રશિયાએ જાપાનના વડાપ્રધાન
ફ્યુમિયો કિશિદા સહિત 63 જાપાની અધિકારીઓને તેમના દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ
મૂક્યો છે. મોસ્કોએ કહ્યું કે યુક્રેન પરના હુમલાને લઈને અમેરિકા અને અન્ય પશ્ચિમી
દેશોની સાથે જાપાન દ્વારા રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોના જવાબમાં આ પગલું
લેવામાં આવ્યું છે. રશિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, જાપાની પીએમ કિશિદાના વહીવટીતંત્રે રશિયા વિરોધી
અભિયાન ચલાવ્યું, જેણે રશિયા વિરુદ્ધ ખોટા
નિવેદનો આપ્યા અને તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તેમાં અપમાન અને સીધી ધમકીઓ પણ
સામેલ છે. રશિયાએ જાપાનના વડાપ્રધાન, મંત્રીમંડળના સભ્યો, ધારાશાસ્ત્રીઓ, પત્રકારો અને પ્રોફેસરો
સહિત 63 જાપાની નાગરિકો પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂક્યો છે.
રશિયાએ કહ્યું કે, જાપાની જાહેર વ્યક્તિઓ, નિષ્ણાતો અને જાપાની મીડિયાના પ્રતિનિધિઓના
નિવેદનો આપણા દેશ પ્રત્યે પશ્ચિમી દેશોના વલણ સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા હોય
તેવું લાગે છે. રશિયાએ ટોક્યો પર સારા પડોશી સંબંધોને નષ્ટ કરવા, રશિયન અર્થતંત્ર અને દેશની આંતરરાષ્ટ્રીય
પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા જેવા પગલાં લેવાનો આરોપ મૂક્યો હતો. જણાવી દઈએ કે યુક્રેન પર રશિયાના હુમલા માટે અમેરિકા સહિત પશ્ચિમી
દેશોએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ટીકા કરી હતી અને મોસ્કો પર ઘણા આર્થિક
પ્રતિબંધો લગાવ્યા હતા. તેને જોતા જાપાને પણ રશિયાની ટીકા કરી અને મોસ્કો પર
કેટલાક નિયંત્રણો લાદ્યા. જાપાનના આ પગલાથી રશિયા ખૂબ નારાજ હતું, ત્યારબાદ તેણે જાપાનના પીએમ અને અન્ય
સેલિબ્રિટીઓના રશિયામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવતા આ પગલું લીધું છે.