Vadodara : હાઇ-સ્પીડ રેલવે પ્રોજેક્ટની સાઇટ પરથી JCB વડે મહાકાય મગરનું રેસ્ક્યૂ
- વડોદરામાં વધુ એક મગરનું સફળ રેસ્ક્યૂ કરાયું
- હાઇ સ્પીડ પ્રોજેક્ટની સાઇટ પર મગર આવી પહોંચ્યો
- મગરની હાજરીના કારણે કામ કરતા કર્મચારીઓમાં ફફડાટ
Vadodara : વડોદરામાં (Vadodara) માનવ વસ્તી અને મગરો નજીકમાં વસવાટ કરે છે. વડોદરાના મકરપુરામાં હાઇ સ્પીડ રેલવે (બુલેટ ટ્રેન)નો પ્રોજેક્ટ (High Speed Railway Project - Vadodara) ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટના સ્થળ પર સાડા છ ફૂટનો મગર (Crocodile Rescue - Vadodara) આવી ચઢ્યો હતો. આ મગરનું જેસીબીની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ મગરને રેસ્ક્યૂ કરવા માટે દોઢ દિવસની વાટ જોવી પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. મગરને પકડવા પાણીમાં રેસ્ક્યૂની ટીમ જાય તો, તે કીચડમાં જતો રહેતો હતો. બાદમાં મોટર ઉતારીને પાણી અને કાદવ ઉલેચવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2 કલાકની મથામણના અંતે મગરનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બાદમાં મગરને સલામત રીતે નવ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. આ સ્થળે બે દિવસ પૂર્વે પણ મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ખાડામાં ઉતર્યા એટલે મગર કીચડવાળા ભાગમાં જતો રહ્યો
એનિમલ રેસ્કયૂઅર હેમંત વઢવાણાએ વીડિયો મારફતે આપેલી પ્રતિક્રિયામાં જણાવ્યું કે, અમારી ટીમે 6.5 ફૂટના મોટા મગરનું રેસ્ક્યૂ કર્યું છે. મકરપુરામાં હાઇ સ્પીડ રેલવેનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તેના પીલર્સ ખોદવામાં આવ્યા છે. વિશ્વામિત્રી નદી વચ્ચેથી ટ્રેન પસાર થવાની છે. તેના માટે એક ચોરસ બોક્સ જેવું હાલ ત્યાં બનાવી રાખવામાં આવ્યું છે. તેમાં વારંવાર મગર આવી જાય છે. બે દિવસ પૂર્વે પણ મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આજે ફરી ત્યાં મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. અમે ખાડામાં ઉતર્યા એટલે મગર કીચડવાળા ભાગમાં જતો રહ્યો હતો.
બપોરના સમયે મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું
તેમણે વધુમાં જણાવ્યું કે, ત્યાર બાદ અમે મોટર ઉતારી, પાણી અને કીચડ ખાલી કરવાનું શરૂ કર્યું હતું. દોઢ દિવસે પાણી અને કાદવ ઉલેચવામાં સફળતા મળી હતી. બાદમાં બપોરના સમયે મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. મગર મોટો હોવાથી, તેને બે કલાકે રેસ્ક્યૂ કરાયો છે. તેને બહાર કાઢવા માટે જેસીબી-હાઇડ્રા મશીનનો ઉપયોગ કરવો પડ્યો છે.
આ પણ વાંચો ---- શુભેચ્છા નહીં, સેવા! Dy CM Harsh Sanghavi ની અપીલ બાદ એક શુભેચ્છકની સરાહનીય પહેલ


