આજે જામનગર સહિત રાજ્યભરમાં તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક ઉમેદવારને જિલ્લા ફેર કેન્દ્ર ફાળવવામાં આવ્યા હતા. જામનગર જીલ્લામાં રાજકોટ, જુનાગઢ, કચ્છ અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓના ઉમેદવારોને જીલ્લા મથક ઉપરાંત અન્ય મથકોમાં ફાળવવાની કરવામાં આવી હતી. યુવાઓથી માંડી ગૃહિણીઓ પણ આ પરીક્ષામાં સહભાગી બની હતી. અનેક મહિલાઓ તેઓના નવજાતને લઇ કેન્દ્ર પર પહોચી હતી. જામજોધપુર પોલીસ દફતરના મહિલા કોન્સ્ટેબલ સહિતના બે જવાનોએ પોતાની ફરજ ઉપરાંત માતાઓના બાળકોને બે કલાક લાલનપાલન કરી સામાજિક જવાબદારી નિભાવી છે.
જામનગર જીલ્લામાં આજે 23,820 ઉમેદવારોએ જીલ્લાભરના 87 કેન્દ્રો અને પેટા કેન્દ્રો પર તલાટીની પરીક્ષા આપી હતી. વહીવટી તંત્રએ સુચારું વ્યવસ્થા કરી હતી. પણ જામજોધપુર તાલુકા મથકના એવીડીએસ કોલેજ સેન્ટર ખાતે પરીક્ષા આપવા આવેલ ઉમેદવારોમાં બે માતાઓ એવી હતી કે જે માત્ર ચાર માસના અને બે વર્ષના બાળકને લઇ પરીક્ષા આપવા આવી હતી. પરંતુ સ્થિતિ એવી હતી કે બંને મહિલાઓ એકલી જ આવી હતી. જોકે, પરીક્ષા ખંડમાં તો બાળકને સાથે રાખી પરીક્ષા આપી શકાય એવી વ્યવસ્થા તો તંત્ર દ્વારા કરવામાં આવી ન હોતી. અન્ય જીલ્લામાંથી આવેલ બંને માતાઓ પરીક્ષા આપ્યા વગર જાય એ કેમ ચાલે ? આવી વિકટ ઘડીએ પોલીસે માનવતાની મહેક પ્રસરાવી હતી. કોલેજ પર પરીક્ષા આપવા આવેલ મહિલાના બે વર્ષના પુત્રને પોલીસ જવાન પ્રશાંત વસરાએ જવાબદારી પૂર્વક સંભાળવાની સાંત્વના આપી માતાને પરીક્ષા ખંડમાં મોકલી આપ્યા, તો બીજી તરફ નીમા ચોત્રોડા નામના મહિલા પોલીસ કોન્સ્ટેબલે ચાર માસના બાળકની જવાબદારી સ્વીકારી માતાને ક્લાસ રૂમમાં રવાના કર્યા હતા.
બંને માતાઓએ પરીક્ષા પૂર્ણ થતા જ દોડીને પોતાના સંતાનોને પોતાની આગોસમાં સમાવી લીધા હતા. આ ઘડીએ બંને માતાઓની આંખો છલકાઈ ગઈ હતી. તો બંને માતાઓની આંખોમાં પોલીસની માનવતાના ઋણ સ્વીકારનો ભાવ ભારોભાર છલકાતો હોય તેવુ પણ જોવા મળ્યું હતું. પોલીસે ડીપાર્ટમેન્ટના આ બંને પોલીસ જવાનો પ્રશાંત વસરા અને નીમાબેન ચિત્રોડાએ જરૂરત સમયે માતા-પિતા તરીકેની ફરજ અદા કરી વર્દીની સાનમાં વધારો કર્યો છે. સલામ છે આવા પોલીસ જવાનોને.
આ પણ વાંચો – જુનાગઢ : પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તલાટી પરીક્ષા પૂર્ણ, દિવ્યાંગ પરીક્ષાર્થીઓને પોલીસે કેન્દ્ર સુધી પહોંચાડ્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ – નથુ રામડા