અહેવાલ – વિશ્વાસ ભોજાણી
ગોંડલના મુંગાવાવડીમાં ધોરણ 10ની છાત્રા સાથે તેના જ કૌટુંબિક 22 વર્ષીય ભાઈએ દુષ્કર્મ આચરતા ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આરોપીએ ધોરણ 6માં ભણતા નાના ભાઈ અને પિતાને પતાવી દેવાની ધમકી આપી ચાર વખત કુકર્મ આચર્યું હતું. 15 વર્ષની સગીરા પહેલા ગોંડલ પંથકની જ એક હોસ્ટેલમાં રહેતી અને ત્યાં જ ભણતી, આરોપીએ દબાણ કરી હોસ્ટેલ છોડાવી હતી.
આ અંગે સગીરાના પિતાએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં આરોપી દર્શીલ સંજય દુધાત્રા(ઉ.વ.22) (રહે. મુંગા વાવડી)સામે ફરિયાદ નોંધાવતા ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ જે.એમ. ઝાલાએ આઇપીસી 376 (2) (એન), 376(3) અને પોક્સોની કલમ 6 મુજબ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ તેને સંતાનમાં 15 વર્ષની દીકરી છે. જે ધોરણ 10માં અભ્યાસ કરે છે.
નાનો દીકરો છે જે 11 વર્ષનો છે અને ધોરણ 6માં અભ્યાસ કરે છે. ફરિયાદી પોતે કારખાનામાં નોકરી અને પરિવાર સાથે ખેતી પણ કરે છે. ઘરમાં પોતે તેમના પત્ની, માતા, પિતા અને બે સંતાનો સાથે રહે છે. ભોગ બનનાર દીકરી અગાઉ ગોંડલ પંથકની જ એક હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. ત્યારબાદ ઘરે રહી અહીં નજીકની સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરે છે.
આરોપી દર્શીલ કારખાનામાં નોકરી કરતો પણ હાલ શું કરે છે તેનો ફરિયાદીને ખ્યાલ નથી. એકાદ વર્ષ પહેલા સગીરા વેકેશનમાં હોસ્ટેલથી ઘરે આવેલી. ત્યારે ગામમાં જ રહેતા અને સગામાં કૌટુંબિક ભાઈ થતા દર્શીલે સગીરા ઉપર નજર બગાડી હતી. સગીરાના દાદા-દાદી વાડીએ ક્યારે જાય છે, પિતા ક્યારે કારખાને જાય છે તે તમામ વાતની આરોપીને જાણ હતી જેથી ઘરના તમામ સભ્યો બહાર ગયા હતા ત્યારે સગીરાને બળજબરીથી ફોસલાવી પોતાના ઘરે લાવ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આરોપીએ કોઈને કહીશ તો તારા નાના ભાઈ અને પિતાને પતાવી દઈશ તેવી ધમકી આપ્યાનો આક્ષેપ છે.
આ પછી જ્યારે પણ સગીરા ઘરે આવતી ત્યારે આરોપી દબાણ કરી તેને પોતાના ઘરે બોલાવી ન કરવાનું કરતો હતો. સગીરાના જણાવ્યા મુજબ આશરે ચાર વખતે તેણે શરીર સંબંધ બાંધ્યો હતો. છેલ્લે હોસ્ટેલ મુકવા આરોપી દબાણ કરતો જેથી સગીરાને નાછૂટકે ડરીને હોસ્ટેલ છોડવી પડી હતી અને ગામડે પરિવાર સાથે રહેવા આવી હતી.
જે પછી આરોપીના દબાણથી ઘર મૂકી ચાલી જતા મળી આવ્યા પછી પરિવારે સાંત્વના આપી સમગ્ર હકીકત જાણતા સૌ ચોંકી ગયા હતા. અંતે મામલો પોલીસ પાસે પહોંચતા આરોપીને સકંજામાં લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો – ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને લસણની મબલખ આવક નોંધાઈ