અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
લગ્નસરા અને વેવિશાળની સીઝન પુર બહારમાં ચાલી રહી છે ત્યારે ગોંડલ નેશનલ હાઇવે ચોરડી ગામનાં વળાંકે રાજકોટ અને જુનાગઢનાં પરિવારની કાર સામસામે ઘડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં વડોદરાનાં સરોજબા વાસુદેવસિંહ જાડેજા ઉ.વ.૫૮ નું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું સરોજબા જુનાગઢથી તરણેતર લગ્નપ્રસંગમાં જઈ રહ્યા હતા અને અકાળે કાળનો કોળીયો બની ગયા હતા તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી હોવાનું સગા સ્નેહીઓએ હોસ્પિટલે જણાવ્યું હતું. જ્યારે બીજી કારમાં રાજકોટનાં અર્જુન સિંહ કિરીટસિંહ ઝાલા ઉ.વ. ૨૧, રવિરાજભાઇ શૈલેષભાઇ રાઠોડ ઉવ. રપ, ભરતભાઇ બાબુભાઈ સરસિયા ઉંમર વર્ષ 26, કિશનભાઇ સંજયભાઈ દાહીમા ઉંમર વર્ષ 18, તેમજ ધવલભાઈ પ્રવીણભાઈ ગઢવી ઉંમર વર્ષ 25 ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા આ ગમખ્વાર અકસ્માતને લઈ ટ્રાફિક પોલીસ, તાલુકા પોલીસ તથા એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો .
ગોંડલ નેશનલ હાઇવે પર અન્ય એક અકસ્માતની ઘટના પણ સામે આવી હતી જેમાં રીક્ષા અને રોંગ સાઇડથી આવી રહેલા છોટા હાથી વચ્ચે ધડાકાભેર ટક્કર થઇ હતી. ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે સેમળાના પાટીયા પાસે રાત્રી ના સવા નવ ના સુમારે રાજકોટ થી વિરપુર જઇ રહેલી રીક્ષા સાથે રોંગ સાઈડ મા આવી રહેલા છોટાહાથી ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં સાત વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.ત્યાંથી વધુ સારવાર માટે ગોંડલની ખાનગી વડોદરિયા હોસ્પિટલમાં ખસેડાયા હતા. દેવળા ગામનો બારૈયા પરિવાર ચોટીલા દર્શન કરી રાજકોટ આવ્યો હતો.ત્યાથી વિરપુર માટે જવુ હોય રાજકોટથી જુશબભાઇ ની સીએનજી રીક્ષા ભાડે બાંધી વિરપુર જઇ રહ્યા હતા.
અકસ્માતની જાણ શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઇ માધડને કરાતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઈમરજન્સી વિભાગની બહાર હોસ્પિટલ સ્ટાફ સાથે ખડેપગે રહ્યો હતો. અને સારવાર માટે આવેલ ઇજાગ્રસ્તોને પૂરતી વ્યસ્થા પુરી પાડી હતી. તેમજ એમ્બ્યુલન્સો સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને ગંભીર ઈજા હોય વધુ સારવાર માટે નગરપાલિકા તેમજ શિવમ સાર્વજનિક ટ્રસ્ટની બન્ને એમ્બ્યુલન્સ મારફત વડોદરિયા હોસ્પિટલ ખસેડવા જહેમત ઉઠાવી હતી. અકસ્માતની સમગ્ર ઘટનાને લઈ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ તાલુકા પોલીસને થતા તત્કાલિક ઘટનાસ્થળે પોહચી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો અને અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી હતી.