અમેરિકાએ ન્યુક્લિયર મિસાઇલનું પરીક્ષણ કર્યું, કેલિફોર્નિયાથી 'મિનિટમેન-3' છોડી!
- Minuteman-3 ICBM: અમેરિકાએ પરમાણુ મિસાઇલનું કર્યું પરીક્ષણ
- અમેરિકાએ મિનિટમેન-3નું કર્યું સફળ પરીક્ષણ
- આ પરીક્ષણ 625મી સ્ટ્રેટેજિક ઓપરેશન્સ સ્ક્વોડ્રનની ટીમે કર્યું
અમેરિકાએ મિનિટમેન-3 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) નું સફળ પરીક્ષણ કર્યું છે. યુએસ સ્પેસ ફોર્સ કમાન્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. આ શક્તિશાળી મિસાઇલ કેલિફોર્નિયાના વેન્ડેનબર્ગ એરફોર્સ બેઝ પરથી લોન્ચ કરવામાં આવી હતી. મિનિટમેન-3 પરમાણુ શસ્ત્રો વહન કરવાની ક્ષમતા ધરાવે છે અને તેની રેન્જ 14,000 કિમી જેટલી વિશાળ છે. સ્પેસ ફોર્સ કમાન્ડે સ્પષ્ટ કર્યું કે આ પરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ ICBM સિસ્ટમની વિશ્વસનીયતા, ઓપરેશનલ તૈયારી અને ચોકસાઈ ચકાસવાનો હતો.
Minuteman-3 ICBM: પરીક્ષણ પ્રક્રિયા અને ઉદ્દેશો
આ પરીક્ષણ 625મી સ્ટ્રેટેજિક ઓપરેશન્સ સ્ક્વોડ્રનની ટીમે કર્યું હતું. તેમણે એરબોર્ન લોન્ચ કંટ્રોલ સિસ્ટમ નો ઉપયોગ કર્યો હતો, જે મિસાઇલ કમાન્ડ અને કંટ્રોલ માટે બેકઅપ સિસ્ટમ તરીકે કાર્ય કરે છે. કમાન્ડર લેફ્ટનન્ટ કર્નલ કેરી રેએ જણાવ્યું હતું કે આ પરીક્ષણ માત્ર મિસાઇલને લોન્ચ કરવા માટે નહોતું, પરંતુ સમગ્ર ICBM સિસ્ટમની ક્ષમતાઓનું પરીક્ષણ કરવા માટે હતું. મિસાઇલે લગભગ 4,200 માઇલ (6,759 કિમી) ની મુસાફરી કરીને માર્શલ આઇલેન્ડ્સમાં આવેલા રોનાલ્ડ રીગન બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ ટેસ્ટ સાઇટ પર સફળતાપૂર્વક લક્ષ્ય બનાવ્યું. મિસાઇલના પ્રદર્શન સંબંધિત ડેટા રડાર અને સેન્સરનો ઉપયોગ કરીને એકત્ર કરવામાં આવ્યો હતો.
Minuteman-3 ICBM: જૂની સિસ્ટમની જાળવણી અને ભવિષ્યની યોજના
મિનિટમેન-3 મિસાઇલ લગભગ 50 વર્ષ જૂની છે. હાલમાં, યુનાઇટેડ સ્ટેટ્સ પોતાની મિસાઇલ સિસ્ટમને નવી LGM-35A સેન્ટીનેલ ICBM સિસ્ટમમાં બદલી રહ્યું છે. આ બદલાવની પ્રક્રિયા ચાલી રહી હોવાથી, મિનિટમેન-3 ની તૈયારી અને વિશ્વસનીયતા જાળવી રાખવી અત્યંત મહત્વપૂર્ણ છે. જનરલ એસ.એલ. ડેવિસે આ પરીક્ષણ બાદ કહ્યું હતું કે આનાથી સાબિત થાય છે કે મિનિટમેન-3 હજી પણ સચોટ અને વિશ્વસનીય છે. આ મિસાઇલનું છેલ્લું પરીક્ષણ મે મહિનામાં થયું હતું. આવા પરીક્ષણો વર્ષો અગાઉથી આયોજિત કરવામાં આવે છે અને યુએસએ 2030 સુધીના પરીક્ષણોનું આયોજન કરી લીધું છે.
સેન્ટીનેલ' મિસાઇલનો વધતો ખર્ચ
મિનિટમેન-3 ને બદલવા માટે ડિઝાઇન કરાયેલી સેન્ટીનેલ મિસાઇલ નો શરૂઆતનો ખર્ચ $78 બિલિયન અંદાજવામાં આવ્યો હતો, જે હવે વધીને $140 બિલિયનથી વધુ થઈ ગયો છે. આ વિલંબ અને ખર્ચમાં વધારો સમયમર્યાદા, ડિઝાઇન અને ઔદ્યોગિક મુદ્દાઓને કારણે થઈ રહ્યો છે.
આ પણ વાંચો: અમેરિકામાં મોટો વિમાન અકસ્માત: લુઇસવિલેમાં ટેકઓફ થતાં જ UPS કાર્ગો પ્લેન ક્રેશ, 3ના મોત, 11 ઘાયલ