Vadodra: દીપેન પટેલ હત્યા કેસનો ઉકેલાયો ભેદ, મિત્રએ જ દીપેનની હત્યા કરી હોવાનો થયો ખુલાસો
- વડોદરાના RTO કોન્ટ્રાક્ટર દીપેન પટેલનો મૃતદેહ મળ્યો
- ચાર દિવસ પહેલા સાસરીમાં જવાનું કહી નીકળ્યો હતો
- દીપેનની લાશ કાલોલના નારણપુરા પાસે કેનાલમાંથી મળી
- ક્રાઈમ બ્રાંચે આરોપી હાર્દિક પ્રજાપતિની ધરપકડ કરી
વડોદરા શહેરના દરજીપુરામાં રહેતા દિપેન પટેલ નામનો યુવક હરણી વિસ્તારમાં પિયરે ગયેલી પત્નીને મળવા ગયો હતો. દરજીપુરાથી કાર લઈને નીકળેલો મોડી રાત થઈ ત્યાં સુધી સાસરીએ પહોંચ્યો નહીં..કે ના તો તે પરત ઘરે આવ્યો.. જેથી, પરિવારજનોને ચિંતા થતાં તેના ગુમ થયાની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસ તેની શોધખોળ કરી રહી હતી..તેના ત્રીજા દિવસે દિપેનની કાર અનગઢ ગામ પાસે મહીસાગર નદીમાંથી મળી આવી હતી. કારમાં લોહીના નિશાન હતા અને કારના એક્સિલેટર પર પથ્થર મૂકેલો હતો. એ જોઈને પોલીસને દીપેનની હત્યા થયાની શંકા લાગી. તેના બે દિવસ બાદ કાલોલ કનેટિયાની નર્મદા કેનાલમાંથી દિપનેની લાશ મળી આવી હતી. પોલીસે પીએમ કરાવતા દીપેનની હત્યા તીક્ષ્ણ હથિયારથી કર્યા બાદ કેનાલમાં લાશ નાંખી હોવાનું બહાર આવ્યું હતું. કેસની શરૂઆતથી પોલીસને દીપેનના મિત્ર હાર્દિક પ્રજાપતિ પર શંકા હતી. જેથી, શંકાના આધારે તેની કડકાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો અને દીપેનની હત્યા કર્યાની કબૂલાત કરી.
બનાવના એક સપ્તાહમાં પોલીસે દીપેનની હત્યાનો ભેદ ઉકેલી દીધો અને તેની હત્યા કરનાર આરોપી હાર્દિકને જેલ ભેગો કરી દીધો..પરંતુ, સવાલ એ છે કે, બે મિત્ર વચ્ચે એવી તો શું માથાકૂટ થઈ હતી કે વાત ખૂની ખેલ સુધી પહોંચી ગઈ..પોલીસે એ સવાલ પૂછ્યો ત્યારે હાર્દિકે જે કહ્યું એ જાણવા જેવું છે. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે, મૃતક દીપેન વડોદરા RTOમાં શોરૂમ તરફથી એજન્ટનું કામ કરતો હતો. આરોપી હાર્દિક પણ RTO બહાર ઓનલાઈન એપોઈન્ટમેન્ટની કામગીરી કરતો હતો. દીપેન અને હાર્દિક મિત્ર હતા. દીપેનની પાડોશમાં જ આરોપી ભાડાના મકાનમાં રહેતો હતો. દીપેનને સાડા વર્ષની દીકરી છે અને પત્ની ગર્ભવતી છે. હાર્દિક મિત્ર હોવાથી તેની પ્રેમિકા અને દીપેન પરિચયમાં હતા. હાર્દિકની પ્રેમિકા દીપેનને પ્રેમ કરવા લાગી હતી. તેવી શંકા હાર્દિકને હતી.
જેથી, છેલ્લા એક મહિનાથી તે મિત્ર દીપેનની હત્યાનો પ્લાન ઘડી રહ્યો હતો. દીપેનની હત્યા કરવા માટે મરચાની ભૂકી અને કટર સાથે રાખતો હતો. 7 તારીખે દીપેન કાર લઈ સાસરીમાં જવા નીકળ્યો હતો. પ્લાનિંગ મુજબ હાર્દિક સમા વિસ્તારમાં જવાનું કહી દીપેનની કારમાં બેસી ગયો. ગોલ્ડન ચોકડી તરફ અવાવરુ જગ્યાએ કાર ઉભી રખાવી. ત્યારબાદ, દીપેનના મોઢા પર મરચાની ભૂકી નાખી ગળા પર કટર મારી તેની હત્યા કરી. લાશને કેનાલમાં નાખી દીધી. લોહીવાળા કપડા બદલી કારને મિત્રના ઘરે મૂકી...તેના બે દિવસ બાદ કારને મહીસાગર નદીમાં નાખી દીધી. આ બધુ પોલીસથી બચવા માટે કર્યુ. પરંતુ, પોલીસની બાજ નજરથી હાર્દિક બચી શક્યો નહીં.
આ પણ વાંચોઃ Gandhinagar : રાજ્ય સરકારના સચિવોના અતિથીના ભોજન ખર્ચમાં 150 ટકાનો વધારો
દીપેન અને હાર્દિકની પ્રેમિકા વચ્ચે પ્રેમસંબંધ નહોતો. હાર્દિકને એવી શંકા હતી કે, તેની પ્રેમિકાને દીપેન પસંદ છે. તો એ શંકા દૂર કરવાને બદલે હાર્દિકે મિત્ર દીપેનની બેરહેમીથી હત્યા કરી દીધી. તેણે એકવાર એવું ના વિચાર્યુ કે, તેના આ પગલાથી હાર્દિકની સાડા ચાર વર્ષની દીકરીનું શું થશે, તેની પત્ની ગર્ભવતી છે, તો આવનારુ માસૂમ કોને પિતા કહેશે.તેની પત્ની, માતા-પિતાનું શું. જેમનો આધારસ્તંભ જતો રહેશે. પોલીસ આરોપીને જે સજા આપે, પણ હકીકત એ છે કે હાર્દિકની એક શંકાના કારણે દીપેનના પરિવારમાં જે ખોટ પડી છે એ ક્યારેય નહીં પૂરાઈ શકે.
આ પણ વાંચોઃ Ahmedabad: બનાવટી દસ્તાવેજો તેમજ કસ્ટમ ડ્યુટીની ચોરી કરી લકઝુરીયસ કાર ભારતમાં આયાત કરવાનું કૌભાંડ ઝડપાયુ


