અહેવાલઃ ઉદય જાદવ,સુરત
સુરત જિલ્લાના મહુવાના વસરાઈ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિવાદ વકર્યો હતો,વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ દ્વારા સ્થાનિક ધારાસભ્ય મોહન ધોડિયાના નામ સાથે શાબ્દિક પ્રહારો કરતા વિવાદ સર્જાયો હતો,ત્યારે હવે મોહન ધોડિયાના સમર્થકોએ અનંત પટેલ સામે કાર્યવાહીની માગ કરી છે.
મહુવા તાલુકાના વાસરાઈ ગામે દિશા ફાઉન્ડેશન દ્વારા સામાજિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ધોડિયા સમાજ દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સમાજના કાર્યાલય ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,કાર્યક્રમમાં મહુવાના ભાજપના ધારાસભ્ય મોહન ધોડિયા તેમજ વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ એક મંચ પર ભેગા થયાં હતાં,જે કાર્યક્રમ માં મોહન ઘોડિયાના પ્રવચન બાદ અનંત પટેલે મોહન ધોડિયા પર આકરા શાબ્દિક પ્રહારો કરતા વિવાદ સર્જાયો હતો.
આ કાર્યક્રમમાં અનંત પટેલના પ્રવચન બાદ હોબાળો શરૂ થયો હતો,સમાજના કાર્યાલયની બહાર મોહન ઘોડિયાના સમર્થકોએ વિવાદ ઉભો કર્યો હતો,બન્ને ધારાસભ્યોનાં સમર્થકો આમને સામને આવી જઈ ઉગ્ર બોલાચાલી કરતા મામલો ગરમાયો હતો,મોહન ધોડિયાના સમર્થકો દ્વારા અનંત પટેલ પાસે માફીની માંગ કરાઈ હતી તેમજ સમાજના કાર્યક્રમ માં આવી રાજકીય નિવેદનો કરતા કાર્યવાહી કરવા પણ માંગ કરાઈ હતી,આખરે મહુવા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો.