ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું

અમદાવાદથી લંડન જતાં એર ઇન્ડિયાના વિમાનની સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટનામાં રાજ્ય સરકારે બચાવ અને રાહત કામગીરી સાથે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.
08:05 PM Jun 13, 2025 IST | Vishal Khamar
અમદાવાદથી લંડન જતાં એર ઇન્ડિયાના વિમાનની સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટનામાં રાજ્ય સરકારે બચાવ અને રાહત કામગીરી સાથે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.
bhupendra patel gujarat first

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ દુર્ઘટનાની જાણ થતાં જ તેમણે સમગ્ર તંત્રને બચાવ-રાહત કામગીરી માટે જોડાવાની તત્કાલ સૂચનાઓ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે આ દુર્ઘટનાની ગંભીરતા જોતા રાજ્ય સરકારને કેન્દ્રીય એજન્સીઓની મદદ પૂરી પાડી હતી. એટલું જ નહિ, વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીએ દુર્ઘટના સ્થળની તથા ઇજાગ્રસ્તોની મુલાકાત પણ અમદાવાદ આવીને લીધી હતી અને રાજ્ય સરકારને બચાવ-રાહત કામગીરી માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ફાયર સર્વિસની ટીમે 30 થી વધુ વ્યક્તિઓનું રેસ્ક્યું કર્યું

વિમાન દુર્ઘટનાના સ્થળે આર્મીના 250થી વધુ જવાનો, રેપિડ એક્શન ફોર્સની 1 ટીમ, એન.ડી.આર.એફ.- એસ.ડી.આર.એફ.ની 3 ટીમે બચાવ-રાહત કામગીરી માટે મોરચો સંભાળ્યો હતો. માત્ર 3 મિનિટના રિસ્પોન્સ ટાઈમમાં ફાયર સર્વિસીસની બે ટીમોએ ઘટના સ્થળે પહોંચીને 30થી વધુ વ્યક્તિઓનું રેસ્ક્યૂ કર્યું હતું. 139 પ્રકારના વિવિધ ફાયરના સાધનો સાથે ફાયર સર્વિસીસના 612 કર્મચારીઓએ વિમાનના કાટમાળમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા તથા આસપાસના વિસ્તારના ઘાયલ થયેલા લોકોને સારવાર માટે પહોંચાડવામાં મદદરૂપ થયા હતા. ઘટના સ્થળે મૃતદેહો અને માનવ અંગોને શોધવા માટે પોલીસતંત્રએ ખાસ ડોગ સ્ક્વોડ પણ કામગીરીમાં જોડ્યું હતું.

ગ્રીન કોરિડોર ઉભો કરાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇજાગ્રસ્તોને તત્કાલ સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ સુધી પહોંચાડવા ગ્રીન કોરિડોર ઊભો કરાવ્યો હતો અને 100થી વધુ એમ્બ્યુલન્સની સેવાઓ લેવામાં આવી હતી. ઈજાગ્રસ્તોની સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો અને પેરામેડિકલ ટીમ ખડે પગે રહ્યા હતા અને ઈજાગ્રસ્તોની સારવાર સુશ્રૂષા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સીધા માર્ગદર્શનમાં શરૂ કરી હતી.

સિવિલ હોસ્પિટલ ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત

રાજ્ય સરકારે આ દુર્ઘટનાને અત્યંત સંવેદનશીલતા અને ગંભીરતા જોતા અસરગ્રસ્તો-ઇજાગ્રસ્તોના સગાં-સંબંધીઓને સિવિલ હોસ્પિટલમાં માર્ગદર્શન માટે 4 આઈ.એ.એસ. અધિકારીઓને જવાબદારી સોંપી છે. SEOC ખાતે 16 નાયબ કલેક્ટરો અને 16 મામલતદાર સહિત મહેસૂલી તંત્રની ટીમ કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત, પ્લેનના મુસાફરોના સગાં-સંબંધીઓને યોગ્ય જાણકારી અને મદદ માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે રાઉન્ડ ધ ક્લોક 24X7 કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલા છે. આ દુર્ઘટનાનો ભોગ બનેલા મુસાફરોના સ્વજનો માટે અમદાવાદમાં રહેઠાણ અને વાહન સુવિધા પણ રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આઠ વ્યક્તિઓના મૃતદેહોની ઓળખ થતા સ્વજનોને સોંપાયા

દુર્ઘટના સ્થળની આસપાસના રહેણાંક વિસ્તારના ભોગ બનેલા લોકો પૈકીના આઠ વ્યક્તિઓના મૃતદેહોની ઓળખ થતા તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા વ્યક્તિઓના 219 જેટલા સંબંધીઓ ડી.એન.એ. ટેસ્ટીંગ અને બ્લડ સેમ્પલ માટે અત્યાર સુધીમાં આવ્યા છે તેમના સેમ્પલ લેવામાં આવ્યાં છે અને બાકીના તમામ સંબંધિતોના પરિવારજનોનો આ હેતુસર સંપર્ક કરવામાં આવ્યો છે. એફ.એસ.એલ.ની 10 ટીમના 36 જેટલા એક્સપર્ટ્સ આ માટે 24X7 ફરજરત છે. આ દુર્ઘટના બાદ 50 જેટલા વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ ઇજાગ્રસ્તોમાંથી 16ને બહારના દર્દી તરીકે તથા 31ને ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર અપાઈ રહી છે. આજે સાંજ સુધીમાં 12 જેટલા ઇજાગ્રસ્તોને રજા આપવામાં આવશે

ટીમોની રચના કરી સ્વજનોનું કાઉન્સેલીંગ કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે વિમાનના મુસાફરો જે જિલ્લા-શહેરમાં વસવાટ કરતા હતા ત્યાંના કલેક્ટરતંત્રને સૂચનાઓ આપીને તેમના સ્નેહીજનોનો સામે ચાલીને સંપર્ક કરીને સાંત્વના આપી હતી અને સંબંધિત સંપર્ક માટે જરૂરી સહયોગ આપ્યો હતો. કોમ્યુનિકેશન પ્લાન અંતર્ગત ખાસ ટીમોની રચના કરીને આ દુર્ઘટનાનો ભોગ બનેલા સ્વજનોનું કાઉન્સેલીંગ કરીને તેમને માર્ગદર્શન અને મનોબળ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ Surat : અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલો, સુરતની મહિલાએ પ્લેનમાં ક્ષતિ હોવાનો કર્યો દાવો

ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીએ શ્રેષ્ઠતા પુરવાર કરી

રાજ્ય સરકારે દુર્ઘટના સ્થળે નાગરિક ઉડ્ડયનમંત્રાલય સાથેની કામગીરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા માર્ગ-મકાન વિભાગના ૧૫૦ જેટલા કર્મીઓ, 41 ડમ્પર-ટ્રેક્ટર, 16 જેસીબી અને 3 એક્સકેવેટર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યાં છે. આમ, આરોગ્ય, એફ.એસ.એલ, ફાયર, પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર તથા કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના ઉચ્ચ સચિવઓના સુચારું સંકલનથી થયેલી કામગીરીએ રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટની શ્રેષ્ઠતા પુરવાર કરી છે.

આ પણ વાંચોઃAHMEDABAD PLANE CRASH : 10 પરિવારની કહાની તમને અંદરથી હચમચાવી મુકશે

Tags :
Ahmedabad Plane AccidentAhmedabad Plane crashChief Minister Bhupendra PatelGandhinagar NewsGujarat FirstGUJARAT FIRST NEWSHarshabhai SanghviPlane Crash
Next Article