Download Apps
Home » માસ્તરની સમક્ષ ધીમે ધીમે આખી કથા ઉઘડતી રહી….

માસ્તરની સમક્ષ ધીમે ધીમે આખી કથા ઉઘડતી રહી….

બંધ આંખે મરિયમ અતીતની ગલીઓમાં ઘૂમી રહી. નજર સામે કેટકેટલાં દ્રશ્યો હાઉકલી કરી રહ્યા. 
************           ******************       ****************
“ ચાચુ, ચાચુ.. આ  અનિલ મારા વાળ ખેંચે છે. મને  કયારનો હેરાન કરે છે.”  
  બોલતા બોલતા એક  નાનકડી, નટખટ છોકરી સાવ પાડોશમાં રહેતા જનકભાઈના ઘરમાં ઘૂસી. અને એની પાછળ એના જેવડો જ અનિલ… 
“ બાપુજી, આ મરિયમ સાવ ખોટું બોલે છે હો. હું દોડતો હતો તો એણે પોતાનો પગ આડો નાખ્યો ને હું પડી ગયો તો એ  તાળી પાડીને હસતી હતી..” 
“કેમ, અનિલ, મારી આ મીઠી દીકરીના  વાળ કેમ ખેંચતો હતો ?”
“બાપુજી, તમે બહુ ખરાબ છો. એણે મને પછાડયો એનું કંઈ નહીં. મને ખબર છે કે તમે આ ચિબાવલીનો જ પક્ષ લેવાના. હું એના અબ્બુને જ કહું છું બધું.” 
“હા, મારા અબ્બુનો તો તું ચમચો છો.” 
“ના, અબ્બુ મારા ચમચા છે.”  
બંનેની તડાતડી ચાલી રહી. જનકભાઈ અને જશોદા બહેન બંનેની ફરિયાદ સાંભળીને  મલકાતા રહ્યા. 
આ તો રોજનું હતું. 
“એક કામ કરો.” 
“મરિયમ, અનિલ તને બહુ હેરાન કરે છે ને ?”
મરિયમે હકારમાં  ડોકું ધૂણાવ્યુ. 
“અનિલ, આજથી તારે ઘરમાં જ રહેવાનું. ખબરદાર છે જો અલી અંકલને ઘેર રમવા જઈને મરિયમ દીકરીને હેરાન કરી છે તો.”
“ચાચુ… બાપુજી..”  
બોલતા જ અનિલ અને મરિયમ એકમેકનો હાથ પકડીને ત્યાંથી રવાના થઈ ગયા.   
જનકભાઈ અને જશોદાબહેન મોટેથી  હસી પડયા.
એ યાદ સાથે જ મરિયમના ચહેરા પર આ ક્ષણે પર નાનકડું સ્મિત ફરકી ઊઠયું હતું. 
“ આ જ નાટક ઘણીવાર  બાજુમાં રહેતા અલી અને રેહાનાબહેનને  ઘેર  પણ ભજવાતું.  
પરિણામ ત્યાં પણ આવું જ આવે. 
માસ્તરની સમક્ષ  ધીમે ધીમે આખી કથા ઉઘડતી રહી. 
 મરિયમ જાણે જનકભાઇની લાડલી..ચાગલી દીકરી અને અનિલ અલીભાઈનો ચાગલો..લાડકવાયો  દીકરો. અલીને ઘેર અનિલનું રાજ ચાલતું.તો જનકભાઈને ઘેર  મરિયમનું એકચક્રી સામ્રાજય.  કુદરતનો જ  કોઈ સંકેત એમાં હશે કે કેમ એ તો સમય જ કહી શકે ને ? ઘણીવાર ભવિષ્યમાં થનાર વાતના બીજ બહુ પહેલાથી જ કુદરત રોપી દેતી   હોય છે. કુદરતનાં દરેક સંકેત સમજવા સહેલા નથી હોતા. 
લડતા, ઝગડતા, ધમાલ, મસ્તી કરતા  બંને બાળકોને  એક બીજા વિના ચાલવાનું નથી એ વાતની  બંને પરિવારને ખબર હતી. 
તો બંનેના માબાપને પણ એકમેક વિના કયા  ગોઠતું હતું?  
જનકભાઈ અને જશોદાબહેન, અને અલી અને રેહાના બહેનના પરિવારનો નાતો કંઇ આજકાલનો નહોતો. બે પેઢીથી બંધાયેલો આ ઘરોબો આજે પણ અકબંધ રહ્યો હતો.નવી પેઢીને મળેલો આ અણમોલ  વારસાઈ સબંધ હતો. કોઈ અકળ લેણદેણ વરસોથી અહી સંગોપાયેલી હતી. અરે, જનકભાઈની  ગાય અને અલીના ઘોડા વચ્ચે પણ આ વહાલ દેખા દેતું. સાંજે અલી ઘોડાગાડી લઈને ઘેર આવે અને જેવો ઘોડો છૂટો થાય એ સાથે જ  ગાયના ભાંભરવાનો અવાજ આવે અને બીજી જ સેકન્ડે  ઘોડો  ત્યાં પહોંચ્યો જ હોય. કયારેક અલીને આવતા મોડું થાય તો ગાયની નજર ડેલા પર જ ખોડાઈ રહી હોય. અને જેવી ગાડી દેખાય કે ગાયનું  ભાંભરવું   અને ઘોડાનું હણહણવું ..બંને અવાજ લગભગ એકસાથે જ દેકારો મચાવી રહે. 
“હા, બાપલા, હા, તારા દોસ્તારને છોડીને મોકલું છું. ભારે અથરી તું તો..”
કહેતા અલી હસી પડે. અને ઝડપભેર ઘોડાને છૂટો કરે. 
“જા..બાપલા, જા, તારી બહેનપણી તારા વિના સોરાય છે.”
બિચારી કયારની ભૂખી છે. એનો દોસ્તાર આવે પછી જ એ ખાણમાં મોઢું નાખશે. 
સામેથી જનકભાઈનો સાદ આવતો. 
અલી પણ  ઘોડાના તોબરામાં ચણા અને ગોળ નાખીને ત્યાં જ આપી આવે. 
અને બંને ભાઈબંધ આ અબોલ પશુઓને સાથે ખાતા જોઈ રહેતા.બંને ખાતા જાય અને વચ્ચે વચ્ચે જાણે  વાતો કરતા હોય..એકબીજાને હોંકારા દેતા હોય એમ જાતાજાતના અવાજ કરતા જાય. 
જનકભાઈ પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. તો અલીભાઈ ઘોડાગાડી ચલાવતા.જનકભાઈનો પુત્ર અનિલ અને અલીની દીકરી મરિયમ બંનેએ હજુ તો છ વરસ પૂરા કર્યા હતા. બંને બાળકોની ધમાલ, મસ્તી આખો દિવસ  ચાલુ રહેતી.  કયારેક અનિલ મરિયમને ઘેર જમી લેતો તો કદીક મરિયમ અનિલને ત્યાં અડ્ડો જમાવતી.બંને લડતા, ઝગડતા , મસ્તી કરતા, એકબીજાની ફરિયાદ પણ કરતા.પણ જો કોઈ અનિલને ખીજાય તો મરિયમને ન પોસાય અને મરિયમને ખીજાય તો અનિલને વાંધો પડે. બંનેના માબાપ એ જાણતા અને કયારેય તેમની વચ્ચે ન પડતા. જશોદાબેન અને રેહાના બહેનના સખીપણા પણ એવા જ ગાઢ. રોજ રાત્રે બંને  કુટુંબ સાથે બેસીને અલકમલકની વાતોથી ચોક ગજાવતા. ગામમાં તેમની મૈત્રીની ઈર્ષા કરવાવાળા પણ ઘણાં હતા. કોઈએ બંને કુટુંબ વચ્ચે ફાટફૂટ પડાવવાના પ્રયાસો પણ કરી જોયેલા. પણ પરિણામ શૂન્ય.    
બંને  પરિવાર વચ્ચે નેહનો આ નાતો બે  પેઢીથી ચાલ્યો આવતો હતો.  નાતજાતના ભેદભાવ અહી  કદી પ્રવેશ્યા નહોતા. ઇદ અને દિવાળી બંને ઘરમાં  સાથે મળીને જ ઊજવાતી. સુખ, દુઃખ બંને કુટુંબના સહિયારા હતા. જનકભાઈનો અનિલ એકવાર બીમાર પડયો હતો. તાવ કેમે ય  ઉતરતો નહોતો ત્યારે અલી રેહાનાએ કેટકેટલી આકરી બાધાઓ લીધી હતી.  રાત દિવસ અનિલની સંભાળ લીધી હતી.  આખી આખી રાત અનિલને પોતા મૂકતા બેસી રહેતા. જનકભાઈ અને જશોદાબહેનને સાંત્વના આપીને સૂવડાવતા, જમાડતા.  અનિલ સાજો થયો પછી એક વરસ સુધી રેહાના કે અલીએ પગમાં ચપલ્લ, સ્લીપર કશું પહેર્યું નહોતું.  આખું વરસ અડવાણા પગે ફર્યા હતા. ચાના સખત બંધાણી અલીએ પૂરા  એક વરસ સુધી ચા નહોતી પીધી. તો મીઠાઈના શોખીન રેહાનાબહેને અનિલના સાજા થયા બાદ  એક વરસ સુધી મીઠાઈની બાધા  રાખી હતી. આવા તો અનેક પ્રસંગોનું ગામલોક સાક્ષી હતું. 
દિવસો તો સસલાની જેમ ભાગ્યે જતા હતા. 
પણ… એક દિવસ…
 ‘ એ ગોઝારી સાંજ હતી.  બંને કુટુંબ રોજની જેમ  ફળિયામાં સાથે બેસીને ગપ્પા મારતા હતાં. ગરમાગરમ ચા પીતા પીતા હસી મજાકનો દોર ચાલી રહ્યો હતો. અનિલ અને મરિયમ  ત્યાં દોડાદોડી કરી  રહ્યા હતા.  
ત્યાં અચાનક  ન જાણે શું થયું, કેમ થયું, કંઇ સમજાય એ પહેલા જ  જનકભાઈના     માસા લોહી નીતરતી હાલતમાં ત્યાં આવ્યા અને ભયભીત અવાજે ઝડપથી બોલી ઉઠયા. 
‘ ભાગો જલદી..હિંદુ મુસ્લીમ વચ્ચે ભયંકર રમખાણ ફાટી નીકળ્યું છે. અહીંથી કોઇ સલામત સ્થળે ભાગો. વિચારવાનો કે કશું સાથે લેવાનો સમય નથી. જો રોકાશો તો જાન જશે. મારી જેમ..ઝડપ કરો. એ લોકો પહોંચવામાં જ છે. એમાં હિંદુ અને મુસલમાન બંને છે. જોખમ બંને કોમ પર સરખું છે. ભાગો..ભાગો.બધા દોડો જલ્દી..’ 
એમના મોઢામાંથી “ભાગો, ભાગો “ એ એક જ શબ્દ સિવાય બીજો કોઇ શબ્દ નહોતો નીકળતો. તૂટતાં અવાજે બોલતા એ જમીન પર ઢળી પડયા. સૌની  સામે જ એમણે આખરી શ્વાસ લીધો. બંને પરિવાર  સ્તબ્ધ. આ શું થઇ ગયું ? બધા અવાચક ..
 બે કુટુંબમાંથી કોઇને ન સમજાયું કે હવે શું કરવું ? 
પણ એ ક્ષણ સમજવાની નહોતી, સંભાળવાની હતી, જીવ બચાવવાની હતી. માસાની  હાલત સૌની  નજર સામે હતી. દૂરથી ટોળાના  ઉશ્કેરાટ ભર્યા અવાજો પડઘાતા હતા.. 
 બધા દોડયા. કયાં ? કોણ ?  કઇ તરફ ?  એ પણ કોને સમજાયું હતું ? આખા મહોલ્લાની  આ જ હાલત હતી. ભાગો..ભાગો. એ સિવાય બીજી કોઈ વાતનું જાણે અસ્તિત્વ જ નહોતું.  
હિંદુ કે મુસ્લિમ સૌ કોઈ જેને જે સૂઝયું તે લઈને ભાગ્યા. 
 હજુ તો માંડ થોડે આગળ જવાયું  હશે  ત્યાં તો ગાંડાતૂર થયેલા બે ટોળાં એમને  આંબી ગયા.એમાં હિંદુ પણ હતા અને મુસ્લીમ પણ હતા. કોણ કોને મારતું હતું એ સમજાતું નહોતું. અલ્લાહો અકબર અને હર હર  મહાદેવ બંને નારા કાનમાં અથડાતા હતા. એ સમયે ત્યાં કોઇ માણસ નહોતું. હતા તો ફકત હિંદુ અને મુસલમાન..
પાછળ લોહી તરસ્યું ટોળું અને આગળ  અને દિશા વિહીન દોટ મૂકતા ભયભીત લોકો.. 
‘દોડતા દોડતા આખરે બધા ઝડપાઇ ગયા. ચારે તરફ લોહીથી લથપથ લાશો જ લાશો. 
**************         **************  ****************
હવે મરિયમના શ્વાસ  ધમણની જેમ તીવ્ર ગતિએ ચાલતા હતા. તેની બંધ આંખો સામે અતીત સજીવન થઇ ઊઠયો હતો.એકાએક તેની આંખ ખૂલી ગઈ.એ ભયાનક દ્રશ્યનો  ઓથાર કદાચ આજે યે તેનાથી જીરવાતો  નહોતો.
 તેની આંખોમાં દરિયો ઉમટયો હતો. એ એકદમ ચૂપ બની ગઈ. જાણે એ ખોફનાક દ્રશ્ય આ ક્ષણે ન ભજવાઈ રહ્યું હોય. 
 ખાટલા પર આડા પડીને એકચિત્તે મરિયમની વાત સાંભળતા પોસ્ટમાસ્તર દીનાનાથ  કયારના બેઠા થઈ ગયા હતા. થોડી વાર બંને એમ જ મૌન બેસી રહ્યા. માસ્તર અવાક બન્યા હતા.  તો  મરિયમ અતીતની  પીડાથી મૌન બની હતી.  તેનું ગળું રૂંધાયું હતું. 
 મરિયમના અવાજની વ્યથા માસ્તર સમજી  શકતા હતા. એવા દિવસોના સાક્ષી તો પોતે પણ કયાં નહોતા બન્યા ? પણ સદનસીબે આજ સુધી સલામત હતા. આ ધર્માંધતાનો કોઇ અંત કદી આવશે ખરો કે ? માસ્તરના મનમાં સવાલ ઉઠતો હતો. પણ  જવાબ  કયારેય કોઈને મળ્યો છે કે મળશે ખરો ? 
મરિયમ આકાશમાં છવાયેલા કાળા ડિબાંગ વાદળો સામે જોઇ રહી. એની તરસી આંખો અબ્બુને જોવા મથતી હતી કે શું ? 
માસ્તરે  કંઈ  બોલ્યા સિવાય પાણીનો ગ્લાસ મરિયમના હાથમાં મૂકયો. 
મરિયમે ધીમે ધીમે પાણીનો ઘૂંટ ગળે ઉતાર્યો. બે પાંચ મૌન ક્ષણો. 
‘ પછી ? પછી શું થયું ?  ‘
માસ્તરના અવાજમાં અનાયાસે એક   વ્યાકુળતા   ઉભરી આવી.
 ભાઈ, પૂરી ખબર તો મને યે કયાં છે ?
જનક કાકાના  પગમાં ગોળી લાગી હતી. મારા અબ્બુના નિર્જીવ  હાથમાંથી  હું નીચે પડી હતી. મારા એકના જ શ્વાસ ચાલતા હતા. બાકી સઘળી લાશો.. જનક કાકાએ  મને નીચે પડતી  જોઈ  અને જીવ પર આવીને, મને ઊંચકી લીધી.અને  કોઈ સાન ભાન વિના ગાંડાની જેમ  બસ દોડતા રહ્યા. કયાં ? કઈ તરફ ? એવું  વિચારવાનો કે પાછું વળીને જોવાનો સમય જ કયાં હતો ? હું એક જ જીવતી હતી અને જે જીવે છે એને બચાવવા એ બીજી બધી સંવેદનાઓને કોરાણે મૂકીને મરણિયા થઈને  જનક કાકા  લોહી નીંગળતા  પગે ભાગ્યા  હતા.  પત્ની અને  પુત્રના  મોત પાછળ આંસુ સારવાનો સમય પણ તેમને કયાં મળ્યો હતો ? 
પાછળ  હિંદુ અને મુસ્લિમ બંને ટોળાનાં દેકારા શમવાનું નામ નહોતા લેતા. અમારા બંનેનો જીવ જોખમમાં હતો.  
  મારા અબ્બુના  એક મુસ્લીમ મિત્રનું ઘર દેખાતા  કાકા  મને લઇને એમાં ઘૂસ્યા.  અહીં સુધી ટોળું હજુ નહોતું પહોંચ્યું.  એ મિત્રને બધી વાત સમજાવી પણ અત્યારે એ મિત્ર સુધ્ધાં  દુશ્મન બની બેઠો હતો.  જનક કાકાની કોઇ વાત સાંભળવા કે સમજવા એ તૈયાર જ ન હતો. કોમવાદનું ઝેર ન જાણે કયાંથી ઉતરી આવ્યું હતું.  
અને એ  ઝેર માણસને શેતાન બનાવતા કયાં અચકાતું હોય છે ? 
“જુઓ, તમારા અને અલીના વરસોના સંબંધોની અમને ખબર છે. અલીનું કુટુંબ તમારું જ કહેવાય ને ? તો એને ખાતર તમારે ભોગ આપવો જ જોઈએ.  તમારે બદલે અલી હોત તો એ પણ તમારા દીકરાને  બચાવવા કોઈ પણ શરત માનત કે નહિ ? 
 આ છોકરી મુસલમાન છે  એ વટલાવી ન જોઈએ. એની નસોમાં અમારું લોહી વહે છે. તો તમારે  બચવું હોય અને આ છોકરીને બચાવવી હોય તો  અમારી શરત માનવી પડશે. આ તો હું તમને ઓળખું  છું એટલે આટલું કહું છું. બાકી હમણાં અમારા બીજા ભાઈઓ આવશે તો તમને બચાવવા મારે માટે પણ મુશ્કેલ બની જશે. આ સમયમાં  કોઈનો ભરોસો કરાય એમ કયાં છે ? “
ભાઈ, આ બધા શબ્દો તો મારા છે. એમણે  તો  એ સમયે ન જાણે  કઈ ભાષામાં..કેવી રીતે, કેવા આકરા શબ્દોમાં જનક કાકા સાથે વાત કરી હશે એની મને..એક છ વરસની છોકરીને  તો કયાંથી ખબર કે સમજ હોવાની ? હું તો કેવી યે ભયભીત બનીને જનકકાકાની  છાતીએ વળગી રહી હતી. “ 
મરિયમની આંખો અભાનપણે નીતરતી હતી.  
માનવીનું મુઠ્ઠી જેવડું નાનકડું હૈયું  કેટકેટલા રહસ્યો, કેટકેટલી  સંવેદનાઓ સંઘરીને બેઠું હોય છે.  કયારેક એ દાબડી કોઈ સહૃદયી પાસે એકાએક ખૂલી જાય છે તો કયારેક એ આખરી અગ્નિ જવાળા સુધી અકબંધ રહીને અગ્નિદેવતામાં સ્વાહા થઇ જાય છે. આજે મરિયમની હૈયા દાબડી માસ્તર પાસે ખૂલી ગઈ હતી.  માસ્તર સ્તબ્ધ બની ગયા હતા. પોતે શું બોલે એ પણ સમજાતું નહોતું. 
આંગણામાં ઊભેળો લીમડો પણ સ્થિર બનીને મરિયમની પીડામાં સામેલ  થયો હતો. એની ડાળીઓ  ઝૂલવાનું ભૂલીને સ્થિર બની હતી. દૂરથી કૂતરાના ભસવાના  અવાજો વાતાવરણને વધારે ભેંકાર   બનાવી રહ્યા હતા. ચાંદ, તારા ઝંખવાઈ ગયા હતા.રાતનો અંધકાર વધારે ઘેરો બન્યો હતો.  
માસ્તર એકીટશે મરીયમ સામે જોઈ રહ્યા હતા. નર્યા વાત્સલયથી નીતરતો તેમનો  હાથ મરિયમને મૂક સાંત્વના આપવા મથી રહ્યો હતો. 
 ભીની આંખે મરિયમ ન જાણે કયાંય સુધી બોલતી રહી. વ્યથાના  વીતકના પડળ એક પછી એક ખૂલતા રહ્યા. 
 ક્રમશ : 
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા