બે આરોપીની ધરપકડ બાદ DILR કચેરીના સર્વેયરને ACB એ મધરાત્રીના કેવી રીતે પકડ્યો ?
જિલ્લા ઇન્સ્પેક્ટર જમીન રેકૉર્ડ કચેરી (DILR Office) માં કાયદેસરનું કામ કરાવવું હોય તો પણ અધિકારીઓના ખિસ્સા ગરમ કરવા પડે છે. એન્ટી કરપ્શન બ્યૂરોએ શનિવારે સાંજે ગોઠવેલા લાંચના છટકામાં DILR સરકાર માન્ય સર્વેયર સહિત ત્રણ આરોપીઓ પકડાયા છે. 5 લાખની લાંચ સ્વીકારવાના કેસમાં પકડાયેલા ત્રણેય શખ્સો પૈકી એકપણ સરકારી અધિકારી/કર્મચારી નથી. લાંચ કેસમાં બે આરોપી પકડાયા બાદ મુખ્ય આરોપીને Team ACB એ ગાંધીનગર ખાતેથી કેવી રીતે પકડ્યો ? વાંચો આ અહેવાલમાં...
DILR સર્વેયરે વ્યવહાર કરવા 5 લાખ માગ્યા
નવા વાડજ ખાતે આવેલા અમદાવાદ જિલ્લા મોજણી સેવા સદનમાં કેજેપી દુરસ્તી સુધારો કરવા અરજદારે અરજી કરી હતી. જિલ્લા ઇન્સ્પેક્ટર જમીન રેકૉર્ડ (District Inspector Land Records) કચેરી પાસે ઑફિસ ધરાવતા ગૌતમ ભરતભાઈ યાજ્ઞિકે (રહે. સરગાસણ, ગાંધીનગર) મહિલા અરજદારના ભાઈને DILR Office માં વ્યવહાર કરવો પડશે તેમ જણાવ્યું હતું. રકઝકના અંતે રૂપિયા 5 લાખ નક્કી થયા હતા. એસીબી ખાતે ફરિયાદ નોંધાવનાર શનિવારે સાંજે નવા વાડજ ખાતે ગૌતમ યાજ્ઞિકને 5 લાખની લાંચ આપવા ગયા હતા, પરંતુ ગૌતમે તે રકમ જમીન દલાલ નવઘણ ખુમાનસિંહ ડોડીયાને આપવાનું કહ્યું હતું.
ગૌતમ વતી લાંચ લેતા બે ઝડપાયા
ગૌતમ યાજ્ઞિકે લાંચની રકમ નવઘણને આપવાનું કહેતા એસીબીના ફરિયાદીએ નવઘણ ડોડીયાનો સંપર્ક કરતા તેણે બોપલ આંબલી ચાર રસ્તા પાસે બોલાવ્યા હતા. આથી ગાંધીનગર એસીબી પીઆઈ એમ. એમ. સોલંકી (M M Solanki PI) અને તેમની ટીમ નવા વાડજ ખાતેથી સાંજે બોપલ-આંબલી તરફ દોડી હતી. મર્સિડીઝ કાર લઈને આવેલા નવઘણ ડોડીયાને ફરિયાદીએ 5 લાખ આપતા તેણે સ્વીકારવાનું ટાળ્યું હતું. નવઘણની સાથે આવેલા અન્ય જમીન દલાલ મનીષ પગીએ ફરિયાદી પાસેથી 5 લાખ રૂપિયા સ્વીકારી લઈને તે રકમ નવઘણની મર્સિડીઝ કારમાં મુકી દીધી હતી. દરમિયાનમાં Team ACB એ લાંચ કેસમાં નવઘણ ડોડીયા અને મનીષ પગીને ઝડપી લઈ હેન્ડ વૉશ લીધા હતા. લાંચની રકમ કારમાં મુકવામાં આવી હોવાથી એસીબી અધિકારીએ કરોડ રૂપિયાની કાર કબજે લીધી હતી.
આ પણ વાંચોઃ SEBI Raid માં અમદાવાદના કંપની સેક્રેટરી સાથે ત્રિપુટી ઝપટમાં આવી
મુખ્ય આરોપીને રાતે 1 વાગે ગાંધીનગરથી પકડ્યો
DILR કચેરી સર્વેયર ગૌતમ યાજ્ઞિક જમીન દલાલ નવઘણ ડોડીયા સાથે ઘરોબો ધરાવે છે અને વિવાદીત જમીનના વેપાર સાથે મળીને કરે છે. કેજીપી દુરસ્તી સુધારો કરવાવાળી મિલકતનો સોદો નવઘણ ડોડીયા કરાવવાનો હતો અને એટલે જ ગૌતમ યાજ્ઞિકે સુરક્ષિત રહેવા લાંચની રકમ નવઘણ પાસે મોકલી હતી. બબ્બે આરોપીઓની ધરપકડ કરનારી ACB Team એ મુખ્ય આરોપી ગૌતમ યાજ્ઞિકને શોધવા માટે મોડી રાત સુધી ભારે પ્રયાસ કર્યા હતા. આખરે ACB PI એ નવઘણ પાસે ફોન કરાવી ગૌતમને રૂપિયા લઈ જવાનું કહી જાળ બિછાવી હતી. જેમાં ગૌતમ ગાંધીનગર અપના અડ્ડા પાસે 5 લાખનું પડીકું લેવા આવતા એસીબી અધિકારીએ દબોચી લીધો હતો.
આ પણ વાંચોઃ Angadia Loot : ગુજરાતના આંગડિયાઓના 15 કરોડ લૂંટાયા, ત્રણ સપ્તાહમાં પાંચ ઘટના


