Vadodara : અટલ બ્રિજ પર ગંભીર અકસ્માત, કારની ટક્કરે એક્ટિવા ચગદાયું, ટ્રેક્ટરની દિશા ફંટાઇ
- રવિવારે અટલ બ્રીજ પર મોટી અકસ્માતની ઘટના સામે આવી
- કાર ચાલકે પ્રથમ એક્ટિવા અને ત્યાર બાદ ટ્રેક્ટર જોડે અકસ્માત સર્જ્યો
- ઘટનામાં બે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે
Vadodara : વડોદરા (Vadodara) શહેરના અતિ વ્યસ્ત રહેતા અટલ બ્રિજ (Atral Bridge Accident - Vadodara) પર રવિવારે રજાના દિવસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બેફામ ઝડપે આવતી કારે પ્રથમ એક્ટિવાને ટક્કર મારી હતી (Triple Accident - Vadodara). ત્યાર બાદ કારે કચરો ભરીને લઇ જતા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. ટ્રેક્ટરને એટલી જોરદાર ટક્કર લાગી હતી કે, તેની આખી દિશા જ ફંટાઇ ગઇ હતી. આ ઘટનામાં કારની એન્જિનનો આગળનો ભાગ આખો ચગદાઇ ગયો હતો. આ ઘટનામાં કાર ચાલક અને એક્ટિવા ચાલક ગંભીર ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. કાર અને એક્ટિવાની હાલત જોતા બંનેમાંથી કોઇનું બચવું મુશ્કેલ લાગતું હોવાનો અંદાજો સ્થાનિકો લગાવી રહ્યા છે.
એક્ટીવાના બે કટકા થતા બચી ગયા
વડોદરા શહેરના અટલ બ્રીજ પર મોટી અક્સ્માતની ઘટના (Atral Bridge Accident - Vadodara) સામે આવી છે. આ ઘટનામાં બેફામ ગતિએ આવતી કારે જ્યોતિ સર્કલથી પંડ્યા બ્રીજ ચઢતી વેળાએ પહેલા ટુ વ્હીલર એક્ટિવા અને ત્યાર બાદ કચરો લઇને જતા ટ્રેક્ટરને ટક્કર મારી હતી. આ ઘટનામાં એક્ટીવાના બે કટકા થતા બચી ગયા હતા. એક્ટિવા આગળ અને પાછળ બંને બાજુથી ચગદાયું હતું. ટ્રેક્ટર અટલ બ્રીજ પરથી અક્ષર ચોક તરફ જઇ રહ્યું હતું. પરંતુ કારની જોરદાર ટક્કર લાગતા ટ્રેક્ટરની દિશા જ ફંટાઇ ગઇ હતી. જે દિશા તરફ જઇ રહ્યું હતું, તેનાથી વિપરીત દિશામાં આખું વળી ગયું હતું.
એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો
આ ટક્કરમાં કારની આગળનો ભાગ ભયંકર રીતે ચગદાઇ ગયો હતો. કારની સેફ્ટિ બેગ પણ ખુલી ગઇ હતી. આ ઘટનામાં કાર ચાલક અને એક્ટિવા ચાલકને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. આ ઘટનામાં વાહનની હાલત જોઇને કોઇનું બચવું મુશ્કેલ લાગી રહ્યું હોવાનો અંદાજ છે. આ ઘટનામાં કચરા ભરેલા ટ્રેક્ટરના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને પગલે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને એક તરફનો માર્ગ બંધ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
વિપરીત દિશામાં આખું ટ્રેક્ટર ફરી ગયું
ટ્રેક્ટર ચાલકે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, કાર ફુલ સ્પીડમાં પાછળથી આવી હતી. કારે પહેલા એક્ટિવાને ટક્કર મારી હતી. મારું આખું ટ્રેક્ટર ફરી ગયું હતું. હું જે દિશામાં જઇ રહ્યો હતો, તેનાથી વિપરીત દિશામાં આખું ટ્રેક્ટર ફરી ગયું હતું. અકસ્માત સમયે કારમાં એક વ્યક્તિ હાજર હતો.
આ પણ વાંચો ----- Vadodara : ક્રાઇમ બ્રાન્ચે રીઢો ચોર ઝડપ્યો, iPhone, સોનું-પ્લેટિનમના દાગીના રિકવર


