ફરજ પર તણાવ! ઝાલોદના BLO ની તબિયત લથડી, હોસ્પિટલમાં ખસેડાયા
- SIRના ભાર નીચે BLOનું સ્વાસ્થ્ય બગડ્યું
- દાહોદના BLO ફરજ દરમિયાન બેભાન—ભારે કાર્યભાર જવાબદાર?
- SIRનું વધતું દબાણ : ઝાલોદમાં શિક્ષક બેભાન
Dahod/BLO Workload : સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલમાં SIR સંબંધિત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. બૂથ લેવલ ઑફિસર્સ (BLO) સહિતના તમામ કર્મચારીઓ આ ફોર્મ ભરવાની કામગીરીને સમયસર પૂર્ણ કરવા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. જોકે, આ અતિશય કાર્યભાર અને દબાણને કારણે કર્મચારીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો જોવા મળી રહી છે. દેશભરમાંથી BLOના હાર્ટ એટેકથી મૃત્યુ થવાના દુર્ભાગ્યપૂર્ણ કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે ગીર-સોમનાથમાં એક BLOએ આ તણાવને કારણે આત્મહત્યા કરી હોવાનું પણ નોંધાયું છે.
દાહોદના ઝાલોદમાં ગંભીર ઘટના
આ જ પ્રકારની ગંભીર ઘટના શુક્રવારે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં બની હતી. ઝાલોદ તાલુકાની સાદેડા વર્ગ પ્રાથમિક શાળાના શિક્ષક બચુભાઈ ડામોર, જેઓ BLOની ફરજ પણ બજાવી રહ્યા છે, તેઓ SIRની કામગીરીમાં વ્યસ્ત હતા. ફરજ દરમિયાન અચાનક જ તેમને ચક્કર આવ્યા અને તેઓ બેભાન થઈ ગયા હતા. તાત્કાલિક તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે દાહોદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
BLO ના પરિવારજનોનો આક્ષેપ
શિક્ષક બચુભાઈ ડામોરના પુત્ર જયદીપ ડામોર દ્વારા આ ઘટના માટે સીધો કાર્યભારના દબાણને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. જયદીપના જણાવ્યા અનુસાર, તેમના પિતા છેલ્લા ઘણા દિવસોથી આખો દિવસ અને મોડી રાત સુધી SIRની કામગીરી કરી રહ્યા હતા. આ સતત કામગીરીને કારણે તેઓ ભારે માનસિક તણાવ હેઠળ હતા. તેમણે ઉમેર્યું કે, અધિકારીઓ દ્વારા ગમે ત્યારે મીટિંગ માટે બોલાવવામાં આવતા હતા અને કામગીરી અંગેના ફોન કોલ્સ પણ સતત આવતા રહેતા હતા. આ સતત દબાણને કારણે જ આજે ફરજ દરમિયાન ચક્કર આવીને તેઓ બેભાન થયા હોવાના સમાચાર મળતા પરિવારજનો તરત જ હોસ્પિટલ પહોંચી ગયા હતા.
તબીબી નિદાન અને સારવારની પ્રગતિ
હોસ્પિટલમાં લાવ્યા બાદ તબીબોએ બચુભાઈ ડામોરની તાત્કાલિક પ્રાથમિક સારવાર શરૂ કરી દીધી હતી. હૃદયની સ્થિતિ જાણવા માટે કાર્ડિયોગ્રામ અને મગજની તપાસ માટે સિટી સ્કેન સહિતના આવશ્યક ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ તબીબોએ જણાવ્યું છે કે હૃદય પર કોઈ ગંભીર અસર જણાતી નથી, જે રાહતની વાત છે. જોકે, ડોકટરોને બ્રેઇન સ્ટ્રોકની આશંકા લાગી રહી છે. આ આશંકાને કારણે શરીરના અમુક ભાગમાં લકવા (Paralysis) ની અસર થવાની શક્યતાઓ પણ રહેલી છે. આગળની નિદાન પ્રક્રિયા માટે, સીટી સ્કેન અને MRIના રિપોર્ટ્સના આધારે ન્યૂરોલોજિસ્ટ અથવા ન્યૂરોસર્જનની સલાહ લેવાની જરૂર જણાતા, તેમને વિશેષજ્ઞ પાસે રિફર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કિસ્સો BLO પરના કામના અસહ્ય ભારને ફરી એકવાર પ્રકાશિત કરે છે.
અહેવાલ - સાબિર ભાભોર, દાહોદ
આ પણ વાંચો : Dahod : ગરબાડામાં સરદાર પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે પદયાત્રાનો શુભારંભ


