VADODARA : સ્મશાનના ખાનગીકરણ સામે રોષ, પૈસાનો વેડફાટ અટકાવવા વિરોધની ચિમકી
- વડોદરામાં સ્મશાનના ખાનગીકરણનો પુરજોશમાં વિરોધ
- પ્રજાના પૈસાનો વેડફાટ અટકાવવા સામાજીક કાર્યકર મેદાને
- અમે 1992-93 થી સેવા આપીએ છીએ. જ્યારે અહિંયા કોઇ આવતું ન્હતું - ટ્રસ્ટ
VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) દ્વારા સ્મશાનના ખાનગીકરણની (CREMATORIUM PRIVATISATION) હિલચાલ કરવામાં આવી હોવાનું સપાટી પર આવ્યું છે. પાલિકાની હદમાં આવતા અંદાજીત 26 જેટલા નાના-મોટા સ્મશાનોનો વહીવટ ખાનગી સંસ્થાને સોંપવા પાલિકા તત્પર બન્યું છે. ત્યારે અત્યાર સુધી સ્મશાનમાં નિશુલ્ક સેવા-સુવિધા આપતા જલારામ સેવા ટ્રસ્ટ સહિતના સ્ટાફને આગામી દિવસોમાં કામ પર નહીં આવવા માટેનું મૌખિક ફરમાન જારી કરવામાં આવ્યું છે. જે બાદ વિરોધનો વંટોળ શરૂ થયો છે. આજે સામાજિક કાર્યકર દ્વારા ઉગ્ર સ્વરે આ વાતનો વિરોધ કરવામાં આવ્યો છે. અને ખાનગીકરણથી થતા નાણઆંનો વેડફાટ અટકાવવા માટે વિરોધ-આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
એક પણ રૂપિયો લીધા વગર સેવા-સુવિધા આપવા તૈયાર
સમગ્ર મામલે સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસે મીડિયાને જણાવ્યું કે, જલારામ ટ્રસ્ટ દ્વારા વિતેલા ઘણા વર્ષોથી સ્મશાનમાં સેવા આપવામાં આવી રહી છે. શહેરવાસીઓના કોઇ પણ સ્વજનનું નિધન થયું હશે, તેમને નિશુલ્ક લાકડાથી લઇને અન્ય સેવા-સુવિધા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. હજી પણ આપવામાં આવે છે, તેઓ ભવિષ્યમાં પણ એક પણ રૂપિયો લીધા વગર સેવા-સુવિધા આપવા તૈયાર છે. પરંતુ આ નેતાઓને ક્યાંથી ખીસ્સા ભરાય, તેવી વિચારધારા અને માનસિકતાના કારણે અમે સવાલ ઉઠાવીએ છીએ. આ કેવા લોકો છે, તેમણે સ્મશાનમાં પણ કમાઇ લેવું છે. સ્મશાનમાં લાકડા-છાણામાં કમાવવું છે. કોરાના કાળમાં એક પણ મૃતદેહને લાકડા ખુંટ્યા નથી. આ લોકોએ વર્ષોથી સેવા આપી છે.
તમને શહેર આપ્યું, તમે ખાડોદરા બનાવી દીધું
સ્વેજલ વ્યાસે વધુમાં જણાવ્યું કે, પાલિકા દ્વારા પ્રતિ મૃતદેહ રૂ. 7 હજારના કામનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. તમામ સ્મશાનો માટે કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પૈસા લોકોના ખિસ્સામાંથી જશે. આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો પણ વિરોધ કરી રહ્યા છે. આ યોગ્ય નથી, અમે તેમને નહીં હટવા દઇએ, અમે વિરોધ-આંદોલન કરીશું. જે કર્મચારીઓ અત્યાર સુધીમાં સેવા આપતા હતા, તેમને હટાવવાની વાત કરવામાં આવી છે. અમે તેવું નહીં થવા દઇએ. તેઓ ફ્રીમાં સેવા આપે છે, તો તમારે પૈસા આપવાની શું જરૂરત છે..? તમને આખું શહેર આપ્યું, તમે ખાડોદરા બનાવી દીધું.
અત્યાર સુધી કોઇ તકલીફ પડી નથી
ખાસવાડી સ્મશાનમાં સેવા આપતા જલારામ સેવા ટ્રસ્ટના અગ્રણીએ મીડિયાને જણાવ્યું કે, અમે 1992-93 થી સેવા આપીએ છીએ. જ્યારે અહિંયા કોઇ આવતું ન્હતું, ત્યારથી અમે કામ કરીએ છીએ. આજે લગભગ 30 વર્ષથી વધુનો સમય થઇ ગયો છે. પહેલા કોઇ સુવિધા પણ ન્હોતી. અમે પૈસા ખર્ચીને વ્યવસ્થા કરાવી છે. અત્યાર સુધી કોઇ તકલીફ પડી નથી. છતાં પાલિકાને અમારાથી શું તકલીફ છે, તે સમજાતું નથી. ગેસ ચિતા અને લાકડાની સેવા અમે આપી રહ્યા છે. પાલિકાએ સાફસફાઇ અને સિક્યોરીટીનો કોન્ટ્રાક્ટ આપવો જોઇએ. સ્મશાનોમાં કોઇને કોઇ સંસ્થા કામ કરી રહી છે.
આ પણ વાંચો ---- VADODARA : કચરાનો જાહેરમાં નિકાલ કરનારની 'કુટેવ' પાલિકા ઉજાગર કરશે


