VADODARA : ધારાસભ્યની ટકોર, 'મારો હિસાબ લખો છો, તો તમારો પણ આપજો'
- માંજલપુરના ધારાસભ્યના વિસ્તારમાં કોઇ કામ બાકી ના રહી જાય તેનું વિશેષ ધ્યાન રખાયું
- તાજેતરમાં યોગેશ પટેલના ઘરે ચાર વોર્ડના કોર્પોરેટર અને હોદ્દેદારોની બેઠક મળી
- બેઠકમાં ધારાસભ્યએ હળવી ટકોર કરતા બધા ખળખળાટ હસી પડ્યા
VADODARA : વડોદરા (VADODARA) ના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ (BJP MLA - YOGESH PATEL) ના નિવાસ સ્થાને કાઉન્સિલરો અને વોર્ડના હોદ્દેદારો વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ધારાસભ્યની ગ્રાન્ટની ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન ધારાસભ્યએ તમામને હળવા મૂડમાં કહ્યું કે, મારો હિસાબ લખો છો, તો તમારો પણ હિસાબ આપજો. આ વાતને પગલે સ્થળ પર હાજર તમામ ખળખળાટ હસી પડ્યા હતા. અને વાતાવરણમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
વિકાસના કામોની યાદી સોંપવા જણાવાયું
વર્ષના અંતે પાલિકાની ચૂંટણી યોજાઇ શકે છે. જેથી સત્તાપક્ષ દ્વારા સૂચિત કામો સમયસર પૂર્ણ થાય તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની તાજેતરમાં તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી સાજા થતા હવે તેઓ ઘરે રિકવર થઇ રહ્યા છે. તાજેતરમાં ધારાસભ્યના મતવિસ્તાર માંજલપુરમાં આવતા વોર્ડ નં - 16, 17, 18, અને 19 ના કોર્પોરેટર તથા હોદ્દેદારો વચ્ચે તેમના નિવાસ સ્થાને બેઠક મળી હતી. જેમાં વિકાસના કામોની યાદી સોંપવા જણાવાયું હતું.
લેખિતમાં જાણકારી વોર્ડ પ્રમુખ અથવા મહામંત્રીને આપવાની રહેશે
ચર્ચા દરમિયાન કોર્પોરેટરો પાસે ધારાસભ્યની ગ્રાન્ટનો હિસાબ હોવાથી તેમણે હળવા મૂડમાં કહ્યું કે, મારો હિસાબ લખો છો, તો તમારો પણ હિસાબ આપજો. જે બાદ તમામ હસી પડ્યા હતા. ધારાસભ્યએ બેઠકમાં તેમ પણ જણાવ્યું કે, વોર્ડ અને સંગઠન દ્વારા પોતાના કાર્યકરોના ઘર પાસેના કોઇ કામ બાકી રહી ગયા હોય તો તે અંગેની માહિતી મેળવી લેવી. બાકી કામ હોય તેની લેખિતમાં જાણકારી વોર્ડ પ્રમુખ અથવા મહામંત્રીને આપવાની રહેશે. જેથી કોઇનું કામ બાકી ના રહી જાય.
આ પણ વાંચો --- VADODARA : કમાટીબાગમાં જોય ટ્રેનની અડફેટે 4 વર્ષની માસુમ બાળકીનું મોત


