- મીઠી-મધુરી ‘મૃદુલા’ અને ‘વિજય’ જાતની સક્કરટેટીનું દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર વાવેતર કરીને લાખોનું ઉત્પાદન મેળવતા કામરેજના પ્રગતિશીલ ખેડૂત
- એરોમા પ્રકારની આકર્ષક સુગંધ અને અત્યંત સ્વાદિષ્ટ હોય છે ‘મૃદુલા’ અને ‘વિજય
- ઓછા બીજ અને વધુ પલ્પ ધરાવતી મૃદુલા અને વિજય જાતની સક્કરટેટીનો લાજવાબ સ્વાદ
- ચાર એકરમાં ટેટીનું વાવેતર કરીને અંદાજીત ૫૦ ટનનું ઉત્પાદન થવાની સંભાવના વ્યક્ત કરતા યુવા ખેડૂત.
- ૭૫ દિવસના સમયગાળામાં જ ટેટીનું મબલખ ઉત્પાદન અને ઊંચા ભાવો મળ્યા.
Home » દક્ષિણ ગુજરાતમાં ધૂમ મચાવતા ‘મૃદુલા’ અને ‘વિજય’, વાંચો રસપ્રદ કહાણી
દક્ષિણ ગુજરાતમાં ધૂમ મચાવતા ‘મૃદુલા’ અને ‘વિજય’, વાંચો રસપ્રદ કહાણી
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
128
રાજ્યનો ખેડુત નીતનવી ટેકનોલોજી (Technology)નો ઉપયોગ કરીને આધુનિક ખેતી (Farming) તરફ વળ્યો છે. રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓના સહારે ખેડૂતો નવીનતમ ખેતી કરીને બમણી આવક મેળવી રહ્યા છે. કૃષિ વૈજ્ઞાનિકો સુધારેલું બિયારણ અપનાવી પ્રગતિશીલ ખેતીની ભલામણ કરે છે, ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી પ્રવિણભાઈ માંગુકીયાએ ‘મૃદુલા’ અને ‘વિજય’ એમ બે જાતની સક્કરટેટી (muskmelon)નું દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમવાર સફળતાપુર્વક વાવેતર કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરક બન્યા છે. પ્રવિણભાઈએ ચાર એકરમાં ટેટીનું વાવેતર કરીને અંદાજીત ૫૦ ટનથી વધુનું ઉત્પાદન થવાની સંભાવના વ્યકત કરી છે. ૩૦૦ થી ૮૦૦ ગ્રામ જેટલું વજન ધરાવતી અત્યંત સ્વાદિષ્ટ એવી આ ખાસ ટેટીમાં એરોમા પ્રકારની આકર્ષક સુગંધ આવે છે.
મૃદુલા અને વિજય જાતની સક્કરટેટીનો સ્વાદ લાજવાબ
ઓછા બીજ અને વધુ પલ્પ ધરાવતી મૃદુલા અને વિજય જાતની સક્કરટેટીનો સ્વાદ લાજવાબ છે. એકવાર સ્વાદ ચાખી જનાર વ્યક્તિ આ ટેટીનો ચાહક બની જાય છે. વિગતે વાત કરતા તેઓ કહે છે કે, પાણીનો કરકસરભર્યા ઉપયોગ માટે ડ્રીપ ઈરિગેશન તથા મલ્ચીંગ પદ્ધતિ અપનાવી છે. જેમાં ડ્રીપ ઈરિગેશન માટે રાજ્ય સરકારની GGRC (ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની) દ્વારા એક એકરમાં રૂા.૧૫,૦૦૦ લેખે ચાર એકરમાં રૂા.૬૦,૦૦૦ની સબસિડી મેળવી છે.
