VADODARA : ભાજપના કોર્પોરટની હકાલપટ્ટી પાછળ ધારાસભ્યની ભૂમિકાનો આરોપ
- વડોદરામાં રાજકીય મોરચે ખળભળાટ મચી જાય તેવી ઘટના
- ભાજપમાંથી નિષ્કાષિત કોર્પોરેટરે ભાજપના ધારાસભ્ય સામે મુક્યા આરોપ
- એક સમયે બંને વચ્ચે નિકટતા હતી, આજે વાત વણસતા અહિંયા સુધી આવી પહોંચી
VADODARA : તાજેતરમાં વડોદરાના વહીવટી વોર્ડ નં - 15 ના કોર્પોરેટર આશિષ જોશી (CORPORATOR ASHISH JOSHI) અને પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિને પાર્ટીએ પ્રાથમિક સભ્યપદમાંથી પાણીચુ પકડાવી દેવામાં આવ્યું છે. આ અંગે આશિષ જોશી દ્વારા ધારાસભ્ય સામે સવાલો ઉઠાવીને તેમને શંકાના દાયરામાં લાવવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જે ધારાસભ્ય સામે તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે, તેમની જોડે એક સમયે તેઓ અત્યંત નિકટતા ધરાવતા હતા. અને આજે સંજોગો એવા વિપરીત થયા કે, તેમના વિરૂદ્ધ આરોપો મુકાઇ રહ્યા છે.
મારા આત્મામાંથી ભાજપની વિચારધારા નહીં જાય
કોર્પોરેટર આશિષ જોશીએ આરોપ મુકતા જણાવ્યું કે, ડભોઇના BJP ના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) ના ઇશારે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેમણે ઉચ્ચ સ્તરે ખોટી રજુઆતો કરીને પ્રોપેગેન્ડા સાથે નોટીસ અપાવી સસ્પેન્ડ કરાવ્યો છે. તેઓ બોટકાંડમાં શાળા સંચાલકોને બચાવી રહ્યા છે. મને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયો છે, પરંતુ મારા આત્મામાંથી ભાજપની વિચારધારા નહીં જાય. બોટકાંડના પીડિતોને ન્યાય અપાવવાનો મારો એજન્ડા છે.
ડીસીપ્લીનરી કમિટીએ મને સાંભળ્યો નથી
આશિષ જોશીને સસ્પેન્ડ કર્યા બાદ તેમણે ભાજપ કાર્યાલયમાં એક પત્ર આપ્યો હતો. જેમાં જણાવ્યું કે, ભાજપના શહેર મહામંત્રી સત્યેન કુલાબકરે મને ફોન કરીને આ અંગે જણાવ્યું હતું. પાર્ટીના સંવિધાન મુજબ પાર્ટીની ડીસીપ્લીનરી કમિટીએ મને સાંભળ્યો નથી, કે મારા પર કોઇ ચાર્જ ઘડ્યો નથી. મારા કયા કૃત્યથી પાર્ટીની છબી ખરડાઇ છે, તેના પુરાવા આપવા મેં રજુઆત કરી છે.
રાજકીય મોરચે ભારે ખળભળાટ મચી જવા પામ્યો
અત્રે નોંધનીય છે કે, ધારાસભ્ય શૈલેષ મહેતા અને ભાજપમાંથી સસ્પેન્ડેડ કોર્પોરેટર આશિષ જોષી એક સમયે અત્યંત નિકટતા ધરાવતા હતા. બાદમાં બંને વચ્ચે કોઇ મામલે તિરાડ પડી હતી. જે બાદ અનેક વખત આશિષ જોશીએ નામ લીધા વગર પ્રહાર કર્યા હતા. અંતે વાત અહિંયા સુધી આવી પહોંચતા વડોદરાના રાજકીય મોરચે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ પણ વાંચો --- MOTHERS DAY : સિલાઈ કામ અને પાણીપુરી વેચી માતાએ સંતાનોને શિક્ષણ અપાવ્યું


