38

ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માને હવે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. રોહિતને વનડે, ટેસ્ટ અને T20 એમ ત્રણેય ફોર્મેટ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ પહેલા રોહિતને વનડે અને T20નો કેપ્ટન જાહેર કરાયો હતો પરંતુ હવે તેને ટેસ્ટનો પણ કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. ત્રણેય ફોર્મેટમાં રોહિતનાં કેપ્ટન બન્યા બાદ ટીમ ઈન્ડિયાનાં ભૂતપૂર્વ સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની સાત વર્ષ પહેલા કહેલી વાત ફરી સાચી સાબિત થઇ છે.
આજથી સાત વર્ષ પહેલા ધોનીએ કહ્યુ હતુ કે, ટીમ ઈન્ડિયા પાસે ત્રણેય ફોર્મેટમાં એક જ કેપ્ટન રહેશે. જે વાત આખરે આજે સાબિત થઇ છે. તેણે કહ્યુ હતુ કે, ટીમ ઈન્ડિયામાં ત્રણેય ફોર્મેટની અંદર અલગ-અલગ કેપ્ટનની ફોર્મ્યુલા બિલકુલ કામ નહી કરે. ધોનીએ પોતાના સમયમાં ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપ કરી છે. તેના કેપ્ટન પદ પરથી હટ્યા બાદ વિરાટ કોહલીએ પણ ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપ કરી હતી. તેની કેપ્ટનશિપમાં ભારતને ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. જોકે, નવેમ્બર 2021 સુધી ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા પાસે એક જ કેપ્ટન હતો. છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની અંદર કોઇને કોઇ તણાવ હોવાના સમાચાર વચ્ચે વિરાટ કોહલીએ T20Iમાંથી કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો હતો. જે પછી ડિસેમ્બરમાં રોહિતને વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો અને તે પછી ફેબ્રુઆરીમાં તેને ટેસ્ટ ટીમની પણ કમાન પણ સોંપવામાં આવી. આ રીતે આજે ટીમ ઈન્ડિયાને ત્રણેય ફોર્મેટ માટે એક જ કેપ્ટન મળી ગયો છે.
ધોની જ્યારે ખરાબ સમયથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેણે તે વાત પર જોર આપ્યું હતુ કે, ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન ન હોઇ શકે. તે હંમેશા વિચારતો હતો કે, ત્રણેય ફોર્મેટમાં ટીમને લીડ કરનાર કોઇ એક જ નેતા હોવો જોઇએ, અલગ-અલગ નેતા ન હોવા જોઇએ. આજે હવે તેની તે વાત એકવાર ફરી સાચી સાબિત થતી જોઇ શકાય છે.