47

રશિયા યુક્રેન સામે યુદ્ધ કરવા માટે સતત આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ છે. તેના પર વિવિધ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં રશિયાએ પીછેહઠ કરવાના બદલે દુનિયાને ધમકી આપવાનો પ્રયાસ શરૂ કર્યો છે. રશિયાએ વિશ્વને ત્રીજા વિશ્વ યુદ્ધની ધમકી આપતા પરમાણુ યુદ્ધ કરવાની વાત કરી છે.
પરમાણુ હથિયારોનો ઉપયોગ કરીને ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ કરવામાં આવશે તો તે વિનાશક હશે
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ (Sergei Lavrov)એ ચેતવણી આપી છે કે, જો પરમાણુ હથિયારોનો ઉપયોગ કરીને ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ કરવામાં આવશે તો તે વિનાશક હશે. રશિયાએ કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બઈડેન જાણે છે કે પ્રતિબંધોના શું પરિણામ આવશે. રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું, મોસ્કો કીવ સાથે બીજા રાઉન્ડની વાતચીતની તૈયારી કરી રહ્યું છે. પરંતુ યુક્રેનિયન પક્ષ વોશિંગ્ટનના ઇશારે પોતાના પગ પાછળ ખેંચી રહ્યું છે. લવરોવે કહ્યું, ‘અમે વાતચીતના બીજા રાઉન્ડ માટે તૈયાર છીએ, પરંતુ યુક્રેનિયન પક્ષ અમેરિકાના આદેશ પર ટાળી રહ્યું છે.’ તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે બુધવારે કહ્યું હતું કે મોડી સાંજે રશિયન પ્રતિનિધિમંડળ વાટાઘાટ સ્થળ પર યુક્રેનિયન વાર્તાકારોની રાહ જોશે. પેસ્કોવએ અગાઉ પુષ્ટિ કરી હતી કે, રાષ્ટ્રપતિના સહાયક વ્લાદિમીર મેડિન્સકી, યુક્રેન સાથેની રશિયાની વાટાઘાટોમાં મુખ્ય રશિયન વાર્તાકાર છે.
બંને પક્ષો વચ્ચે શરૂ થયેલા આ યુદ્ધને કારણે અત્યાર સુધીમાં મોટું નુકસાન થયું છે.
આ જ બે વ્યક્તિઓના નિવેદન પહેલા, રશિયા અને યુક્રેનના અધિકારીઓએ સોમવારે બેલારુસના ગોમેલ શહેરમાં પ્રથમ રાઉન્ડની વાતચીત કરી. આ વાતચીતનો હેતુ યુક્રેન સંકટને ટાળવા અને શાંતિના માર્ગ પર પાછા ફરવાનો હતો. વ્લાદિમીર મેડિન્સકીએ પત્રકારોને જણાવ્યું હતું કે વાટાઘાટોને કારણે, યુક્રેનિયન પક્ષ કેટલાક સામાન્ય મુદ્દાઓ પર સંમત થવામાં સક્ષમ હતું, જેના વિશે અમે કહીએ છીએ કે તેના પર સામાન્ય પરિસ્થિતિઓ બનાવી શકાય છે. તેમણે કહ્યું કે, બંને પક્ષો આ સપ્તાહના અંતમાં બેલારુસમાં યોજાનારી વાતચીતના બીજા રાઉન્ડ પર સંમત થયા છે. બંને પક્ષો વચ્ચે શરૂ થયેલા આ યુદ્ધને કારણે અત્યાર સુધીમાં મોટું નુકસાન થયું છે.
યુદ્ધનો આજે આઠમો દિવસ
ઉલ્લેખનીય છે કે, યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ તીવ્ર બની રહ્યું છે. આ યુદ્ધનો આજે આઠમો દિવસ છે. રશિયાએ રાજધાની કીવ અને ખાર્કિવ શહેરમાં તબાહી મચાવી દીધી છે. ઘણી જગ્યાએ રહેણાંક વિસ્તારો અને હોસ્પિટલો પર પણ બોમ્બમારો કરવામાં આવ્યો હતો. વળી, યુક્રેને પણ સ્વીકાર્યું છે કે, રશિયન સેનાએ ખેરસન શહેર પર નિયંત્રણ મેળવી લીધું છે. આ કિસ્સામાં યુનાઇટેડ નેશન્સ એસેમ્બલીએ રશિયા સામે નિંદા ઠરાવ પસાર કર્યો છે. જોકે, ભારતે આ મતમાં ભાગ લીધો ન હતો.