Bhavnagar: જગતના તાતને પણ ડુંગળીએ રડાવ્યા, જાણો શું છે કારણ
- માર્કેટયાર્ડમાં થોડા સમય પૂર્વે ડુંગળી (Onion)ના ભાવ પ્રતિ મણ રૂપિયા 400થી 700 હતા
- ભાવમાં એક જ સપ્તાહમાં ઘટાડો થતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી
- યાર્ડમાં ડુંગળીના ભાવોમાં રૂપિયા 150થી 200 સુધીનો કડાકો
ભાવનગર જિલ્લામાં સૌથી વધુ કસ્તુરી એટલે કે ડુંગળી (Onion)નું વાવેતર કરવામાં આવે છે. ત્યારે જગતના તાત ગણાતા એવા ખેડૂતોને પણ આ કસ્તુરી રડાવી રહી છે. ડુંગળીની હરાજીના વઘેલા ભાવમાં એક જ સપ્તાહમાં ઘટાડો થતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. જેમાં ભાવનગર માર્કેટયાર્ડમાં થોડા સમય પૂર્વે ડુંગળીના ભાવ રૂપિયા 400થી 700 હતા જે હવે ખેડૂતોને ગુણીએ ભાવમાં રૂપિયા 100થી 150નો કડાકો થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
યાર્ડમાં ડુંગળીના ભાવોમાં રૂપિયા 150થી 200 સુધીનો કડાકો
ભાવનગરના તળાજા અને મહુવા માર્કેટિંગ યાર્ડમા સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો ડુંગળી (Onion)ના વેચણાર્થે આવી રહ્યાં છે. જેમાં હાલ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ રહી છે અને દિન પ્રતિદિન આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. ગત સપ્તાહમાં ખેડૂતોને પ્રતિ મણ રૂપિયા 300 થી લઈ રૂપિયા 700 સુધીના ભાવો મળતા હતા અને હવે યાર્ડમાં ડુંગળીના ભાવોમાં રૂપિયા 150થી 200 સુધીનો કડાકો જોવા મળી રહ્યો છે. તેમા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ચાલુ વર્ષમાં વધુ વરસાદ પડવાના કારણે ડુંગળી(Onion)નું ઉત્પાદન થવું જોઈએ તે થયુ ન હોવાથી ખેડૂતોની હાલ સ્થતિ કફોડી બની છે તેને લઈ હવે ભાવનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડ દ્વારા વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયેલને ડુંગળી પર લાગેલ નિકાસ ડયુટી તાત્કાલીક દુર કરવા રજૂઆત કરવામાં આવી છે. ભારત સરકારે ડુંગળીની નિકાસ પર 20 % નિકાસ ડયુટી લગાવેલ છે તે હટાવવા ભાવનગર જિલ્લાના ખેડૂતોએ પણ માંગ કરી છે. ડુંગળીની મોટા પ્રમાણમાં આવકને કારણે ભાવો ન મળતા ખેડૂતોનાં હિતમાં 20% નિકાસ ડયુટી તાત્કાલીક દુર કરવાની જિલ્લાના માર્કેટિંગ યાર્ડ દ્વારા માંગ કરવામા આવી છે અને નિકાસ ડ્યૂટી દૂર થશે તો ખેડૂતો માટે આ નિર્ણય ખૂબ લાભદાયી થશે તેવી આશા વ્યક્ત કરાઇ છે.
આ પણ વાંચો: Surat: બાંધકામ કરવા નામાંકિત કંપનીની સિમેન્ટના ઉપયોગ કરનારા લોકો ચેતી જજો
ડુંગળીના ભાવમાં એકા એક કડાકો બોલી જતા ખેડૂતોની કસ્તુરી પાણીના ભાવે વેચાઈ
આમ તો ભાવનગર જિલ્લામાં કસ્તુરી(Onion) મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેને લઈ હવે સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. શરુઆતમાં ખેડૂતોને 600 થી લઈ 700 રૂપિયા જેવા ભાવ મળતા પરંતુ તેની સામે આવક ઓછી હતી. પરંતુ હાલ જિલ્લાના મહુવા, તળાજા અને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક વધી છે પરંતુ તેની સામે ડુંગળીના ભાવમાં એકા એક કડાકો બોલી જતા ખેડૂતોની કસ્તુરી પાણીના ભાવે વેચાઈ રહી છે. જેનું એક જ કારણે છે કે ગોંડલ, મહુવા, ભાવનગર સહિતના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક વધી છે અને તેની સામે નિકાસ ડયુટી લગાવતા ભાવ ગગડી ગયા છે. જેમાં ખેડૂતોને ભાવ નહિ મળતા રોષ જોવા મળી રહ્યો છે.
અહેવાલ: કુણાલ બારડ, ભાવનગર
આ પણ વાંચો: Kutchમાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કારસ્તાન પકડાયું


