Ahmedabad: ચંડોળા તળાવમાં ડિમોલિશન ફેઝ 2, પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કામગીરી હાથ ધરાશે
- અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશન ફેઝ 2
- આવતીકાલથી દબાણ હટાવવાની કામગીરી શરૂ
- અંદાજિત 10 હજારથી વધુ મકાનો તોડવામાં આવશે
- પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કામગીરી હાથ ધરાશે
અમદાવાદના ચંડોળા તળાવ પાસે થયેલ દબાણો દૂર કરવા ફેઝ-1 ની કામગીરી પૂર્ણ થયા બાદ આવતીકાલથી ફેઝ-2 ની કામગીરી શરૂ થનાર છે. ફેઝ-2 ની કામગીરી દરમ્યાન પોલીસ દ્વારા અંદાજિત 2 હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે રહેશે. ડિમોલિશનની કાર્યવાહી સમયે 25 SRP ની કંપની તૈનાત રહેશે.
ડિમોલિશન કામગીરીમાં કોર્પોરેશનની 50 જેટલી ટીમો જોડાશે
ચંડોળા તળાવના ફેઝ-2 ની ડિમોલિશનની કામગીરી દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 50 જેટલી ટીમો પણ આ કામગીરીમાં જોડાનાર છે. તેમજ ડિમોલિશનની કામગીરી દરમ્યાન દરેક ઝોન વાઈઝ કેમેરામેનની ટીમ હાજર રહેશે. ડિમોલિશન પૂર્ણ થયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાટમાળ હટાવીને બ્રાઉન્ડ્રી વોલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
ફેઝ-2 ની કામગીરી 20 મે આવતીકાલથી શરૂ થવાની
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, ફેઝ-2 ની કામગીરી 20 મે આવતીકાલથી શરૂ થવાની છે. ફેઝ-2 ની કામગીરી ત્રણ દિવસ ચાલનાર છે. ફેઝ-2 ની કામગીરી દરમ્યાન ચંડોળા તળાવ આસપાસ થયેલ દબાણો દૂર કરી અઢી લાખ ચો. મી. જમીન ખુલ્લી કરાશે. આવતીકાલથી ફેઝ-2 ની દબાણ હટાવવાની કામગીરી સવારથી શરૂ થશે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ હયાત મકાન માલીકોને મકાન ખાલી કરી દેવાની પણ જાણ કરી દેવામાં આવી છે.
2010 પછી રહેતા લોકોને મકાન આપવામાં આવશે
બીજા ફેઝમાં અઢી લાખ સ્કવેર મીટર જગ્યા ક્લિયર કરવામાં આવશે. તેમજ 2010 પછી રહેતા લોકોને મકાન આપવામાં આવશે. અને એએમસી દ્વારા ફોર્મ ભરવાની પણ શરૂઆત કરી દીધી છે. ચંડોળા તળાવમાંથી 207 જેટલા બાંગ્લાદેશી પકડાયા હતા. અમદાવાદમાંથી કૂલ 250 જેટલા બાંગ્લાદેશી પકડાયા હતા. ડિમોલિશનની કામગીરી દરમ્યાન 2 JCP, 6 ડીસીપી સહિતનો સ્ટાફ બંદોબસ્તમાં જોડાશે.