અહેવાલઃ કલ્પિન ત્રિવેદી, અમદાવાદ
આજે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર સ્થળોએ ટ્રાન્સજેન્ડર માટે અલગ ટોઇલેટની માંગ સાથે અરજી કરવામાં આવી હતી. સ્ત્રી અને પુરુષ માટેના શૌચાલયમાં ટ્રાન્સજેન્ડર જાય તો ટ્રાન્સજેન્ડરની હાજરીના કારણે ઉભા થતા ક્ષોભનો મુદ્દો અરજીમાં ઉઠાવાયો છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જાહેરાત બાદ પણ અલગ શૌચાલય ન બન્યા હોવાની અરજદારની રજૂઆત છે.
ભારતમાં આશરે 4 થી 5 લાખ જેટલા ટ્રાન્સજેન્ડર
ભારતમાં આશરે 4-5 લાખ જેટલા ટ્રાન્સજેન્ડર છે. આવી જ એક અરજી દિલ્હી હાઈકોર્ટમાં થઈ છે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. સાથે જ દિલ્હીમા આવા 500 ટોયલેટ બાંધવાનો હુકમ કરાયો છે. જેમાં 12 જેટલા ટોઇલેટ્સ બની ચુક્યા છે.
હાઇકોર્ટમાં અરજદારએ શું કરી છે રજૂઆત ?
જાહેર સ્થળોએ ટ્રાન્સજેન્ડર માટે ગુજરાતમાં કોઈ અલગ વ્યવસ્થા નથી. હોટેલોમાં કોમન ટોયલેટ હોય છે. પરંતુ મહિલાઓ અને પુરુષોની જેમ ટ્રાન્સજેન્ડર માટે કોઈ અલગ વ્યવસ્થા નથી. કોર્ટ આ મુદ્દે હસ્તક્ષેપ કરી જરૂરી નિર્દેશો આપે તેવી અરજદાર દ્વારા માંગણી કરાઈ છે.હાઇકોર્ટે અરજી પ્રાથમિક રીતે સ્વીકારી કેન્દ્ર સરકાર સહિતના પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી છે. જે મુદ્દે આગામી 16 જૂને વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.