાનનો આતંક વધી રહ્યો છે તે જોતા તે સ્પષ્ટ કહી શકાય કે ભારતમાં રખડતા શ્વાનોની સંખ્યા પહેલા કરતા પણ વધુ હશે.
ભારતના આ સાત રાજ્યોમાં રખડતા શ્વાનની સંખ્યા થઇ બમણી
ગુજરાતમાં રખડતા શ્વાનના કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહીં પણ આ રખડતા શ્વાનની સંખ્યા વધી હોય તેવુ લાગી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, દેશના ઘણા રાજ્યો છે કે જ્યા આ શ્વાનની સંખ્યા અચાનક જ બમણી થઇ ગઇ છે. જેમા ઉત્તરાખંડ, ઓડિશા, કર્ણાટક અને મેઘાલય સહિત સાત રાજ્યો છે. જો કે આશ્ચર્યજનક રીતે ઉત્તરપ્રદેશમાં સાત વર્ષમાં રખડતા કૂતરાઓની સંખ્યા 41 લાખ 79 હજારથી ઘટીને 20 લાખ 59 લાખ થઈ ગઈ છે. જો સર્વે પ્રમાણિકતાથી કરવામાં આવ્યો હોય અને રિપોર્ટ સાચો હોય તો આ મોડલ સમગ્ર દેશમાં અપનાવવું જોઈએ. રિપોર્ટમાં પણ બિહારમાં સાત વર્ષમાં રખડતા કૂતરાઓની સંખ્યામાં ત્રણ લાખનો ઘટાડો દર્શાવવામાં આવ્યો છે, જે આશ્ચર્યજનક છે. સ્થાનિક સંસ્થાઓ દ્વારા કોઈપણ પ્રકારની નસબંધી ઝુંબેશ વિના આ કેવી રીતે શક્ય બન્યું તેનો પણ અભ્યાસ કરવાની જરૂર છે.
આ દેશમાં કોઈ રખડતા કૂતરા નથી
સમાચાર અનુસાર, નેધરલેન્ડ એક એવો દેશ છે જે દાવો કરે છે કે ત્યાં એક પણ રખડતા શ્વાન નથી. ત્યાં સરકારના કેટલાક કડક નિયમોના કારણે લોકોને રખડતા શ્વાનની સમસ્યામાંથી મુક્તિ મળી છે. જણાવી દઇએ કે, નેધરલેન્ડ્સમાં રખડતા શ્વાનની મોટા પાયે નસબંધી કરવામાં આવી હતી. આ સાથે, જે લોકો દુકાનમાંથી શ્વાન ખરીદતા હતા તેમના પર ભારે ટેક્સ લાદવામાં આવ્યો હતો. તો બીજી તરફ રખડતા શ્વાન પાળનારાઓને ટેક્સમાં છૂટ આપવામાં આવી હતી. આ માટે નેધરલેન્ડ સરકારે પણ લોકોને પ્રોત્સાહિત કર્યા. એક દાવા મુજબ, રખડતા શ્વાનની નસબંધીને કારણે નેધરલેન્ડ્સમાં તેમની સંખ્યા ઝડપથી વધી શકી નથી. સરકારે અહીં CNVRની નીતિ લાગુ કરી છે. તેનો અર્થ છે એકત્રિત કરો, ન્યુટર કરો, રસી આપો અને પરત કરો. નેધરલેન્ડ્સમાં CNVR નીતિ સખત રીતે અપનાવવામાં આવી છે.
આ પણ વાંચો - ગાંધીનગરમાં વધ્યો રખડતા શ્વાનનો આતંક, સેક્ટર 3 ના વૃદ્ધાને ભર્યા બચકા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ





