VADODARA : કોર્પોરેટર સહિત 20 ને લેન્ડગ્રેબિંગની નોટીસ ફટકારાતા ફફડાટ
- ભાજપમાંથી કાઢી મુકાયેલા કોર્પોરેટર સહિત અનેકને નોટીસ
- સરકારી જમીન પર દબાણ કરાયાનો નોટીસમાં ઉલ્લેખ
- કોર્પોરેટર આશિષ જોષી અનેક કારણોસર ચર્ચામાં રહ્યા
VADODARA : શહેરના વાઘોડિયા રોડ પર આવેલા કલાદર્શન ચાર રસ્તા પાસે સરકારી જમીન પાસે રહેતા ભાજપમાંથી કાઢી મુકાયેલા કોર્પોરેટર આશિષ જોષી, પશુપતિનાથ મહાદેવ મંદિર સહિત 20 સ્થાનિક રહીશોને જિલ્લા કલેક્ટર દ્વારા લેન્ડગ્રેબિંગ હેઠળ નોટીસ ફટકારી છે. તમામને 17, મે ના રોજ સાંજે 5 કલાકે હાજર રહેવા જણાવાયું છે.
આ જગ્યાએ પશુપતિનાથ મહાદેવનું મંદિર આવેલું છે
તાજેતરમાં શહેર ભાજપ દ્વારા શિસ્તના પગલાં ભરતા કોર્પોરેટર આશિષ જોષી અને અન્ય પૂર્વ કોર્પોરેટરને પાર્ટીમાંથી કાઢી મુક્યા હતા. આ બાદ મોટી કાર્યવાહી સામે આવી છે. શહેરના કલાદર્શન પાસે 1100 થી વધુ ચોરસ મીટર સરકારી જમીન આવેલી છે. જેમાં 60 વર્ષથી લોકો પોતાના મકાન બાંધીને રહે છે. આ જગ્યાએ પશુપતિનાથ મહાદેવનું મંદિર આવેલું છે, સાથે જ નજીકમાં કોર્પોરેટર આશિષ જોષી રહે છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ જમીનની માપણી કરીને તેમાં રહેતા 20 લોકોને નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં 20 લોકોને 17, મે ના રોજ જરૂરી આધાર-પુરાવા લઇને કલેક્ટર સમક્ષ હાજર રહેવા જણાવાયું છે.
સત્તાધીશોએ તો ભગવાનને પણ બક્ષ્યા નથી
લેન્ડ ગ્રેબિંગ હેઠળ મંદિને પણ નોટીસ મળતા આશ્ચર્ય ફેલાયું છે. આશિષ જોષીનું કહેવું છે કે, સત્તાધીશોએ તો ભગવાનને પણ બક્ષ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આશિષ જોષી શરૂઆતથી જ હરણી બોટકાંડમાં મૃતકોને ન્યાય અપાવવા માટે લડી રહ્યા છે. અને તેમની લડત અનેકને નાપસંદ હોવાથી તેમના વિરૂદ્ધ એક પછી એક કાર્યવાહી કરવામાં આવતી હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : ધારાસભ્યની બેઠકમાં કાર્યકરોનો બળાપો, કહ્યું, 'કોર્પોરેટર આવતા નથી'


