Home » ગરમીએ છેલ્લા 10 વર્ષનો તોડ્યો રેકોર્ડ, અમદાવાદ સહિત 5 શહેરમાં તાપમાન 44 ડિગ્રીને પાર
ગરમીએ છેલ્લા 10 વર્ષનો તોડ્યો રેકોર્ડ, અમદાવાદ સહિત 5 શહેરમાં તાપમાન 44 ડિગ્રીને પાર
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
96
આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનું પ્રમાણ વધુ નોંધાઇ રહ્યું છે. દિવસો જતા તાપમાનમાં વૃદ્ધિ થઇ રહી છે. ગુજરાતમાં તો ગરમીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અહીં સ્થિતિ એવી છે કે, બપોરના સમયમાં રોડ-રસ્તાઓ પર જાણે કર્ફ્યું લાગ્યો હોય તેવું વાતાવરણ જોવા મળે છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો હવે પરેશાન થઇ ગયા છે.સતત વધતી ગરમીના કારણે બપોરે રસ્તા સુમસામ જોવા મળે છે. વળી જો અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં આ માસમાં 10 વર્ષમાં સૌથી વધુ ગરમી નોંધાઇ છે. 44 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું છે. મોટાભાગના શહેરોમાં સીઝનની સૌથી વધુ ગરમી આજે નોંધાઈ છે અને હજુ હીટવેવ જારી છે. મહત્વનું છે કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હીટવેવની વકી છે. વળી આ જોતા આવનારા સમયમાં તાપમાનના જૂના વિક્રમો તૂટે અને વધારે ગરમીના નવા રેકોર્ડ નોંધાય એવી પણ શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં એક્ટિવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગેરહાજરીને કારણે વરસાદ ઓછો પડવાથી ગરમીમાં વધારો થયો છે. ગરમીનું સતત વધવું હવે લોકોને ખૂબ હેરાન કરી રહ્યું છે. ગરમી રોજ તેની નવી ક્ષિતિજોને આંબી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી આકાશમાંથી અગનગોળા સમાન સૂર્યના આકરા કિરણો નીકળી રહ્યા છે. ગરમી એટલી છે કે ડામર પણ ઓગળી જાય, આવી અસહ્ય ગરમીમાં લોકો હવે કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. લોકો ગરમીથી બચવા માટે લીંબુ સરબત અને અન્ય ઠંડા પીણાનો સહારો લઇ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ગરમીનું પ્રમાણ વધતુ હોય એવું નિષ્ણાતોનું માનવું છે.
એપ્રિલમાં ગરમીનું પ્રમાણ આટલું વધારે છે તો હજુ મે અને જૂન કેવો રહેશે, હવે આ ચિંતા પણ થઇ રહી છે, જોકે તે થવું પણ સ્વાભાવિક છે. ગરમીને તો માણસ રોકી શકશે નહીં પરંતુ તેનાથી બચવા શું કરવું તે આપણા હાથમાં જરૂર છે. મહત્વનું છે કે, બનાસકાંઠા, જુનાગઢ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, પોરબંદરમાં સિવિયર હીટવેવ માટે ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, સાબરકાંઠામાં હીટવેવ માટે યલો એલર્ટ જારી કરાયું છે અને લોકોને તડકામાં બહાર નહીં નીકળવા, તરસ ન લાગી હોય તો પણ પૂરતું પાણી પીવા, બહાર જવું પડે તો માથુ અચુક ઢાંકવા, હળવા લાઈટ કલરના વસ્ત્રો પહેરવા અપીલ કરાઈ છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject