VADODARA : જોખમી કટ બંધ કરવામાં બુલાર્ડ નિષ્ફળ, હવે ડિવાઇડર ચણી દેવાયા
- વડોદરા પાલિકા દ્વારા બુલાર્ડનો પ્રયોગ નિષ્ફળ રહ્યો
- લોકોએ ગણતરીના દિવસોમાં જ બુલાર્ડ ઉખેડી નાંખ્યા
- આખરે પાલિકાએ લાંબા ગાળાના ઉપાયના ભાગરૂપે ડિવાઇડર ચણી દીધા
VADODARA : વડોદરા (VADODARA) માં એક પછી એક રોડ અકસ્માતની ઘટનાઓ સામે આવતા પોલીસે (POLICE) સરવે કરીને 60 જેટલા જોખમી કટની માહિતી પાલિકાને સોંપી હતી. તે બાદ પાલિકા દ્વારા જોખમી કટ બંધ કરવા માટે લાખો રૂપિયાના ખર્ચે બુલાર્ડ (BOLLARD) ખરીદીને લગાડી દેવામાં આવ્યા હતા. પરંતુ બુલાર્ડ સહેલાઇથી નીકળી શકે તેમ હોવાથી લોકો તેને કાઢીને રસ્તો ખુલ્લો કરી દેતા હતા. આ મામલે મોડે મોડે પાલિકા તંત્રને જ્ઞાન લાદ્યું હતું. જેથી હવે બુલાર્ડની જગ્યાએ પાકા ડિવાઇડર જ ચણી દેવામાં આવી રહ્યા છે. જે હાલની સ્થિતીએ લાંબા ગાળાનો ઉપાય હોવાનો ગણગણાટ લોકોમાં જોવા મળી રહ્યો છે.
બુલાર્ડના પ્રયાસને ખાસ સફળતા મળી ન્હતી
વડોદરામાં રોડ અકસ્માતની ઘટનાઓ રોકવા સાથે જ તેમાં ઘટાડો કરવા માટે પોલીસ દ્વારા સરવે કરવામાં આવ્યો હતો. જેમાં રોડના જોખમી 60 જેટલા કટની માહિતી પાલિકાને આપવામાં આવી હતી. આ કટ તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે પાલિકા તંત્ર દ્વારા અંદાજીત રૂ. 3 લાખના ખર્ચે બુલાર્ડ ખરીદીને નાંખવામાં આવ્યા હતા. જો કે, આ બુલાર્ડ થકી રોડ બંધ કરવાના પ્રયાસને ખાસ સફળતા મળી ન્હતી. થોડાક જ સમયમાં લોકોએ બુલાર્ડ ઉખેડી નાંખીને બંધ કરાયેલા કટ પર ફરીથી અવર-જવર શરૂ કરી દીધી હતી. તે બાદ પાલિકાને આ અંગેનું જ્ઞાન લાદ્યું હતું. જેથી બુલાર્ડની જગ્યાએ હવે પાલિકા દ્વારા ડિવાઇડર ચણીને જોખમી કટ બંધ કરવામાં આવી રહ્યા છે.
યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવશે
વડોદરામાં કુંભારવાડા પોલીસ મથક સામે, સાધુ વાસવાણી સ્કુલ સામે (ન્યુ વીઆઇપી રોડ), મદાર માર્કેટ નજીક (પાણીગેટ), મિલન પાર્ટી પ્લોટ (ન્યુ વીઆઇપી રોડ), સનસાઇન કોમ્પ્લેક્ષ (વાઘોડિયા રોડ) પાસે મુકેલા બુલાર્ડ દુર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જે બાદ હવે પાલિકા દ્વારા બુલાર્ડની જગ્યાએ ડિવાઇડર ચણવામાં આવી રહ્યા છે. જે હાલ તો લાંબા ગાળાનો ઉપાય જણાય છે. તેની આવરદા કેટલી છે, તે આવનાર સમય જ નક્કી કરશે. બીજી તરફ પાલિકાના કર્મચારીનું કહેવું છે કે, બુલાર્ડ હંગામી ધોરણે લગાવ્યા હતા. તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવશે.
આ પણ વાંચો --- VADODARA : PM નરેન્દ્ર મોદીને પોંખવા 20 હજાર મહિલાઓ હાજર રહેશે


