ChhotaUdepur નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચારનો વ્યાપ વધાર્યો
- નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારો દ્વારા સોશિયલ મીડિયાથી પ્રચાર
- ઓછા ખર્ચાળ માધ્યમનો ઉપયોગ કરી રહ્યાં છે ઉમેદવારો
- સોશિયલ મીડિયાને અગ્રેસર વિકલ્પ તરીકે પસંદગી
ChhotaUdepur : નગરપાલિકાની ચૂંટણીનો દિવસ નજીક આવી રહ્યો છે. જેમાં 22 માસ જેટલા વહીવટદારના શાસન બાદ નગર સેવકોના હાથમાં સત્તાનું સુકાન આવવાનો અવસર નજીક આવી રહ્યો છે. ત્યારે ઉમેદવારોની ચિંતા સાથે લોકોની કુતુહલતામાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે. કેટલાકના તો ભર શિયાળે ગરમાવો થયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
નગરમાં રેલી, ઢોલ, તાશા ડીજે સાથે ઉમેદવારો દ્વારા પ્રચારનો પ્રારંભ કર્યો નથી
હાલ તો નગરમાં રેલી, ઢોલ, તાશા ડીજે જેવી કોઈપણ સાધ્ય સામગ્રી સાથે ઉમેદવારો દ્વારા પ્રચારનો પ્રારંભ કર્યો નથી. પરંતુ બંધબારણાની બેઠકો અને ઓટલા તેમજ ખાટલા બેઠકોના દોર ચાલી રહ્યા છે. પહેલાની જેમ શેરી મહોલ્લાઓમાં ઉમેદવારોના મોટા મોટા પોસ્ટર હાલતો વિસરાઈ ગયા હોય તેમ કેટલાકને બાદ કરતા માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની વિશેષતા ગણાવતી પોસ્ટ મૂકી મતદાતાઓને રિઝવવા માટે સોશિયલ મીડિયા પ્રચાર પ્રસારને વેગવંતુ બનાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ મતદાતાઓ પણ હાલ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. તમામ ઉમેદવારોની વાતો સાંભળે છે. પરંતુ મક્કમ મને કોને મત આપવા માટે મન બનાવ્યું છે તેવું હાલ તો કોઈ સ્પષ્ટ ફોડ પાડી રહ્યું નથી.
ભારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે
છોટાઉદેપુર નગરપાલિકાની સાત વોર્ડમાંથી વોર્ડ નંબર બે અને સાતને હાઈ પ્રોફાઈલ વોર્ડ તરીકે માનવામાં આવે છે. ત્યાં ભારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતના ચૂંટણી પરિણામ સૌ કોઈને ચોંકાવે તેવી વકી રાજકીય પંડિતો દ્વારા કરવામાં આવી રહી છે. તો સત્તારૂઢ થવા માટે પણ અપક્ષોના આશીર્વાદની જરૂર અગ્રેસર રહેવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વખતની ચૂંટણીમાં પાલિકાની 28 બેઠકો પૈકી મુખ્યત્વે કોંગ્રેસ 15 બેઠકો ઉપર, ભાજપ 20 બેઠકો ઉપર, બસપા 16 બેઠકો ઉપર, જ્યારે આપ 12 બેઠકો ઉપર, પોતાના ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે. પરંતુ એક પણ રાજકીય પક્ષને 28 ( તમામ) બેઠકો ઉપર ઉમેદવાર મળ્યા નથી તેવું કહેવું ક્યાંય ખોટું નથી...!


