Vadodara : રેન્જ રોવર કારના નશામાં ધૂત ચાલકે બાઇકને ટક્કર માર્યા બાદ પોલીસ જોડે માથાકુટ કરી
- વડોદરામાં નશામાંં ધૂત રેન્જ રોવર ચાલકે પોલીસ જવાનો જોડે બબાલ કરી
- બાઇક ચાલકને ટક્કર માર્યા બાદ પોલીસે તેને રોક્યો હતો
- કાર ચાલક વિરૂદ્ધ વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી
Vadodara : ગત રાત્રે વડોદરા (Vadodara) શહેરના ભવાની સર્કલ પાસે ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક લેન્ડ રોવર કારના (Range Rover Car Accident - Vadodara) ચાલકે પ્રથમ બાઇકને ટક્કર મારી હતી. ત્યાર બાદ નજીકમાં હાજર પોલીસ જવાનોએ તેને રોક્યો હતો. જે બાદ નશામાં ધૂત કાર ચાલકે પોલીસ જવાનો જોડે પણ રસ્તા પર જોર-જબરદસ્તી કરી હતી. બાદમાં અન્ય પોલીસ જવાનો આવતા માંડ તોફાન મચાવતા કાર ચાલકને અટકાવીને કારમાં બેસાડવામાં આવ્યો હતો. આ કાર ચાલકની અટકાયત કરીને તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાર ચાલક નશામાં હોવાનું સામે આવતા તેના વિરૂદ્ધ પ્રોહીબીશન, પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કાર ચાલકની હરકતોને પગલે મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઇ ગયા હતા.
કાર ચાલકે ઇજા પહોંચાડી
એસીપી પ્રણવ કટારીયાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, ગઇ કાલે આપણું જુનું મકરપુરા પોલીસ મથક હતું, ત્યાં સર્કલ પાસે એક બનાવ બનવા પામ્યો હતો. તેમાં એક લેન્ડ રોવર કંપનીના ચાલક દેવેન્દ્રસિંહ સિંઘાએ સર્કલ પાસે બાઇક ચાલક જોડે અકસ્માત કર્યો હતો. ત્યાં હાજર પોલીસ જવાનોએ તેમને રોક્યા હતા. બાદમાં ચાલકે તેમને ઇજા પહોંચાડી હતી. કાર ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન, સરકારી કર્મચારીની કામગીરીમાં રૂકાવટ કરી તેને ઇજા પહોંચાડવી, રફ ડ્રાઇવીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ગુનો દાખલ કરવામાં આવ્યો
તેમણે વધુમાં જણાવ્યું કે, કારમાંથી અડધી દારૂની બોટલ મળી આવી છે. કાર ચાલક ફૂલ નશામાં હોવાથી તેનું મેડિકલ કરાવીને તેની અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ તે નશામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોપી બ્રોડબેન્ડના વ્યવસાયમાં છે. કરજણમાં તેની ઓફિસ આવેલી છે. હાલ માંજલપુરમાં તેનું ઘર આવેલું છે. આરોપી એકલો જ રહેતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગઇ કાલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે તેની વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો ----- Surat : પાવન પર્વ પર વધુ એક બીભત્સ Video Viral


