Chhotaudepur : વાવાઝોડામાં 798 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, કેરીનાં પાકને અસર, તલનાં છોડ નમી પડ્યા
- Chhotaudepur જિલ્લામાં વાવાઝોડાથી જનજીવન પ્રભાવિત થયું
- 12-12 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતા ગ્રામ વિસ્તારોમાં લોકોને હાલાકી
- કેરીનાં પાકને અસર, તલનાં છોડ નમી પડ્યા, ખેડૂતોમાં ચિંતા સેવાઈ
- વાવાઝોડાનાં કારણે જિલ્લામાં કુલ 798 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
છોટાઉદેપુર જિલ્લામાં (Chhotaudepur) વાવાઝોડાથી જનજીવન પ્રભાવિત થયું છે. છોટાઉદેપુર ટાઉનની પ્રજાને 12 કલાકે વીજ પુરવઠો મળ્યો હતો તો હજી પણ 188 ગામડાઓ અંધારા ઉલેચવા મજબૂર બન્યા છે. કેરીનાં ખેડૂતો પર આર્થિક સંકટ વાદળો છવાયા છે. એમ.જી.વી.સી.એલ કંપનીની સ્થૂળ કામગીરી સામે લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.
કેરીનાં પાકને અસર, તલનાં છોડ નમી પડ્યા
છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે વાવાઝોડા અને કમોસમી વરસાદનાં કારણે કેરીનાં પાકોને વ્યાપક નુકસાન થયું છે. તેવામાં ઉનાળું પાકમાં તલનાં છોડવા નમી પડ્યા છે. પરંતુ, અન્ય પાકોની એકંદરે સ્થિતિ સારી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. પરંતુ, આવી જ પરિસ્થિતિ આગામી બે-ચાર દિવસ રહેશે તો ભારે નુકસાનની ભીતિને નકારી શકાય તેમ નથી. રાજ્યમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે અનેક વિસ્તારોમાં વાવાઝોડા અને કમોસમી વરસાદે જનજીવન સામે વિકટ પરિસ્થિતિ ઊભી કરી છે. તેમાંથી છોટાઉદેપુર જિલ્લો પણ બાકાત રહ્યો નથી સોમવારે સાંજે મૂકાયેલા વાવાઝોડા અને કમોસમી વરસાદનાં પ્રભાવે કેરીનાં પાક પર ગંભીર અસર ઊભી કરી છે અને તલનાં છોડવા નમી પડ્યા છે. આમ કુદરતી આફતથી ખેડૂતોનાં માથે આર્થિક સંકટ ઊભુ થયું છે.
આ પણ વાંચો - Rain in Gujarat : આ જિલ્લાઓમાં સતત બીજા દિવસે માવઠું, ચિંતામાં મૂકાયો 'જગતનો તાત'
MGVCL કંપનીની સ્થૂળ કામગીરી સામે લોકોમાં રોષ!
આ અંગે ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) દ્વારા બાગાયત વિભાગનાં સૂત્રો સાથે વાત કરતા જાણવા મળી આવેલ કે 250 હેક્ટર વિસ્તારમાં કેરીનાં પરિપક્વ ફળ ખરી પડતા પુષ્કળ નુકસાન નોંધાયું છે. ખેતીવાડી વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર, માત્ર તલનાં છોડ નમી પડ્યાની વાત સામે આવી છે. બાકી એકંદરે અન્ય પાકોની સ્થિતિ સારી હોવાનું જણાવ્યું છે પરંતુ, જો આવી સ્થિતિ આવનારા ચાર પાંચ દિવસો સુધી રહેશે તો ઉનાળુ પાક કે જે 9000 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરાયેલ છે એવા તલ, મગ ઘાસચારા અને શાકભાજીને નુકસાનની ભીતિ પણ સેવી છે. એમ.જી.વી.સી.એલ કંપનીની સ્થૂળ કામગીરી સામે લોકોમાં રોષનો ચરુ ઉકળી રહ્યો છે.
આ પણ વાંચો - Bhavnagar : શહેર-જિલ્લામાં સવારથી જ માવઠું, 10 મે સુધી ભારે વરસાદની આગાહી
જિલ્લામાં કુલ 798 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો
છોટાઉદેપુરનગર (Chhotaudepur) સહિત વિસ્તારમાં સોમવારે ત્રાટકેલા વાવાઝોડામાં નગરજનો 12-12 કલાક સુધી વીજ પુરવઠાની ગેરહાજરીનાં કારણે અંધારા અને અસહ્ય બફારા વચ્ચે શેકાતા રાત વિતાવી પડી હતી તો રૂરલ એરિયામાં મંગળવારે મોડી સાંજ સુધી પણ સેકડો ગામડાઓ વીજ પુરવઠાથી વંચિત રહ્યા હતા. જે અંગે પણ ગુજરાત ફર્સ્ટે (Gujarat First) કાર્યપાલક ઈજનેર કચેરી બોડેલીનાં સૂત્રો સાથે પણ વાત કરી હતી, જેમાં જાણવા મળી આવેલ કે વાવાઝોડાનાં કારણે જિલ્લામાં કુલ 798 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. 118 વીજપોલ ધરાશયી થયા હતા. ચાર ટ્રાન્સફોર્મર ખામીયુક્ત થયા છે, જેમાંથી MGVCL ની કામે લાગેલ 13 કોન્ટ્રાક્ટરની અને 118 કચેરી સ્ટાફનાં માણસોની ટીમો દ્વારા 610 ગામડાઓનો વીજ પુરવઠો કાર્યવંત કરાયો છે. 30 વીજપોલ ઊભા કરાયા છે. પરંતુ, હજી પણ 188 ગામો વીજ પુરવઠાથી વંચિત રહેવા પામેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર જિલ્લાનાં મુખ્ય મથકમાં મોડી સાંજે આ સમાચાર લખાય છે ત્યાં સુધી પણ તંદુરસ્ત વીજ પુરવઠો પૂરો પાડવામાં સ્થાનિક કચેરી સદંતર વામળી પુરવાર થઈ છે. ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં વીજ પુરવઠાની સ્થિતિ શું હશે ? તે એક મોટો અને શંકાશીલ સવાલ બન્યો છે.....!
અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો - Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી


