VADODARA : લાઇવ ચોરી દરમિયાન પોલીસે ઘર ઘેર્યું, તસ્કરો તલવાર વડે હુમલો કરીને ફરાર
- વડોદરામાં લાઇવ ચોરી દરમિયાન પોલીસ પહોંચી
- તસ્કરોએ પોલીસને મારવા તલવાર, હોકી અને પાના પક્કડનો સહારો લીધો
- માથાકુટ બાદ ત્રણ પૈકી એક ચોર પકડાયો, બે ભાગવામાં સફળ
VADODARA : વડોદરા (VADODARA) ના સમામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સમા શક્તિપાર્ક સોસાયટીમાં તસ્કરો અને પોલીસ વચ્ચે સામાન્ય રીતે ફિલ્મમાં જોવા મળે તેવા દ્રશ્યો સર્જાયા હતા. ચોરી દરમિયા પોલીસને જાણ થતા પીસીઆરમાં જવાનો આવી પહોંચ્યા હતા. અને ઘરની ફરતે ઘેરો લગાવ્યો હતો. જો કે, ઘેરાથી બચવા માટે તસ્કરોએ તલવાર વડે હુમલો કર્યો હતો. બાદમાં તસ્કરો કારમાં ભાગવા જતા પીસીઆર વાન આડી કરી દેવામાં આવી હતી. જેથી તસ્કરોએ પોતાની ઇકો કાર તેમાં અથાડી દીધી (PCR VAN ACCIDENT) હતી. આખરે પોલીસે એક આરોપીને પકડી પાડ્યો હતો. અને બાકીના બે ફરાર થવામાં સફળ રહ્યા હતા.
સ્થળ પર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો હાજર
તાજેતરમાં રાત્રીના સમયે સમા પોલીસ મથક (SAMA POLICE STATION) માં પોલીસ કંટ્રોલ રૂમ તરફથી જાણ કરવામાં આવી હતી. જેમાં કહ્યું કે, એક યુવકો જણાવ્યું છે કે, સમા વિસ્તારના શક્તિનગર સોસાયટીમાં બંધ મકાનમાં તસ્કરો હાથફેરો કરી રહ્યા છે. જે બાદ તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. અને ઘર ફરતે ઘેરો લગાવ્યો હતો. સ્થળ પર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો હાજર હતી. દરમિયાન તસ્કરોને ભનક આવી જતા તેઓ તેમની ઇકો કાર તરફ દોડ્યા હતા. અને તેમાંથી તલવાર, હોકી, પાના-પક્કડ કાઢીને પોલીસનો સામનો કરી રહ્યા હતા.
અંતે થાંભલામાં ગાડી ઘૂસાડી દીધી
દરમિયાન પોલીસના જવાનોએ બચવાના પ્રયાસો કર્યા હતા. તસ્કરો ઇકો લઇને નાસવા જતા પોલીસે પીસીઆર વાન આડી કરીને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, માથાભારે તસ્કરોએ પોલીસની પીસીઆર વાન જોડે ઇકો અથાડી હતી. ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચની ગાડી જોડે ઇકો અથાડી અને અંતે થાંભલામાં ગાડી ઘૂસાડી દીધી હતી. અને ભાગવા લાગ્યા હતા. સાથે જ પોલીસથી બચવા માટે તલવાર વડે હુમલા કર્યા હતા. પોલીસ તેનાથી જેમતેમ બચીને આરોપીઓ પૈકી એક રણજીતસિંગ સિક્લીગરને દબોચી લીધો હતો. જ્યારે અન્ય બે ભાગવામાં સફળ થયા હતા.
બે દિવસના રિમાન્ડ મેળવ્યા
ઉપરોક્ત મામલે રણજીતસિંગ ઉર્ફે જીતસિંગ જનરેલસિંગ સિકલીગર (રહે. રામનગર, આજવા રોડ) , ગુરૂમુખસિંગ કલ્લુસિંગ બાવરી (રહે. સયાજીપુરાગામ, આજવા રોડ) , અને સુનિલસિંગ ઉર્ફે અર્જુનસિંગ બાવરી (રહે. ખોડિયારનગર, દુમાડ ગામ) સામેલ છે. પકડાયેલા આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
આ પણ વાંચો --- Vadodara : એરપોર્ટ પર એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટને રોકવાની ફરજ પડી, કારણ ચોંકાવનારું!


