Patan : સિદ્ધપુરમાં સાંબેલાધાર 8 ઇંચ વરસાદ, કાકોશીમાં કોહરામ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
- ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધામેદર એન્ટ્રી
- પાટણ તાલુકાઓમાં અનરાધાર વરસાદ
- જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત
Heavy Rain in Sidhhpur: ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ મહેર સાથે-સાથે કહેર પણ વરસાવ્યો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર, સરસ્વતી અને પાટણ તાલુકાઓમાં અનરાધાર વરસાદ પડ્યો છે, જેને કારણે પરિસ્થિતિ વિકટ બની છે. ખાસ કરીને સિદ્ધપુર તાલુકામાં ગત મોડી રાતથી અત્યાર સુધીમાં 7 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
સિદ્ધપુરમાં વિકટ સ્થિતિ
સિદ્ધપુર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સિદ્ધપુરનું ઐતિહાસિક રસુલ તળાવ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું છે. શહેરના મુખ્ય માર્ગો પર કેડસમા પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે, અને ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેને કારણે અવરજવર ખોરવાઈ ગઈ છે.
જળબંબાકારની સ્થિતિ
પાટણના મેત્રાણા અને કાકોશીમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સિદ્ધપુરના કાકોશી ગ્રામ પંચાયતના રોડ પર, કાકોશી ગામની બજારમાં અને સિદ્ધપુર-કાકોશી હાઈવે પર પણ પાણી ભરાયા છે. સેદ્રાણા ચાર રસ્તા પર પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. પાટણ શહેરની ચિત્રકૂટ નગર સોસાયટીના ગેટમાં પણ ઢીંચણસમા પાણી ભરાયા હતા.
આ પણ વાંચો -Gujarat Rain: ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, શ્રાવણમાં શ્રીકાર
તરો બેટમાં ફેરવાયા
ભારે વરસાદના કારણે ઊભા પાકવાળા ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે, જેને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા
સિદ્ધપુર તાલુકાના કાલેડા, ધનાવાડા, પચકવાડા, દશાવાડા, કલ્યાણા, કુંવારા, કાકોશી સહિતના ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, સરસ્વતી તાલુકાના ભીલવન ગામમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. સરસ્વતી તાલુકાના વદાણી, જાખા, વાસણી, લાખડપ, વાગદોડ, કાનોસણ સહિતના ગામોમાં પણ વરસાદે હાજરી પૂરાવી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પાણીના નિકાલ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જોકે, સતત વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
વહેલી સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ
અમદાવાદના દસક્રોઇમાં 8.70 ઇંચ, ખેડાના મહેમદાવાદમાં 6.22 ઇંચ, કઠલાલમાં 3.86 ઇંચ, નડીયાદમાં 3.74 ઇંચ, માતરમાં 3.50 ઇંચ, અરવલ્લીના ભિલોડામાં 3.39 ઇંચ, બનાસકાંઠાના ભાભરમાં 3.23 ઇંચ, આણંદના ઉમરેઠમાં 3.03 ઇંચ, અમદાવાદના બાવળામાં 2.83 ઇંચ, પાટણ શહેરમાં 2.80 ઇંચ, બનાસકાંઠાના કાંકરેજમાં 2.80 ઇંચ, ડાંગના વઘઇમાં 2.72 ઇંચ, ખેડાના મહુધામાં 2.68 ઇંચ, ડાંગના સુબીરમાં 2.68 ઇંચ, પાટણના સિદ્ધપુરમાં 2.40 ઇંચ, અમદાવાદના ધોળકામાં 2.40 ઇંચ, વડોદરાના ડેસરમાં 2.32 ઇંચ, નવસારીના વાસંદામાં 2.32 ઇંચ, બનાસકાંઠાના વડગામમાં 2.28 ઇંચ, ખેડાના ગળતેશ્વરમાં 2.28 ઇંચ, ખેડાના વાસોમાં 2.24 ઇંચ, પાટણના સરસ્વતીમાં 2.20 ઇંચ, મહેસણાના વિસગનગરમાં 2.20 ઇંચ, ખેડામાં 2.13 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો -Narmada : ઇન્દિરા સાગરથી પાણી છોડાતા નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારને એલર્ટ જાહેર કરાયો
ગત 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કુલ 181 તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે, વડગામમાં 7.52 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 72 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ આજે (27 જુલાઇ) પણ મેઘરાજા વહેલી સવારથી ધમાકેદાર બેટીંગ કરતાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં 103 ધડબડાટી બોલાવી છે.


