VADODARA : પૂર નિવારણના પગલામાં ઢીલાશ, પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવવાની ભીતિ
- પાલિકાના સૂચન અનુસાર કાર્યવાહી નહીં કરવામાં આવી હોવાનું સામે આવ્યું
- વડોદરામાં પૂર નિવારણ માટેના પગલાં ભરવામાં નેશનલ હાઇવે ઓથોરીટીની ઢીલાશ
- કાંસની સફાઇ બાકી હોવાનું અધિકારીએ સ્વિકાર્યું
VADODARA : વડોદરા (VADODARA) માં ચોમાસા દરમિયાન પૂર નિવારવા માટે પાલિકા તંત્ર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટની (VISHWAMITRI PROJECT) શરૂઆત કરવામાં આવી છે. જેમાં પાલિકા, હાઇવે ઓથોરીટી તથા રાજ્ય સરકારના સિંચાઇ વિભાગને કામોની વહેંચણી કરવામાં આવી છે. આ વચ્ચે પાલિકાએ એક મહિના અગાઉ હાઇવે ઓથોરીટીને એલ એન્ડ ટી નજીકનો ગટરનો સેક્શન મોટો કરવા માટે સૂચન કર્યું હતું. છતાં કોઇ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનું સામે આવ્યું છે. જેથી આજની સ્થિતીએ શહેરમાં ચોમાસા દરમિયાન પૂર્વ વિસ્તારમાં પાણી ભરાઇ જવાની ભીતિ સેવાઇ રહી છે.
સર્વિસ રોડ નીચેથી પસાર થતી વરસાદી ગટરમાં સ્લજ ભર્યો
વડોદરામાં ચોમાસાના પૂરને ટાળવા માટે પાલિકા, નેશનલ હાઇવે ઓથોરીટી અને સિંચાઇ વિભાગ દ્વારા પગલાં ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે લગભગ પૂર્ણતાના આરે છે. આ વચ્ચે ધ્યાને આવ્યું કે, પાલિકા અને હાઇવે ઓથોરીટી હાઇવે પરના પાણી સીધા ઢાઢર-જાંબુઆ નદગીમાં ઠાલવવા માટે કુદરતી કાંસોને પહોળી કરી રહ્યા છે. જો કે, હાઇવે પર એલ એન્ટ ડી બહાર સર્વિસ રોડ નીચેથી પસાર થતી વરસાદી ગટરમાં સ્લજ ભર્યો પડ્યો છે. આ ગટર આગળ જઇને અવરોધાતા શહેર તરફ પાણી ઠાલવી રહી છે. જેને પહોળી કરવા માટે પાલિકા દ્વારા એક મહિના અગાઉ નેશનલ હાઇવે ઓથોરીટીને સૂચન કર્યું હતું. જો કે, આ અંગે અત્યાર સુધી કોઇ નક્કર કાર્યવાહી થઇ નથી. જેને પગલે આજવા ચોકડીથી પૂર્વ વિસ્તારમાં પાણી પ્રવેશવાની શક્યતાઓ આ તબક્કે નકારી શકાય તેમ નથી.
કંપની બહાર 4 પાઇપ નાંખવામાં આવી છે
આ અંગે પાલિકાના ડે. મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરનું કહેવું છે કે, કાંસ સાંકડી હોવાથી અધિકારીઓ જોડે બેઠક કરીને કાંસમાંથી સ્લજ કાઢવા સૂચના આપી હતી. જેથી પાણીનો ઝડપથી નિકાલ કરી શકાય. નેશનલ હાઇવે ઓથોરીટીના એન્જિનિયર પરેશ સોલંકીનું કહેવું છે કે, કંપની બહાર 4 પાઇપ નાંખવામાં આવી છે. જે પાણીનું વહન કરવામાં સક્ષમ છે. તેમાં જે સ્લજ છે, તેની સફાઇ કરવાની છે.
આ પણ વાંચો --- VADODARA : જોખમી કટ બંધ કરવામાં બુલાર્ડ નિષ્ફળ, હવે ડિવાઇડર ચણી દેવાયા


