RBIના આ ઐતિહાસિક નિર્ણયથી હવે વિશ્વમાં ભારતીય રૂપિયાનો વધશે દબદબો
- ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લીધો મોટો નિર્ણય
- નેપાળ, શ્રીલંકા અને ભૂટાનમાં પણ રૂપિયામાં થશે વેપાર
- હવે રૂપિયામાં મળશે આંતરરાષ્ટ્રીય લોન
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ભારતીય ચલણ 'રૂપિયા' ને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે એક સાહસિક અને મહત્ત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરી છે. RBI એ વૈશ્વિક વેપાર (ગ્લોબલ ટ્રેડ) અને આંતરરાષ્ટ્રીય લોન વ્યવહારોમાં રૂપિયાનો ઉપયોગ વધારવાની યોજના જાહેર કરી છે. જે ભારતની આર્થિક અસર વધારવાની દિશામાં એક રણનીતિક વળાંક સાબિત થઈ શકે છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લીધો મોટો નિર્ણય
નોંધનીય છે કે આ જાહેરાત 1 ઓક્ટોબરે મળેલી નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠક દરમિયાન કરવામાં આવી હતી. જોકે, આ બેઠકમાં રેપો રેટ (Repo Rate) માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે 5.5 ટકા પર સ્થિર રહ્યો છે.RBIની નવી યોજના હેઠળ, ભારતીય બેંકો હવે ભૂટાન, નેપાળ અને શ્રીલંકા જેવા પડોશી દેશોના બિન-નિવાસીઓને સીમા પાર વેપાર માટે રૂપિયામાં લોન આપી શકશે. આ લોન માત્ર વ્યાપારી હેતુઓ માટે જ ઉપલબ્ધ રહેશે. આ પગલાથી આ દેશો સાથે ભારતીય રૂપિયામાં થતા વેપારને પ્રોત્સાહન મળશે અને દક્ષિણ એશિયામાં રૂપિયાને એક સ્પર્ધાત્મક ચલણ તરીકે સ્થાપિત કરવામાં મદદ મળશે.
RBI ના આ નિર્ણયથી ડોલરની નિર્ભરતા પર ઘટાડો થશે
આંતરરાષ્ટ્રીય સ્તરે રૂપિયાની લેવડદેવડને સરળ બનાવવા માટે RBI મુખ્ય વિદેશી ચલણો સામે રૂપિયા માટે પારદર્શક દરો (Transparent Rates) પણ રજૂ કરશે. RBIએ સ્પેશિયલ રૂપિયો વોસ્ટ્રો એકાઉન્ટ (SRVA) માં બાકી રહેલી રકમનો ઉપયોગ વધારવા પર પણ ભાર મૂક્યો છે. હવે આ ભંડોળને કોર્પોરેટ બોન્ડ્સ અને કોમર્શિયલ સર્ટિફિકેટ્સમાં રોકાણ માટે પણ માન્યતા આપવામાં આવી છે.RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, આ પગલાં વ્યવહારોમાં રૂપિયાની માંગ વધારશે, ડોલર પરની નિર્ભરતા ઘટાડશે અને પડોશી દેશો માટે વૈકલ્પિક ફંડિંગનો વિકલ્પ પૂરો પાડશે. ભારત તેના $700 અબજના વિદેશી હૂંડિયામણ ભંડાર અને મજબૂત સેવા નિકાસનો લાભ લઈને રૂપિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યું છે.
આ પણ વાંચો: મોદી કેબિનેટે લીધો મોટો નિર્ણય, દેશભરમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલયો ખુલશે


