VADODARA : ગંભીરા દુર્ઘટનામાં અટકેલો ટ્રક કાઢવાની વાત કોઇ ધ્યાને લેતું નથી
- ગંભીરા દુર્ઘટનામાં ટ્રક હજી પણ બ્રિજ પર યથાવત
- નદીમાંથી વાહનો કઢાયા, ટ્રકની જવાબદારીનો મુદ્દો ફૂટબોલ બન્યો
- આખરે ત્રસ્ત ટ્રક માલિકે વડોદરા કલેક્ટર પાસે સમય માંગ્યો
VADODARA : આશરે 10 દિવસ પહેલા વડોદરા (VADODARA) પાસે આવેલા પાદરાના ગંભીરા બ્રિજનો એક ભાગ તુટીને (GAMBHIRA BRIDGE TRAGEDY) પડ્યો હતો. જેમાં અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં 20 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં એક કન્ટેનર ટ્રક બ્રિજ પર અધકચરો અટક્યો છે. જેને કોઇ નુકશાન થયું નથી. જો કે, દુર્ઘટનાને આટલા દિવસ વિતી ગયા છતાં, નદીની અંદર ખાબકેલા વાહનો બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ આ ટ્રક રેસ્ક્યૂ કરવામાં કોઇએ રસ દાખવ્યો નથી. જેના કારણે હવે ટ્રક માલિક મુશ્કેલીમાં મુકાયા છે. આ મામલો આણંદ અને વડોદરા કલેક્ટર કચેરી વચ્ચે ફૂટબોલની જેમ ફંગોળાઇ રહ્યો છે, જેનો ઉકેલ ટ્રક માલિક શોધવા મથી રહ્યા છે.
ટ્રક નીકળે તો રોજીરોટીનો પ્રશ્ન દુર થઇ શકે તેમ છે
ટ્રક ચાલક રવિન્દ્ર કુમારે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, તે દિવસે ટ્રાફિક જામ હતો. અચાનક બ્રિજનો ભાગ તુટીનો પડ્યો હતો. અત્યારે ટ્રકની હાલત જેમની તેમ જ છે. તે અધવચ્ચે અટકી પડ્યો છે. ટ્રક નીકળે તો રોજીરોટીનો પ્રશ્ન દુર થઇ શકે તેમ છે.
એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે
ટ્રક માલિક રામાશંકર પાલ એ મીડિયાને જણાવ્યું કે, આ વાતને 10 દિવસ થઇ ગયા છે. મારી ટ્રકનું દર મહિને રૂ. 1 લાખનો હપ્તો આવે છે. ખાનગી બેંક વાળા માનતા નથી. ઇન્શ્યોરન્સ કંપની કહે છે કે, ટ્રક નીચે પડતો નથી, ત્યાં સુધી અમે કંઇ પેમેન્ટ કરતા નથી. હવે મારે હપ્તો ભરવાનો છે. આણંદ અને વડોદરા કલેક્ટર કચેરીવાળા એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. મારે ક્યાં જવાનું, અમે ટેન્કર જવા પણ નથી દેતા, પહેલા મને ટ્રક કાઢી આપવાનું જણાવ્યું હતું. હવે મને પેલો કરશે, પેલો કરશે કરીને ટાળી રહ્યા છે. મારે જે નુકશાન થાય છે તેની ભરપાઇ કોણ કરશે,
અમારૂ આર્થિક તંત્ર ઘૂંચવાઇ ગયું છે
તેમણે વધુમાં જણાવ્યું કે, આણંદ આસી. કલેક્ટરે જે તે સમયે જણાવ્યું હતું કે, નવો બ્રિજ પાસ થાય છે. તે પછી મોટી ક્રેઇન આવે, તે માટે ટ્રાઇ કરીશું. અત્યારે મને કોઇ કહેતું નથી, ટ્રક ક્યારે કાઢશે, ટ્રક નીકળે ના ત્યાં સુધી મારૂ કોઇ કામ ના થાય. મારે દર મહિને લોનની ભરપાઇ કરવાની છે. અમારૂ આર્થિક તંત્ર ઘૂંચવાઇ ગયું છે. ટ્રક ખાલી છે, તે પ્રયાસ કરશે તો નીકળી જશે, પરંતુ તેઓ કંઇ કરી રહ્યા નથી. આજે કલેક્ટરે મને એપ્લીકેશન આપવાનું જણાવ્યું છે. સોમવારે મળવા આવવા જણાવ્યું છે. આણંદ કલેક્ટર, વડોદરા કલેક્ટર અને પાદરા મામલતદાર વચ્ચે મામલો ફરી રહ્યો છે. મારે તે જાણવું છે કે, મારો ટ્રક ક્યારે કાઢશે અને કોણ કાઢી આપશે.
આ પણ વાંચો ---- VADODARA : 'અફસોસ...લગ્નનના ઘોડા હવે તમાશાના થઇ ગયા'- કાર્યકર


