Surat : મોરા ગામે દરિયામાં ગેરકાયદેસર ગટરનું પાણી છોડાતું હોવાનો આક્ષેપ
- Surat ના હજીરામાં ગેરકાયદે ગટરનું પાણી છોડાતું હોવાનો દાવો
- મોરા ગામે દરિયામાં ગેરકાયદે ગટરનું પાણી છોડાતું હોવાનો આક્ષેપ
- કેમિકલયુક્ત ગંદા પાણીના કારણે અસંખ્ય માછલીઓ મૃત્યુ પામી
- અસંખ્ય માછલીઓના મોતના કારણે ગ્રામજનોમાં ભારે રોષ
- ગામવાસીઓએ સંબંધિત વિભાગોને ગંદા પાણીને લઈને જાણ કરી
- તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ દોડી આવ્યા
- ઇચ્છાપોર પોલીસ અને સ્થાનિક સરપંચ પણ સ્થળ પર પહોંચ્યા
- ગામવાસીઓએ વિરોધ નોંધાવતાં પોલીસે મામલો થાળે પાડ્યો
- દરિયામાં ઠાલવવામાં આવતું ગદું પાણી તત્કાલિક બંધ કરવાની માગ
- અધિકારીઓની સાઠગાંઠના પણ ગામલોકોના આરોપ
Surat : સુરત જિલ્લાના હજીરા વિસ્તારમાં પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડતી એક ઘટના સામે આવી છે, જેના કારણે મોરા ગામના ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે દરિયામાં ગેરકાયદેસર રીતે કેમિકલ મિશ્રિત ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે.
કેમિકલયુક્ત પાણીથી અસંખ્ય માછલીઓ મૃત્યુ પામી
આ ગેરકાયદે પ્રવૃત્તિનું ગંભીર પરિણામ એ આવ્યું કે દરિયાકાંઠે અસંખ્ય માછલીઓ મૃત્યુ પામેલી હાલતમાં મળી આવી. ઝેરી અને ગંદા પાણીના કારણે થયેલા આ અસંખ્ય માછલીઓના મોતના દૃશ્યોએ ગામલોકોમાં ભારે આક્રોશ પેદા કર્યો હતો. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ હતી. સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે આ ગંદા પાણીના નિકાલ અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિત સંબંધિત વિભાગોને જાણ કરી હતી.
અધિકારીઓનું દોર અને વિરોધ
ગામલોકોના આક્ષેપો અને વિરોધની જાણ થતાં જ વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી (TDO), મામલતદાર સહિતના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમની સાથે ઇચ્છાપોર પોલીસ અને સ્થાનિક સરપંચ પણ સ્થળ પર પહોંચ્યા હતા. ગુસ્સે ભરાયેલા ગામવાસીઓએ રસ્તા પર વિરોધ નોંધાવીને દરિયામાં ઠાલવવામાં આવતું ગંદુ પાણી તત્કાલિક બંધ કરવાની માગ કરી હતી.
અધિકારીઓની સાઠગાંઠના પણ ગામલોકોના આરોપ
ગામલોકોએ આ ગેરકાયદે નિકાલ પાછળ અધિકારીઓની સાઠગાંઠના પણ ગંભીર આરોપો લગાવ્યા હતા. પોલીસે વિરોધકર્તાઓને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો અને હાલમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ ગંદા પાણીના સ્ત્રોત અને નિકાલ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક પ્રદૂષણના ગંભીર મુદ્દાને સપાટી પર લાવી દીધો છે.
આ પણ વાંચો : Surat: પોલીસને રાધિકાના મોબાઈલમાંથી મળી આવી વોટ્સએપ ચેટ, શું થયા ખુલાસો..!