રાજ્યમાં ભાગ્યે જ કોઈ આ જાતની ટેટીનું વાવેતર કરે છે
વડીલોપાર્જીત જમીનમાં પરંપરાગત ખેતીને બદલે આધુનિક પદ્ધતિથી ખેતીના અનુભવો અને મીઠી મધ જેવી ટેટીની ખેતી વિષે વાત કરતા યુવા ખેડુત પ્રવિણભાઈ કહે છે કે, રાજ્યમાં ભાગ્યે જ કોઈ આ જાતની ટેટીનું વાવેતર કરે છે. મેં જાન્યુઆરી-૨૦૨૩ના પ્રથમ સપ્તાહે નાસીકથી મૃદુલા જાતના છોડ દીઠ રૂા.૪.૧૦ના ભાવે અને રૂા.૩.૪૦ના ભાવે વિજય જાતની ટેટીના ૧૪-૧૪ હજાર રોપાઓ લાવીને ચાર એકરમાં વાવેતર કર્યુ હતું. માત્ર ૭૦ દિવસના અંતે ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે, જેમાં પ્રથમ ઉતારામાં કિલો દીઠ રૂા.૨૫નો ભાવ મળ્યો છે. જો કે હાલમાં માર્કેટમાં આ ટેટી ન હોવાથી રૂા.૨૫ થી લઈને કિલો દીઠ રૂા.૪૦નો ભાવે મળવાની સંભાવના વ્યકત કરી હતી. એકરે ૧૨ થી ૧૪ ટન એટલે કે ચાર એકરમા ૫૦ થી ૬૦ ટન જેટલી સક્કરટેટીનું ઉત્પાદન થશે. ૭૫ દિવસની માવજત બાદ ટેટીનું હાર્વેસ્ટીંગ શરૂ કર્યું છે, તેમજ પ્રારંભથી જ શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતી ટેટીના કારણે ઊંચા ભાવ પણ મળી રહ્યા છે અને મારા ખેતરમાંથી જ વેપારીઓ ટનબંધ ટેટી વેચાણથી લઈ જઈ રહ્યા છે એમ તેમણે કહ્યું હતું.
સુરત જિલ્લાની જમીન બાગાયતી ખેતી અને ખાસ કરીને તરબૂચ અને સક્કરટેટીને માફક
આમ તો બાગાયતી ખેતી લીલાછમ્મ વિસ્તારોમાં વધુ થાય છે, પરંતુ સુરત જિલ્લાની જમીન બાગાયતી ખેતી અને ખાસ કરીને તરબૂચ અને સક્કરટેટીને માફક આવે છે, એમાંય બાગાયત વિભાગના અધિકારીઓનું માર્ગદર્શન અને અમારી મહેનત સાથે મળે એટલે ખેતીમાં ચાર ચાંદ લાગી જાય છે. એટલે આટલું માતબર ઉત્પાદન મેળવી શકાયું છે. આ મૃદુલા જાતની ટેટીની ખાસિયત જણાવતા તેઓ કહે છે કે, ટેટીમાં બીજ ઓછા અને અંદરથી વ્હાઈટ પલ્પ હોય છે. જેનુ વજન ૩૦૦થી લઈ ૮૦૦ ગ્રામ હોય છે. ચારથી પાંચ દિવસ સારી રહે છે અને બ્રિકસ રેશિયો એટલે કે, ગળપણનો રેશિયો ૧૪ જેટલો ઉંચો છે, જેથી સ્વાદમાં અન્ય ટેટીની સરખામણીએ અત્યંત મીઠી હોવાનું તેઓ જણાવે છે, જેથી ભાવો પણ સારા મળી રહે છે.
વધુ નફો આપતા રોકડિયા પાકોનું વાવેતર કરવું જોઈએ
રાજ્યના ખેડૂતોને સંદેશ આપતા કહે છે કે, આયોજનપૂર્વક અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને લઈને આધુનિક ઢબે ખેતી કરવામાં આવે તો ખેતીને નફાકારક બનાવી શકાય છે. પરંપરાગત ખેતીના બદલે ટુંકાગાળામાં વધુ નફો આપતા રોકડિયા પાકોનું વાવેતર કરવું જોઈએ. રાજ્ય સરકાર પણ દરેક પાકોમાં પ્રોત્સાહક સબસિડી આપે છે. ઉપરાંત નવસારી કૃષિ યુનિ.ના ટેકનિકલ સ્ટાફનો ખુબ સારો સપોર્ટ રહે છે.
ટેટીનો પાક અઢીથી ત્રણ મહિનામાં તૈયાર થઈ જાય છે
દક્ષિણ ગુજરાત શેરડીના વાવેતર થાય છે, પણ શેરડીના પાક માટે દોઢ વર્ષ સુધી રાહ જોવી પડે છે, જ્યારે ટેટીનો પાક અઢીથી ત્રણ મહિનામાં તૈયાર થઈ જાય છે. ઓછા ખર્ચ અને સમયમાં માતબર ઉત્પાદન અને પોષણક્ષમ ભાવો મળતા હોવાથી ટેટીની ખેતી વધુ સારો વિકલ્પ છે એમ પ્રવિણભાઈ જણાવે છે.
ઉત્પાદનમાં ઉછાળો
ઉનાળુ પાક ગણાતી ટેટીની બાગાયતી ખેતીમાં ગરમ વાતાવરણ જળવાઈ રહે તો બમ્પર ઉત્પાદન મળે છે. સુરત જિલ્લાની જમીન,પાણી અને હવામાન ટેટીની ખેતી અનુકૂળ હોવાથી સામાન્ય સાથે ઉત્તમ જાતોની ટેટીના વાવેતર અને ઉત્પાદનમાં ઉછાળો આવ્યો છે અને બજારભાવ પણ યોગ્ય મળી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject