અહેવાલઃ આનંદ પટણી, સુરત
સુરતના ડીંડોલી અને બારડોલી વિસ્તારમાં લોકોને છત્રીસ હજાર રૂપિયાનું રોકાણ કરી ત્રણ મહિનામાં રૂપિયા 90,000 મળશે તેવી લાલચ આપી હજારો લોકો સાથે છેતરપિંડી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આરોપીઓ દ્વારા રોકાણકારોને અન્ય રોકાણકારો લઈને આવવા માટે અલગથી કમિશન આપવાનું પણ નક્કી થયું હતું. આ ગુનામાં જે તે સમયે બે આરોપીની ધરપકડ થઈ હતી. મુખ્ય આરોપી ફરાર થઈ ગયો હતો. તેને પોલીસે બાતમીના આધારે દોઢ વર્ષ બાદ ઝડપી પાડવામાં સફળતા મળી છે.
સુરતમાં સતત છેતરપિંડીની ફરિયાદો સામે આવતી હોય છે. ત્યારે છેલ્લા દોઢ વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા એક આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પકડાયેલ આરોપી વર્ષ 2021માં ડીંડોલી વિસ્તારમાં આવેલા G-9 બિઝનેસ સેન્ટર નામની બિલ્ડીંગમાં પોતાના સાગરીતો આશિષ રાઠોડ તથા કિશન પ્રધાને S S ROYAL LIFE MULTIBIZ PRIVATE LIMITED નામની ઓફિસ ખોલી રોકાણકારોને રૂપિયા 36,000ના રોકાણ સામે માત્ર ત્રણ માસમાં રૂપિયા 90,000 જેટલું વળતર આપવાની તથા રોકાણકારની આઈ.ડી. નીચે વધારેમાં વધારે સભ્યો બનાવે તો ડાયમંડ કેટેગરી, પ્લેટિનમ કેટેગરી, કોહિનૂર કેટેગરીમાં પસંદગી કરી અલગથી બોનસ આપવાની લોભામણી લાલચ આપી હતી, જેથી વધુમાં વધુ રોકાણકારોને ફસાવી શકાય. ટૂંકા ગાળામાં વધુ રૂપિયા કમાવવાની લાલચમાં ડીંડોલીના શિવનગર ખાતે રહેતા કૈલાશ ગહેરીલાલ પટેલ ફાઇનાન્સ કંપનીમાં ₹1,86,000 નું રોકાણ કરેલ અને પાકતી મુદ્દતે કંપનીની ઓફિસે રૂપિયા લેવા જતા ઓફિસને તાળા મારી આરોપીઓ રોકાણકારો ના રૂપિયા લઈને નાસી છૂટેલ હતા.
કૈલાસે આ મામલે ડીલોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. રૂપિયા ૧૧ લાખની છેતરપિંડીની ફરીયાદ નોંધાવતા ડીંડોલી પોલીસે આશિષ રાઠોડ તેમજ કિશન પ્રધાન નામના આરોપીઓની ધરપકડ કરેલ હતી અને મુખ્ય આરોપી પ્રવીણ હરીશ અગ્રવાલને વોન્ટેડ જાહેર કરેલો હતો. પ્રવિણ અગ્રવાલે નેચરોથેરાપીની ડિગ્રી પ્રાપ્ત કરલી હોવાથી રોકાણકારોને ભ્રમિત કરવા માટે પોતાના નામ આગળ ડોક્ટર લગાવતો હતો, અને પોતે S S ROYAL LIFE MULTIBIZ PRIVATE LIMITED ફાઇનાન્સ કંપનીનો એમ.ડી. હોવાનું જણાવતો હતો.
વોન્ટેડ આરોપી પ્રવીણ અગ્રવાલે સુરત જિલ્લાના બારડોલીમાં સ્વરાજ આશ્રમ સામે આવેલ મોદી કેરની ઓફિસમાં પણ રોકાણકારોને છેતરવાના આશયથી રોયલ લાઇફ પ્રેઝન્ટ પાવર ઓફ ગોલ્ડ નામની ફાઇનાન્સની ઓફિસ ખોલી રૂપિયા 36,000 ના રોકાણ સામે 90,000 વળતરની લાલચ આપી રોકાણકારોના રૂપિયા 7,20,000 ડુબાડી દઈ નાસી ગયેલ જે અંગે બારડોલી પોલીસ સ્ટેશનમાં પણ આરોપી પ્રવીણ અગ્રવાલ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો જો કે આરોપી પોલીસ પકડથી બચવા છેલ્લા દોઢ વર્ષથી ફરતો હતો ત્યારે પોલીસે આજે બાતમીના આધારે તેને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે