Gujarat: મુખ્યમંત્રીને મળતી ભેટ-સોગાદોના ઇ-ઓક્શનથી 36.97 લાખથી વધુ રકમ થઈ જમા
- ભેટસોગાદોના વેચાણ માટે 2 ઑક્ટોબર, 2024ના રોજ ઇ-પોર્ટલ શરૂ કર્યું હતું
- કન્યાઓના શિક્ષણ માટે ઉપયોગમાં લેવાની પરંપરા શરૂ કરી હતી
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એ જ પરંપરાને ટેક્નોલોજી સાથે જોડી છે
Gujarat: કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા તેમજ રાજ્યની દીકરીઓને શિક્ષણ માટે આર્થિક સહાય આપવાના મુખ્ય ઉદ્દેશ સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી (Chief Minister) અને ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીને વર્ષ દરમિયાન મળતી અને તોશાખાનામાં જમા થતી ભેટસોગાદોની હરાજી કરીને, તેના વેચાણમાંથી મળતી આવકને કન્યાઓના શિક્ષણ માટે ઉપયોગમાં લેવાની પરંપરા શરૂ કરી હતી. જેમાં મુખ્યમંત્રી (Chief Minister) ભુપેન્દ્ર પટેલે એ જ પરંપરાને ટેક્નોલોજી સાથે જોડી છે.
ફક્ત 3 મહિનાના સમયગાળામાં 400થી પણ વધુ વસ્તુઓ હરાજી માટે મૂકવામાં આવી
મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે તોશાખાનામાં જમા થતી ભેટ-સોગાદોના વેચાણ માટે ગત વર્ષે 2 ઓક્ટોબર, 2024ના રોજ ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ પર ઑક્શનના માધ્યમથી મળતી આવકનો ઉપયોગ કન્યા કેળવણી જેવા ઉમદા હેતુ માટે કરવામાં આવે છે, જે સુશાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. નોંધનીય બાબત એ છે કે, આ પોર્ટલ લૉન્ચ થયું ત્યારથી લઇને ડિસેમ્બર મહિના સુધીના ફક્ત 3 મહિનાના સમયગાળામાં 400થી પણ વધુ વસ્તુઓ હરાજી માટે મૂકવામાં આવી હતી, જે પૈકી 181 વસ્તુઓના વેચાણ થકી રૂ.36.97 લાખથી વધુની રકમ કન્યા કેળવણી નિધિમાં જમા કરવામાં આવી છે.
ઇ-પોર્ટલના માધ્યમથી દેશની કોઈપણ વ્યક્તિ હરાજીમાં ભાગ લઈ શકે છે
મુખ્યમંત્રી (Chief Minister) ને જાહેર સમારંભો તથા વિવિધ પ્રવાસ-મુલાકાતો દરમિયાન મળતી ભેટ-સોગાદોનું પારદર્શક રીતે વેચાણ કરીને તેમાંથી મળતી આવકનો ઉપયોગ કન્યા કેળવણી જેવા ઉમદા હેતુ માટે ઉપયોગ કરવાની ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પરંપરાને વધુ વ્યાપક બનાવવા માટે ગત વર્ષે રાજ્ય સરકારે https://cmgujmemento.gujarat.gov.in ઓનલાઈન પોર્ટલ લૉન્ચ કર્યું હતું. દેશના કોઈપણ ખૂણે વસતા લોકો આ પોર્ટલનો લાભ લઈને તોશાખાનાની ભેટ-સોગાદ ઇ-ઑક્શનથી ઓનલાઈન ખરીદી શકે છે. ઉલ્લેખનીય છે કે, પહેલાં આવી ભેટ-સોગાદોનું વેચાણ રાજ્ય કક્ષાએ યોજાતા મેળાવડામાં જાહેર હરાજી દ્વારા તથા જિલ્લા કલેક્ટરો દ્વારા જે-તે જિલ્લામાં જાહેર હરાજીથી કરવામાં આવતું હતું.
ઇ-ઑક્શનથી ભેટ-સોગાદ ખરીદવાની પ્રક્રિયા શું હોય છે?
ઇ-ઓક્શનથી ભેટ-સોગાદ ખરીદવા માટે ઇ-હરાજી પોર્ટલમાં ખરીદકર્તાએ નોંધણી કરાવવાની હોય છે અને ત્યારબાદ બિડ સબમિટ કરવાની હોય છે. ઊંચી કિંમતની બિડ પ્રાપ્ત કરનારને ડિજિટલ પેમેન્ટથી કન્યા કેળવણી નિધિમાં પેમેન્ટ કરવાનું હોય છે. ખરીદ કરેલી વસ્તુની ડિલિવરી ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. (ગરવી) મારફતે સંબંધિત વ્યક્તિને પોસ્ટ દ્વારા કરવામાં આવે છે. N-Code GNFC દ્વારા તૈયાર કરાયેલ આ પોર્ટલમાં ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. (ગરવી)એ NIFTની મદદથી ભેટ-સોગાદોની ફોટોગ્રાફી સહિત વસ્તુઓની કેટેગરી પ્રમાણે વર્ગીકરણ તથા તમામ વસ્તુઓનું અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં વિસ્તૃત વર્ણન પણ આપ્યું છે.
આ પણ વાંચો: Gujarat ભાજપ સંગઠન સરચનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા
ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં 36 લાખ 97 હજારથી વધુની રકમ કન્યા કેળવણી નિધિમાં જમા થયા
તોશાખાનાની વસ્તુઓના વેચાણ માટે પોર્ટલ લૉન્ચ થયું ત્યારથી અત્યારસુધીમાં કુલ 427 વસ્તુઓ હરાજી માટે મૂકવામાં આવી હતી, જે પૈકી 379 વસ્તુઓ પર 74,16,937 નું બિડિંગ થયું છે તથા 181 વસ્તુઓના વેચાણથી 36,97,376 ઓનલાઈન માધ્યમથી કન્યા કેળવણી નિધિમાં જમા કરવામાં આવ્યા છે. આ પારદર્શક હરાજી પદ્ધતિની નોંધપાત્ર સફળતા દર્શાવે છે.
આ પણ વાંચો: Ahmedabad: શહેરના બોપલ વિસ્તારમાં ધોળા દિવસે જ્વેલર્સના શો-રૂમમાં લૂંટની ઘટના


