અહેવાલઃ ઉદય જાદવ, સુરત
સુરત જિલ્લાના કીમ ગામ ખાતે આવેલા કીમ બજાર આશિયાના નગર પાસે મારામારીનો બનાવ સામે આવ્યો હતો. ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે બોલાચાલી થયા બાદ બે જૂથના લોકો સામ સામે આવી ગયા હતા અને એક બીજા પર લાકડાના ફટકા, સળિયા અને પત્થર લઈને મારામારી કરી હતી. જાહેરમાં બજારમાં મારામારી થતા ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અહી જાણે કોઈ ફિલ્મી સીન ચાલતો હોય તેમ બંને જૂથના લોકો એકબીજા પર તૂટી પડ્યા હતા. બીજી તરફ જાહેરમાં થયેલી આ મારામારીનો વિડીયો પણ વાયરલ થયો હતો. અને વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી.
આ બનાવમાં કીમ પોલીસે મુમતાજ ભૂલઈ અંસારી ની ફરિયાદ લઈને [૧] મોહમ્મદ અયાન સેજુલ પઠાણ [૨] સમીર મોહમદ શેખ [૩] મહમદ ફૈઝાન મહમદ અલસમ શેખ અને [૪] મોહમદ જ્સીમ મોહમદ જહીર શેખ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. જયારે મહમદ ફૈઝાન મહમદ અલસમ શેખની ફરિયાદ લઈને મુમતાજ ભુલઈ અંસારી [૨] નસીમ ભુલઈ અંસારી [૩] ચાદબાબુ ભુલઈ અંસારી અને [૪] ગુલઝાર ભુલઈ અંસારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જાહેરમાં થયેલી મારામારીનો વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો વાયરલ થતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા બંને જૂથના લોકોને શોધી કાઢી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મકાનના ઓટલા પર બેસવા બાબતે બોલાચાલી થયા બાદ વાત મારામારી સુધી પહોચી ગયી હતી. બીજી તરફ પોલીસે બંને જૂથની ફરિયાદ લઈને ૮ લોકોની ધરપકડ કરી હતી આ ઉપરાંત પોલીસે આરોપીઓએ જે જગ્યાએ જાહેરમાં મારામારી કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો ત્યાં તમામ આરોપીઓને લઈને પહોચી હતી અને તમામ આરોપીઓને એકબીજાના કાન પકડાવી ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું
બનાવ અંગે ડીવાયએસપી બી.કે.વનારે જણાવ્યું હતું કે કીમ બજાર આશિયાના નગર વિસ્તારમાં ૨૫ એપ્રિલની રાતે રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં મારામારીનો બનાવ બન્યો હતો. બંને જૂથ વચ્ચે ઓટલા પર બેસવા બાબતે ઝઘડો થયો હતો. બંને જૂથના લોકોએ લાકડાના ફટકા,પત્થર અને સળિયા વડે મારામારી કરી હતી. જાહેરમાં થયેલી આ મારામારીનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ બનાવમાં બંને જૂથના ૪-૪ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. તેઓએ વધુમાં જાણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ જો આવા કોઈ વ્યક્તિઓ ભયનો માહોલ ફેલાવવા માંગશે અથવા ગેરકાયદે પ્રવુતિ કરશે તો પોલીસ દ્વારા ચલાવી લેવામાં આવશે નહી તેઓની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.