VADODARA : 3 વર્ષની દિકરીએ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં નામ જમાવ્યું
- વડોદરાની દિકરીએ નાની ઉંમરે મોટી સિદ્ધી પ્રાપ્ત કરી
- બોલવાનું શીખવાની ઉંમરે કળકળાટ મંત્રજાપ કર્યા
- ગીનીસ બુકમાં નામ નોંધાવવાની દિશામાં મહેનત શરૂ કરી
VADODARA : જે વયે બાળકો બોલતા શીખે, તેવા સમયમાં વડોદરા (VADODARA) ની ત્રણ વર્ષની નાનકડી બાળકી તનિષા તાપસ યાદવે (TANISHA YADAV) અદ્દભુત સિદ્ધિ હાંસલ કરી છે. તનિષાએ માત્ર 2 મિનિટ 39 સેકન્ડમાં 10 હિંદૂ ધર્મમંત્રોનો પાઠ કરીને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ (INTERNATIONAL BOOKS OF RECORDS) માં પોતાનું નામ નોંધાવ્યું છે. આ અનોખી સિદ્ધિ બદલ રેકોર્ડ કમિટીએ તનિષાને પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરી છે.
માતાએ દિકરીને ઉછેરી
તનિષાના જીવનમાં આ સિદ્ધિ વધુ મહત્વની બને છે કારણ કે તેણીએ પોતાના પિતાને 11 મહિનાની ઉંમરે જ ગુમાવી દીધા. ત્યારબાદ તેની માતા નિશાબેન યાદવે તેનો ઉછેર કર્યો. માતા નિશાબેન યાદવ એક ખાનગી શાળામાં એક્ટિવિટી શિક્ષિકા તરીકે સેવા આપી રહી છે અને વિદ્યાર્થીઓને નૃત્ય તથા યોગ શીખવાડે છે.
અગાઉ શિર્ષાસન સંબંધિત રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો
તેણીએ તનિષાને દરરોજ રાત્રે સૂતા પહેલા મંત્રોના પાઠ શીખવવાનું શરૂ કર્યું હતું. સતત ચાર મહિના સુધીના અભ્યાસ પછી તનિષા મંત્રો સ્પષ્ટ અને ઝડપથી બોલવામાં સફળ બની. વિશ્વ રેકોર્ડ માટેના અરજી અંતર્ગત વિડિયો અને ફોટોગ્રાફના આધારે આ સિદ્ધિ મંજુર કરવામાં આવી. તનિષાની માતા નિશાબેન યાદવે અગાઉ શિર્ષાસન સંબંધિત રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેટલીક અડચણોને કારણે તે શક્ય ન બન્યું. ત્યારબાદ તેમણે તેમની પુત્રીને વિશ્વ વિક્રમ માટે તૈયાર કરવાનો નિર્ણય કર્યો.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટેની તૈયારીઓ શરૂ
માતા નિશાબેન માને છે કે બાળકાવસ્થામાં જ સંસ્કાર અને નૈતિક મૂલ્યોનો આધાર મૂકવો જોઈએ. તેથી મંત્રોના પાઠ દ્વારા તનિષામાં એકાગ્રતા અને આત્મવિશ્વાસ વિકસાવવામાં આવ્યો છે. તનિષાની સિદ્ધિથી ગર્વિત માતા નિશાબેન હવે તનિષાને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરી રહી છે. તદ્દુપરાંત, માતા નિશાબેન એ પોતાની શાળા અને તેના આચાર્યનો પણ આ સિદ્ધિમાં મળેલા સહયોગ બદલ આભાર માન્યો છે.
આ પણ વાંચો --- VADODARA : MSU ની ટેકોમાં પાણી ભરાવવાની સમસ્યાને 'તક'માં ફેરવાઇ


