Panchmahal : ગોધરાના તરવડી ગામમાં લોહીના સંબંધોમાં રેડાયું લોહી, મોટાભાઈની ટકોરને નાનો ભાઈ સમજી બેઠો અપમાન
- પંચમહાલના ગોધરા તાલુકામાં સંબંધોનું ખૂન
- તરવડી ગામમાં લોહીના સંબંધોમાં રેડાયું લોહી
- ભાઈએ મોટા ભાઈને ઉતાર્યો મોતને ઘાટ
- મોટાભાઈએ નાના ભાઈને કરી હતી ટકોર
ગોધરા તાલુકાના તરવડી ગામમાં રહેતાં તખતસિંહ પટેલ નામના યુવકની હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. હત્યાની આ ઘટના નાનાકડા ગામમાં મોટી એટલા માટે છે, કારણકે તખતસિંહની હત્યા અન્ય કોઈએ નહીં પણ તેના જ સગા ભાઈએ કરી છે. પોલીસના દરેક સવાલના જવાબ આપી રહેલો અને એક-એક વાત જણાવી રહેલા આરોપીનું નામ દિનેશ છે. જેની પર તેના જ મોટાભાઈ તખતની હત્યાનો આરોપ છે. જે ભાઈને આંગળી પકડીને મોટાભાઈએ ચાલતા શીખવ્યું આજે એ જ ભાઈની હત્યાના આરોપસર દિનેશની ધરપકડ કરવામાં આવી છે.
મોટાભાઈએ આપેલો ઠપકો દિનેશ ભૂલી શક્યો નહીં
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે તે મુજબ, 30 વર્ષની ઉંમરનો તખતસિંહ તેની પત્ની, બે સંતાન અને ભાઈ દિનેશ સાથે રહેતો હતો. બન્ને ભાઈ મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દિનેશના લગ્ન બાકી હોવાથી તે મોટાભાઈની સાથે જ રહેતો અને બન્ને ભાઈ સાથે જ મજૂરીકામ કરવા જતા હતા. થોડા દિવસ અગાઉ તખતસિંહ તેની પત્ની, બે સંતાનો અને ભાઈ સાથે લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાં, તખતસિંહે નાના ભાઈ દિનેશને કોઈ બાબતે ટકોર કરી હતી. જેને લઈ બન્ને ભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે, સમાજનો પ્રસંગ હોવાથી એ ઝઘડાનો અંત ત્યાં જ આવી ગયો હતો. પરંતુ, મોટાભાઈએ આપેલો ઠપકો દિનેશ ભૂલી શક્યો નહીં.
ફરિયાદના આધારે આરોપી દિનેશની ધરપકડ કરી
નાના ભાઈએ કરેલી જાહેરમાં ટકોરથી દિનેશનું સ્વમાન ઘવાયું હતું. એ વાત તેના મગજમાં કાંટાની જેમ ખૂંચ્યા કરતી હતી. તેનું સમાધાન કરવા માટે દિનેશે મોટાભાઈની હત્યા કરવાનું મનોમન નક્કી કરી લીધું. બનાવના દિવસે તખતસિંહ તેના જૂના મકાન તરફ જઈ રહ્યો હતો. ત્યારે, દિનેશ હાથમાં લોખંડની કોસ લઈને આવ્યો અને મોટાભાઈના માથામાં ફટકો મારી દીધો. પતિને બચાવવા તખતની પત્ની સોનલ વચ્ચે પડી પણ ત્યાં સુધી તો દિનેશે હુમલો કરી દીધો હતો. જેના કારણે, તખતસિંહ લોહી લુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો અને ગણતરીની મિનિટમાં પ્રાણ પંખેરુ ઉડી ગયું.આ જોઈ ડઘાઈ ગયેલી સોનલે તાત્કાલિક પોલીસને જાણ કરી. માહિતી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી. તખતસિંહની લાશને પીએમ માટે મોકલી સોનલનું નિવેદન લીધું અને તેની ફરિયાદના આધારે આરોપી દિનેશની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ Surat : ત્રણ વર્ષ પહેલા થયેલ ચોરીનો ઉકેલાયો ભેદ, ઘણા સમયથી પોલીસને આપી રહ્યો હતો હાથતાળી
પત્નીએ પતિ તો બે સંતાનોએ પિતા ગુમાવ્યો
મોટાભાઈએ કરેલી ટકોરને દિનેશે તેના મનમાં અપમાન તરીકે લીધી..ભાઈએ જાહેરમાં તેનું અપમાન કર્યુ હોવાનું માની દિનેશે જે પગલું ભર્યુ તેના કારણે એક હસતો-ખેલતો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. દિનેશના કાતિલ પગલાથી મોટાભાઈએ જીવ ગુમાવતા તેની પત્નીએ પતિ તો બે સંતાનોએ પિતા ગુમાવ્યો છે. આમ, ક્ષણભરના આવેશ અને અપમાનના બદલાની ભાવનાથી વધુ એક પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે.


