Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હોસ્પિટલની મુલાકાત બાદ દિલ પીગળતા વિદ્યાર્થીનીએ દર્દીઓ માટે આરામદાયક કપડાં ડિઝાઇન કર્યા

VADODARA : દર્દીઓ માટે અનુકૂલનશીલ વસ્ત્રોની વપરાશકર્તા-કેન્દ્રીય ડિઝાઇન" શીર્ષક હેઠળ SSGH અને GMERS હોસ્પિટલમાં હાથ ધરાયું
vadodara   હોસ્પિટલની મુલાકાત બાદ દિલ પીગળતા વિદ્યાર્થીનીએ દર્દીઓ માટે આરામદાયક કપડાં ડિઝાઇન કર્યા
Advertisement
  • વડોદરાની એમ.એસ.યુનિ.ની વિદ્યાર્થીનીનો અનોખો પ્રયાસ
  • હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ માટે અનુકૂળ વસ્ત્રો તૈયાર કર્યા
  • તબિબિ અભિપ્રાય, દર્દીઓ, કેરટેકરનો અભિપ્રાય પણ લેવાયો

VADODARA : વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (VADODARA - MSU) ની ટેક્સટાઇલ અને એપેરલ ડિઝાઇનની અનુસ્નાતક વિદ્યાર્થીની કશિશ પંચાલે પથારીવશ દર્દીઓની (APPAREL FOR HOSPITAL PATIENTS) ખાસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વસ્ત્રોની ડિઝાઇન વિકસાવી છે, જે હોસ્પિટલમાં લાંબા સમય સુધી રહેતા દર્દીઓ માટે આરામદાયક અને વ્યવહારુ વિકલ્પ પૂરું પાડે છે.

80 લોકોના અભિપ્રાય લેવાયા

કશિશનું સંશોધન "પથારીવશ દર્દીઓ માટે અનુકૂલનશીલ વસ્ત્રોની વપરાશકર્તા-કેન્દ્રીય ડિઝાઇન" શીર્ષક હેઠળ એસ.એસ.જી. હોસ્પિટલ અને GMERS હોસ્પિટલમાં હાથ ધરવામાં આવ્યું હતું. સંશોધન દરમિયાન સર્જરી, ઓર્થોપેડિક્સ અને મેડિસિન વિભાગોના 40 પથારીવશ દર્દીઓ અને 40 સંભાળ રાખનારાઓના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. દર્દીઓની દૈનિક જરૂરિયાતો અને પડકારો અંગેની માહિતી અને અવલોકનોના આધારે કશિશે દર્દીઓ માટે વૈકલ્પિક વસ્ત્રોની જરૂરિયાત સ્પષ્ટ રીતે ઓળખી કાઢી હતી.

Advertisement

તબિબિ માપદંડોને પ્રાથમિકતા

તેણીએ પ્રારંભિક રીતે 30 ડિઝાઇન ખ્યાલો રજૂ કર્યા, જેમાં સર્જરી તથા ઓર્થોપેડિક વિભાગ માટે અલગ-અલગ 15 ડિઝાઇન હતી. ત્યારબાદ દર્દી અને સંભાળ રાખનારના સૂચનોના આધારે કુલ 6 અંતિમ ડિઝાઇન પસંદ કરી હોસ્પિટલ પરિસરમાં રીઅલ-ટાઇમ વેર ટ્રાયલ્સ દ્વારા તેમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. આ મૂલ્યાંકન આરામ, હલનચલન અને તબીબી સહાયક પ્રવૃત્તિઓની સરળતા જેવા માપદંડો આધારે કરવામાં આવ્યું હતું.

Advertisement

કપડાઓ પણ માણસની મૂળભૂત જરૂરિયાત

સંશોધન પ્રક્રિયામાં લગભગ છ થી આઠ મહિના લાગ્યા. જેમાં માહિતી સંગ્રહ, ડિઝાઇન વિકાસ, પાઇલોટ ટેસ્ટિંગ અને ફીડબેક વિશ્લેષણનો સમાવેશ થાય છે. કશિશે જણાવ્યું કે, “ભોજન, ઘર અને આશ્રય જેટલી જ કપડાઓ પણ માણસની મૂળભૂત જરૂરિયાત છે. ખાસ કરીને જ્યારે વ્યક્તિ પથારીવશ હોય, ત્યારે તેની ગૌરવપૂર્ણ અને આરામદાયક સ્થિતિ જાળવી રાખવી એટલી જ મહત્વપૂર્ણ હોય છે.” તેણી વધુમાં જણાવ્યું કે, “"સ્થાનિક હોસ્પિટલની મુલાકાત દરમિયાન, મેં દર્દીઓ માટે યોગ્ય વસ્ત્રોનો અભાવ જોયો, ખાસ કરીને જેઓ પથારીવશ છે. આ બાબત મને સ્પર્શી ગઈ, અને ત્યારબાદ મેં આ વિષયને મારા સંશોધન તરીકે અપનાવવાનો નિર્ણય કર્યો.”

આ કાર્ય માત્ર ડિઝાઇન પૂરતું મર્યાદિત નથી

હવે, કશિશ ઉપભોક્તાઓ પાસેથી પ્રાપ્ત પ્રતિસાદના આધારે ડિઝાઇનમાં વધુ સુધારા કરવા અને આ વસ્ત્રોને વ્યાપક રૂપે ઉપલબ્ધ કરાવવાની દિશામાં કાર્યરત છે. આ કાર્ય માત્ર ડિઝાઇન પૂરતું મર્યાદિત નથી. તે માનવીયતા, વ્યવહારિકતા અને આરામની વચ્ચેનું સંતુલન સ્થાપિત કરવાના પ્રયાસનું સુંદર ઉદાહરણ છે. આ સંશોધન પથારીવશ દર્દીઓના જીવનમાં નવો આશાવાદ ઉમેરતું સાબિત થઈ શકે છે જ્યાં તેઓ માત્ર સારવાર નહીં પણ આત્મગૌરવ અને આરામની સાથે રહી શકે.

આ પણ વાંચો ---- VADODARA : સ્વચ્છતા સર્વેક્ષણમાં 'પ્રોમીસીંગ શહેર'ની કેટેગરીમાં વડોદરાએ બાજી મારી

Tags :
Advertisement

.

×