VADODARA : ખખડધજ્જ રોડ પરના ખાડામાં ઓક્સિજનનો બોટલ મુકીને વિરોધ
- તાંદલજામાં બિસ્માર રોડ-રસ્તાની સમસ્યા ઉજાગર કરવા નવતર પ્રયાસ
- રોડ પરના ખાડામાં ઓક્સિજન બોટલ ઉતારી અનોખો વિરોધ
- વર્ષોથી રોડ-રસ્તાની સમસ્યા ઉકેલાતી નહીં હોવાનો આરોપ વિરોધકર્તાએ મુક્યો
VADODARA : વડોદરા શહેર (VADODARA CITY) ના તાંદલજા (TANDALJA) વિસ્તારમાં વર્ષોથી રોડ-રસ્તાની હાલત ખખડધજ્જ છે. આ સમસ્યાનો ઉજાગર કરવા માટે યુથ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા રસ્તા પર પડેલા ખાડામાં ઓક્સિજનના બોટલ મુકીને અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધકર્તાનું કહેવું છે કે, વર્ષોથી અમારા વિસ્તારના રોડ-રસ્તાની હાલત ખરાબ છે. આજે તેમાં ઓક્સિજન બોટલ મુકીને અમે આ હકીકત લોકો સમક્ષ મુકી રહ્યા છે.
રિફાઇ પાર્ક સોસાયટી સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો
વડોદરાના તાંદલજા ગામ તરફ જવાના રસ્તો ભારે ખખડધજ્જ હાલતમાં છે. પાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડા કોઇ નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઇ શકે છે. આ અંગે પાલિકા દ્વારા ધીમી ગતિએ કામ કરવામાં આવતા આજે યુથ કોંગ્રેસના આગેવાનો દ્વારા રિફાઇ પાર્ક સોસાયટી સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. તેમણે ખાડામાં ઓક્સિજનના બોટલ મુકીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે. સાથે જ વિસ્તારમાં રોડ-રસ્તાનો વિકાસ ઓક્સિજન પર હોવાનો આરોપ અગ્રણી દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવ્યો છે.
કોઇ પણ પ્રકારે બેરીકેડીંગ કરવામાં આવ્યું નથી
અગ્રણીએ વિરોધ બાબતે કહ્યું કે, વર્ષોથી અમારા તાંદલજા વિસ્તારનો રોડ ઓક્સિજન પર છે. છેલ્લા 20 વર્ષોથી તાંદલજામાં રોડ-રસ્તા બિમાર હાલતમાં છે હાલની સ્થિતીએ તો ઓક્સિજન પર આવી ગયો છે. વડોદરા પાલિકાના અધિકારીઓ આ રોડનો કોઇ ઇલાજ કરતા નથી. જેથી અમે રોડને ઓક્સિજન આપવાનું કામ કર્યું છે. વિતેલા દોઢ મહિનાથી પાલિકા દ્વારા ખાડા ખોદવામાં આવ્યા છે. તેની ફરતે કોઇ પણ પ્રકારે બેરીકેડીંગ કરવામાં આવ્યું નથી. આ ખાડામાં કોઇ પણ પડી શકે છે, અને તેનું મૃત્યું થઇ શકે છે. જેથી આજે અમે ઓક્સિજન આપ્યો છે. જરૂર પડશે આ ખાડામાં અધિકારીઓને પણ ખાડામાં ઉતારવામાં આવશે. આ કામ જલ્દીથી જલ્દી પૂર્ણ કરવામાં આવે તેવી અમારી માંગ છે.
આ પણ વાંચો --- VADODARA : મોટરો મુકી થતી પાણીચોરી રોકતી ટીમને કડવો અનુભવ


