World Cup 2023 : પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલા Shubman Gill પહોંચ્યો અમદાવાદ, તો શું...?
વર્લ્ડ કપ 2023 ની પ્રથમ બે મેચમાં શુભમન ગિલ રમી શક્યો નહતો. તેને ડેન્ગ્યૂ હોવાનું કહેવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાની આગામી મેચ હવે પાકિસ્તાન સામે છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે શું શુભમન ગિલ આ મેચ રમશે કે કેમ. જણાવી દઇએ કે, ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં તેની ત્રીજી મેચ 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. આ હાઈવોલ્ટેજ મેચમાં ભારતીય ટીમનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આ શાનદાર મેચ પહેલા શુભમન ગિલ પર એક મોટું અપડેટ સામે આવ્યું છે. તે ભારતીય ટીમના બાકીના ખેલાડીઓ પહેલા જ અમદાવાદ પહોંચી ગયો છે.
શુભમન ગિલ અમદાવાદ પહોંચ્યો
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ વર્લ્ડ કપ 2023ની પ્રથમ બે મેચમાં રમતા જોવા મળ્યો નથી. વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા તેને ડેન્ગ્યુ થયો હતો. ભારતે ચેન્નાઈમાં પ્રથમ મેચ રમી હતી, જ્યાં ગિલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચ માટે તે ટીમ ઈન્ડિયા સાથે દિલ્હી પણ ગયો ન હતો. જોકે, ભારત-પાકિસ્તાન મેચ પહેલા ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે. શુભમન ગિલ અમદાવાદ પહોંચી ગયો છે. પરંતુ હાલમાં શુભમનના રમવા અંગે કોઈ માહિતી સામે આવી નથી.
ભારત-પાકિસ્તાન મેચમાં રમશે ગિલ?
મળતી માહિતી મુજબ, ગિલ બુધવારે રાત્રે ચેન્નાઈથી અમદાવાદ પહોંચ્યો હતો, જ્યારે ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ ગુરુવારે બપોરે અહીં પહોંચશે. સારા સમાચાર એ છે કે ગિલ સ્વસ્થ થઈ ગયો છે, જો ગિલ ફિટ રહે છે તો તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. શુભમન ગિલે આ વર્ષે વનડેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં તેની રિકવરી ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર છે. તેણે આ વર્ષે વનડેમાં 72.35ની એવરેજ અને 105.03ની સ્ટ્રાઈક રેટથી 1,230 રન બનાવ્યા છે.
ટીમ ઈન્ડિયાની ધમાકેદાર શરૂઆત
ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. વર્લ્ડ કપ 2023માં ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે હતી. તેણે આ મેચ 6 વિકેટથી જીતી લીધી હતી. આ પછી ટીમ ઈન્ડિયાનો સામનો અફઘાનિસ્તાન સામે થયો હતો. આ મેચમાં પણ ભારતીય ટીમે એકતરફી રીતે 8 વિકેટે જીત મેળવી હતી. હવે તેની સામે પાકિસ્તાનની ટીમ છે, જે પોતાની બંને મેચ જીતીને આ ટૂર્નામેન્ટમાં ઉતરી રહી છે.
સંપૂર્ણ સ્વસ્થ નથી ગિલ ?
ઉલ્લેખનીય છે કે, ગિલ ખરાબ તબિયતના કારણે વર્લ્ડ કપની પ્રથમ બે મેચ રમી શક્યો ન હતો. ગયા અઠવાડિયે તેના પ્લેટલેટ્સ ઘટીને 70,000 થઈ ગયા હતા અને તેને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, 24 કલાક બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સારી ફિટનેસના કારણે ગિલ જલ્દી સાજો થવાની સંભાવના છે પરંતુ ડેન્ગ્યુ તાવના કારણે શરીર ખૂબ જ નબળું પડી ગયું છે અને આવી સ્થિતિમાં તેને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ બાંગ્લાદેશ સામેની મેચમાં વાપસી કરવાની તક મળી શકે છે.
આ પણ વાંચો - IND vs AFG : કોહલીએ અફઘાનિસ્તાન સામે અડધી સદી ફટકારી બનાવ્યો વિરાટ રેકોર્ડ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે


