Home » વાપી GIDCમાં થયેલી દોઢ કરોડના કેમિકલની ચોરીનો ભેદ ઉકેલાયો …
વાપી GIDCમાં થયેલી દોઢ કરોડના કેમિકલની ચોરીનો ભેદ ઉકેલાયો …
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
106
વાપી જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાંથી બે દિવસ અગાઉ અંદાજે દોઢ કરોડથી પણ વધુની કિંમતના કીમતી કેમિકલની થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. વલસાડ જિલ્લા LCB પોલીસે ગણતરીના સમયમાં જ વાપીના જીઆઇડીસી વિસ્તારમાં આવેલી રિકટર થેમિસ મેડીકેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી થયેલ કરોડોની કિંમતના કેમિકલ ચોરીના ગુનામાં સંડોવાયેલા 9 આરોપીઓને દબોચી લીધા છે. અને પોલીસે આરોપીઓ પાસેથી એક કરોડ 8 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.
વાપીના જીઆઇડીસી વિસ્તારમાં આવેલી રિકટર થેમિસ મેડીકેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં બે દિવસ અગાઉ રૂપિયા એક કરોડ 60 લાખ 54 હજારની કિંમતનું 56 કિલોથી વધુનું કીમતી પાલાડીયમ કેટાલીસ્ટ કેમિકલ ચોરી થયું હતું. કંપનીમાંથી અતિ કિંમતી કેમિકલ ચોરીની જાણ થતાં જ કંપની સત્તાધીશોએ વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરી હતી.
મહત્વપૂર્ણ છે કે આ ફાર્મા કંપનીમાં રો મટીરીયલ તરીકે વપરાતું પાલાડીયમ કેટાલીસ્ટ નામનું આ કેમિકલ ખૂબ જ કીમતી છે. અને જો તે ખોટા હાથે ચડી જાય તો અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. કારણ કે આ કેમિકલ વિસ્ફોટક તરીકે પણ કામ આવે છે. આથી આખી ઘટનાની ગંભીરતા જોતાં વલસાડ LCB પોલીસે તમામ દિશામાં તપાસ તેજ કરી અને આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસો હાથ ધર્યા હતા. અને પોલીસને ગણતરીના દિવસોમાં જ સફળતા મળી છે. વલસાડ જિલ્લા LCB પોલીસે આ મામલે 9 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી એક કરોડ આઠ લાખથી વધુની કિંમતના મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં કંપનીમાંથી ચોરી થયેલા 27 કિલો પાલાડીયમ કેટાલીસ્ટ કેમિકલ, 26 લાખ 37 હજાર રૂપિયા રોકડા, 10 મોબાઈલ, 2 કાર અને મોપેડ મળી અંદાજે એક કરોડ આઠ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં પોલીસને સફળતા મળી છે.
આરોપીઓની ધરપકડ બાદ પોલીસે કરેલી આગવી ઢબે પૂછપરછમા અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. જેમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાં રાજકુમાર રાજપૂત અને પ્રમોદકુમાર સિંગ રાજપૂત તથા નરેન્દ્ર ભાનસિંગ નામના આરોપીઓ આ કંપનીમાં જ કામ કરતા હતા. તેઓ જાણતા હતા કે કંપનીમાં વપરાતું પાલાડીયમ કેટાલીસ્ટ કેમિકલ ખૂબ જ કીમતી છે. આથી તેમના અન્ય સાગરિતો સાથે મળી અને કંપનીમાંથી આ કેમિકલ ચોરવાનો પ્લાન બનાવ્યો હતો. અને પ્લાન અંતર્ગત કંપનીમાંથી 56 કિલોથી પણ વધુના પાલાડીયમ કેટાલીસ્ટ કેમિકલના જથ્થાને ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા.
વાપીની રિકટર થેમિસ મેડીકેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની ફાર્માસ્યુટિકલ કંપની છે. કંપનીમાં પાલાડીયમ કેટાલીસ્ટ નામનું કેમિકલ રો મટીરીયલ તરીકે ઉપયોગમાં આવે છે. જે અત્યંત કીમતી છે. 1 કિલો પાલાડીયમ કેટાલીસ્ટ કેમીકલનો બજારભાવ લાખો રૂપિયા આંબે છે. જોકે ચોંકાવનારી હકીકત એ છે કે આ પાલાડીયમ કેટાલીસ્ટ કેમિકલ જો કોઈ અસામાજિક તત્વો સુધી પહોંચી જાય તો અત્યંત જોખમી અને ઘાતક સાબિત થઈ શકે છે. કારણકે તેનો વિસ્ફોટમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે. આથી પોલીસે બનાવને ગંભીરતાથી લઇ જેમ બને તેમ ઝડપી આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરી હતી.
પોલીસની તપાસમાં એ વાત પણ બહાર આવી છે કે આરોપીઓએ આ કેમિકલ ચોરી કરવા અગાઉથી ફૂલ પ્રૂફ પ્લાન બનાવ્યો હતો. જે અંતર્ગત એક દિવસ અગાઉ જ આરોપીઓએ કંપનીમાં પાલાડીયમ કેટાલીસ્ટ કેમિકલના સ્ટોર રૂમ ના તાળા જ બદલી નાખ્યા હતા અને તેની ચાવી ચોરી લીધી હતી આથી તેઓ કંપનીમાં ઘૂસી અને સરળતાથી પાલાડીયમ કેટાલીસ્ટ કેમિકલના સ્ટોર રૂમ સુધી પહોંચી અને ચોરવામાં સફળ રહ્યા હતા.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject