Vadodara: મહાનગરપાલિકા દ્વારા નવા ચીફ ફાયર ઓફિસરની નિમણૂક વિવાદોના ઘેરામાં! થઈ રહ્યાં છે અનેક સવાલો
- મહારાષ્ટ્રનાં અધિકારીને ચીફ ફાયર ઓફિસર બનાવી દેવાતા અનેક સવાલો
- મૂળ મહારાષ્ટ્રનાં જલગાંવનાં મનોજ પાટીલની નિમણૂક કરવામાં આવી
- એક જ સમયે નોકરી અને અભ્યાસ કેવી રીતે કર્યો? સૌથી મોટો સવાલ
Vadodara: વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા પાંચ મહિનાથી ખાલી પડેલા ચીફ ફાયર ઓફિસરના પદ પર તાજેતરમાં મૂળ મહારાષ્ટ્રનાં જલગાંવનાં મનોજ પાટીલની નિમણૂક કરવામાં આવી છે. જ્યારથી વડોદરામાં આ પેરાશુટ ઉમેદવારને ચીફ ફાયર ઓફિસર બનાવાયા છે, ત્યારથી વિવાદનો મધપુડો છંછેડાયો છે. આરોપ છે કે, વડોદરાના નવા ચીફ ફાયર ઓફિસરને ઇમરજન્સી સેવાઓમાં 24 કલાક કામ કરવાનો અનુભવ નથી. સ્ટેશન ફાયર ઓફિસર તરીકે પણ મનોજ પાટીલે અગાઉ કોઇ કામગીરી બજાવી નથી. જે સરકારી નીતિ નિયમોની વિરૂધ્ધ છે. તેમ છતાં પાલિકાની સમગ્ર સભામાં તેમની નિયુક્તિની દરખાસ્ત પર વોટિંગ કરાવી બહુમતીનાં જોરે મનોજ પાટીલને ચીફ ફાયર ઓફિસર બનાવી દેવાતા રાજકીય લાગવગનાં આધારે તેમની નિમણૂક કરાઈ હોવાનાં ગંભીર આરોપ થઇ રહ્યાં છે.
આ પણ વાંચો: Kutch: બાલાજીના નમકીનમાં ગ્રાહકને થયો કડવો અનુભવ, વેફર્સના પેકેટમાં નીકળી ગરોળી
શું નવા ચીફ ફાયર ઓફિસરને ઇમરજન્સી સેવાઓનો અનુભવ નથી?
મનોજ પાટીલે વડોદરામાં ચીફ ફાયર ઓફિસર બનવા માટે જે ડોક્યુમેન્ટ્સ રજુ કર્યા છે, તેની સામે પણ શંકા ઊભી થઇ રહી છે. મનોજ પાટીલે ગુજરાત યુનિવર્સિટીમાંથી વર્ષ 2014 માં બીએસસી ફાયર સેફ્ટીનો ડિગ્રી કોર્સ કર્યો છે, જ્યારે કે આ કોર્સ ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2015માં શરૂ થયો હતો. આ દરમિયાન તેઓ મહારાષ્ટ્રમાં નોકરી પણ કરતાં હતાં. એક જ સમયે મનોજ પાટીલે નોકરી અને અભ્યાસ એક સાથે કેવી રીતે કર્યો તે સૌથી મોટો સવાલ છે. વિવાદ વધતાં હવે મહાનગર પાલિકાનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે. વડોદરા કોર્પોરેશન દ્વારા મનોજ પાટીલનાં ડિગ્રી કોર્સ મામલે ગુજરાત યુનિવર્સિટીનો સંપર્ક કરી તમામ પાસાઓની તપાસ શરૂ કરી દેવાઇ છે.
આ પણ વાંચો: Rajkot: સમૂહ લગ્નના આયોજકનું ભાજપ કનેક્શન સામે આવ્યું!જાણો શું છે હકીકત
વડોદરામાં ચીફ ફાયર ઓફિસરનું પદ છેલ્લા ઘણાં સમયથી વિવાદોમાં
વડોદરાના નવા ચીફ ફાયર ઓફિસરની નિમણૂંક મામલે લાગેલા આરોપો અતિ ગંભીર છે. જો કે, ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે તેમનાં વિરુદ્ધનાં તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમને કહ્યું કે, તેમને ક્યાંય કઇ ખોટું કર્યું નથી અને જરૂર પડ્યે પુરાવા રજૂ કરશે. મહત્વનું છે કે, વડોદરામાં ચીફ ફાયર ઓફિસરનું પદ છેલ્લા ઘણાં સમયથી વિવાદોમાં રહ્યું છે. ગત ચોમાસામાં વડોદરામાં આવેલા ભયાનક પુરમાં પણ આપાતકાલીન સમયે નાગરિકોનાં ફોન ન ઉપાડનાર વડોદરાનાં તત્કાલીન ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે ફાયર વિભાગનાં જ બે કર્મચારીઓને માર મારતા પાલિકાએ તેમને સસ્પેન્ડ કર્યા હતાં. ખાલી પડેલા ચીફ ફાયર ઓફિસરનાં પદ પર પાલિકાએ માંડ નવી ભરતી કરી પણ તેમાં પણ વિવાદ થતાં અનેક સવાલો ઉભા થયાં છે.


