VADODARA : નવી એરેશન સિસ્ટમ નિષ્ફળ, સુરસાગરમાં માછલીઓના મોતનો સિલસિલો જારી
- લાખોના ખર્ચે મુકાયેલી નવી એરેશન સિસ્ટમ ગણતરીના દિવસોમાં જ નિષ્ફળ સાબિત થઇ
- ત્રીજા દિવસે જ સુરસાગર તળાવમાં ટપોટપ માછલીઓના મૃત્યુ થયાનું સામે આવ્યું
- આજે સવારે તરાપામાં મૃત માછલીઓ એકત્ર કરવાનું કાર્ય જારી જોવા મળ્યું
VADODARA : વડોદરા (VADODARA) ના મધ્યમાં આવેલા સુરસાગર તળાવ (SURSAGAR POND) માં તાજેતરમાં પાલિકા દ્વારા નવી એરેશન સિસ્ટમ (NEW AERATION SYSTEM) મુકવામાં આવી છે. આ સિસ્ટમ ઇન્સ્ટોલ કર્યાના ત્રણ દિવસમાં જ ફરી માછલીઓના મૃત્યુ (FISH DIED) થયાની ઘટના સામે આવી છે. આજે સવારે સુરસાગર તળાવમા અસંખ્ય મૃત માછલીઓ મળી આવી છે. જેને તરાપામાં સવાર થઇને યુવક દ્વારા કાઢવામાં આવી રહી છે. નવી એરેશન સિસ્ટમ થકી સુરસાગર તળાવના પાણીમાં ઓક્સિજ લેવલ જળવાશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. જો કે, હવે દાવાથી વિપરીત પરિસ્થિતીનું નિર્માણ થઇ રહ્યું છે.
મોટો દાવો કરવામાં આવ્યો હતો
વડોદરા પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સુરસાગર તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે. આ બ્યુટિફિકેશન બાદ સમયાંતરે તળાવમાં અસંખ્ય માછલીઓના મોતની ઘટના નોંધાઇ રહી છે. જેને ટાળવા માટે પાલિકા તંત્ર દ્વારા ત્રણ દિવસ પહેલા જ નવી એરેશન સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે. આ એરેશન સિસ્ટમ બાદ પાણીમાં ઓક્સિજનનું જરૂરી લેવલ જળવાઇ રહેશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. જો કે, નવી એરેશન સિસ્ટમ ઇન્સ્ટોલ કર્યાના ત્રણ દિવસમાં જ સુરસાગરમાં માછલીઓના મૃતદેહ મળી આવ્યા છે.
સીધો અધિકારીને મેસેજ જશે
આજે સવારે તરાપામાં બેસીને એક પછી એક મૃત માછલીઓ એકત્ર કરવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ એરેશન સિસ્ટમ એટલી હાઇટેક છે કે, સિસ્ટમમાં ખામી સર્જાય તો સીધો અધિકારીને તેનો મેસેજ જશે. જો કે, દાવાઓથી વિપરીત સુરસાગર તળાવમાં માછલીઓના મૃત્યુનો સિલસિલો જારી છે. વડોદરા પાલિકા દ્વારા શહેરના જળાશયોની જાળવણીમાં કચાશ રાખવામાં આવી રહી હોવાનું આ કિસ્સા પરથી વધુ એક વખત ફલિત થવા પામે છે. હવે માછલીઓના મૃત્યુની ઘટના રોકવા માટે પાલિકા તંત્ર દ્વારા કયા નક્કર પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.
2 કોમ્પ્રેસર અને 15 ડિફ્યુઝર લગાડવામાં આવ્યા
પાલિકાના સુત્રોએ ઉમેર્યું કે, વહીવટી તંત્ર દ્વારા ગત ગુરૂવારે સુરસાગરમાં વધુ કેપેસીટીવાળી સ્ટોરેજ ટેન્ક અને એર ડ્રાયર મુકવામાં આવ્યા છે. જેમાં 2 કોમ્પ્રેસર અને 15 ડિફ્યુઝર લગાડવામાં આવ્યા છે. જેથી તળાવમાં ઓક્સિજનની માત્રા જળવાઇ રહેશે. આગામી સપ્તાહમાં 15 ડિફ્યુઝર વધુ લગાડવાનું આયોજન હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : વેકેશનના અંતિમ દિવસોમાં માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં વિજળી ગુલ


